Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો અને ટોળકીએ મહિલા એએસઆઇની ફરજમાં રૂકાવટ કરી ગુંડાગીરી આચરી ધમકી દીધીઃ ૪ પકડાયા

જુના મોરબી રોડ પર નાઇટ પેટ્રોલીંગ વખતે ઇભલાનો ભાઇ ફિરોઝ અને મિત્ર જયદિપ નંબર વગરના ત્રણ વાહનો સાથે ઉભા હોઇ એએસઆઇ અનીતાબેન બકુતરાએ કાગળો માંગતા ફિરોઝે ફોન કરી પોતાના ભાઇઓ ઇભલો, અશરફ, મહેબૂબ અને માતાને બોલાવી ડખ્‍ખો કર્યો : ઇભલાએ તેના ભાઇ ફિરોઝને કહ્યું-‘ તું અહિ ઉભો જ શું કામ છો, ભાગી જા' કહી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યુઃ તમે પૈસા લેવા આવ્‍યા છો, હું સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી દઇશ, મારા ભાઇને મુકી દ્દયો નહિતર સારાવટ નહિ રહે...કહી ઝપાઝપી કરીઃ ફિરોઝે પણ મને મુકી દો નહિતર દવા પી જઇશ અને તમારા નામ લખાવતો જઇશ કહી હાથ મરડી નાંખ્‍યો : પોલીસની વધુ ગાડી આવતાં ઇભલો કારમાં ભાગી ગયોઃ તેના ભાઇ ફિરોઝ, મિત્ર જયદિપને ઘટના સ્‍થળેથી પકડી લેવાયાઃ બાકીના બે મહેબૂબ અને અશરફને પીઆઇ કે. જી. બારોટ અને ટીમે દબોચી લીધા

જુના મોરબી રોડ વિસ્‍તારમાં માથાભારે-નામચીનની છાપ ધરાવતાં ઇબ્રાહીમ ઉર્ફ ઇભલાનો ફાઇલ ફોટો, બાજુની તસ્‍વીરમાં અગાઉની ક્રાઇમ બ્રાંચે તેને દબોચી વિસ્‍તારમાં લોકો પાસે માફી મંગાવી હતી ત્‍યારનું દ્રશ્‍ય જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: શહેરના જુના મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસમાં રહેતાં અને ૪૫થી વધુ ગુનાઓમાં પોલીસ ચોપડી ચડી ચુકેલા તેમજ પાંચેક વખત પાસાની હવા ખાઇ ચુકેલા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલા અને તેના ભાઇઓએ ફરી લખણ ઝળકાવ્‍યા છે. મોડી રાતે મોરબી રોડ પર પેટ્રોલીંગમાં રહેલા બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના મહિલા એએસઆઇ, કોન્‍સ્‍ટેબલ અને હોમગાર્ડ જવાને નંબર વગરના ત્રણ ટુવ્‍હીલર સાથે ઉભેલા ઇભલાના ભાઇ ફિરોઝ સહિત બે શખ્‍સને પુછતાછ કરી કાગળો માંગતા ફિરોઝે ફોન કરી તેના ભાઇ ઇભલાને બોલાવી લેતાં ઇભલો, તેના બીજા એક ભાઇ, માતા સહિતે મહિલા એએસઆઇને ધમકી દઇ, તમે પૈસા માંગવા આવ્‍યો છો, વિડીયો ઉતારી વાયરલ કરી દઇશ તેમ કહી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતાં પોલીસની બીજી ગાડીઓ આવતાં ઇભલો કાર લઇ ભાગી ગયો હતો. જ્‍યારે તેના ત્રણ ભાઇ, મિત્ર સહિત ચારને પકડી લેવાયા હતાં. ઇભલાની મા પણ માથાકુટમાં સામેલ હતી.

આ બનાવમાં એએસઆઇ અમિતાબેન વનરાજભાઇ (એ. વી.) બકુતરાની ફરિયાદ પરથી ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા, તેના ભાઇ ફિરોઝ કરીમભાઇ કાથરોટીયા (ધંધો-ઘોડાગાડી ચલાવવાનો), અશરફ કરીમભાઇ કાથરોટીયા, મહેબૂબ કરીમભાઇ કાથરોટીયા, ઇભલાની માતા (રહે. મોરબી રોડ દયાળ મીલ સામે શાળા નં. ૭૭ પાસે) તથા જયદિપ જીતેન્‍દ્રભાઇ સોલંકી (રહે. ગણેશનગર-૧૧/૮નો ખુણો મોરબી રોડ) વિરૂધ્‍ધ આઇપીસી ૧૮૬, ૩૫૩, ૩૩૨, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી ચાર આરોપીઓ ઇભલાના ભાઇઓ મહેબૂબ, અશરફ, ફિરોઝ તથા જયદિપને પકડી લીધા છે. ઇભલો સફેદ રંગની કારમાં નાશી ગયો હતો.

આસી. સબ ઇન્‍સ. એ. વી. બકુતરાએ જણાવ્‍યું હતું કે હું રાતના આઠથી સવારના આઠ સુધી નાઇટ ડયુટીમાં ફરજ પર હતી. મારી સાથે રાઇટર કોન્‍સ. ભાવેશભાઇ સોમાભાઇ તથા હોમગાર્ડ નિલેષભાઇ રામકિશનસિંહ યાદવ એમ અમે ત્રણેય વન નંબર ગાડીમાં પેટ્રોલીંગમાં નીકળ્‍યા હતાં. રાત્રીના એકાદ વાગ્‍યે જુના મોરબી રોડ સીટી સ્‍ટેશન આગળ જાહેર રોડ પર ત્રણ નંબર પલેટ વગરની ગાડી જોતાં તેના અમારી ગાડી ઉભી રાખી ત્‍યાં હાજર શખસો પાસે ગાડીના કાગળો વગેરે માંગતા તેમજ નામ પુછતાં એક શખ્‍સે પોતાનું નામ ફિરોઝ કરીમભાઇ કાથરોટીયા જણાવ્‍યું હતું. ફિરોઝે ત્રણમાંથી બે ગાડી પોતાની હોવાનું કહ્યું હતું. જ્‍યારે ત્રીજા એક્‍ટીવા ચાલકને પુછતાં તેણે પોતાનું નામ જયદિપ જીતેન્‍દ્રભાઇ સોલંકી જણાવ્‍યું હતું.

તેની પાસે ગાડીના કાગળ માંગતા તેણે હું ઘરેથી કાગળો મંગાવું છું તેમ કહ્યું હતું. એ પછી મારી સાથેના કોન્‍સ્‍ટેબલ ભાવેશભાઇ ત્‍યાં પડેલી એક બાઇક પોલીસ સ્‍ટેશન ખાતે મુકવા ગયા હતાં. એ દરમિયાન ફિરોઝે ફોન કરી દેતાં તેનો ભાઇ ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કાથરોટીયા સફેદ કલરની કાર લઇને આવ્‍યો હતો. તેની સાથે અશરફ કરીમભાઇ કાથરોટીયા પણ હતો. ઇભલો તેના ભાઇને કહેવા માંડયો હતો કે-તું તારે ભાગી જા, અહિ ઉભો જ શુંકામ છો. જેથી મેં ફિરોઝને પકડી લીધો હતો. આ વખતે ઇભલો ઉશ્‍કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ બોલવા માંડયો હતો. તેમજ અમારો વિડીયો પોતાના ફોનમાં ઉતારી કહેવા લાગ્‍યો કે તમે અહિ પૈસા લેવા આવ્‍યા છો, હું વિડીયો વાયરલ કરી દઇશ.

આ પછી ઇભલાએ મારી સાથે હાથ લાંબો કરી મારા ભાઇને મુકી દો નહિતર સારાવટ નહિ રહે તેવી ધમકી આપી હતી. ફિરોઝે પણ મને મુકી દો નહિતર દવા પીને તમારા બધાના નામ લખાવતો જઇશ તેવી ધમકી આપી હતી. ત્‍યાં ઇભલાનો બીજો ભાઇ મહેબૂબ અને તેની માતા પણ આવી ગયા હતાં. આ બધાએ મારી સાથે તથા અમારા ડ્રાઇવર સાથે અસભ્‍ય વર્તન કરી ગાળાગાળી કરી હતી અને ઝપાઝપી કરી હતી. જેથી ડ્રાઇવર નિલેષભાઇએ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં વધારાની પોલીસ અને થોરાળા પોલીસની વન નંબર ગાડી તથા પીસીઆર સહિતનો સ્‍ટાફ અમારી મદદે આવી જતાં ઇભલો પોલીસની ગાડીને આવતી જોઇ પોતાની કાર લઇ ભાગી ગયો હતો. બાકીના બે શખ્‍સોને અમે પકડી લીધા હતાં. અમે પેટ્રોલીંગ વખતે ઇભલાના ભાઇ સહિત બે જણાને તે નંબર વગરના વાહન સાથે ઉભા હોઇ તે અંગે પુછતાછ કરતાં ધમકી દઇ વિડીયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ મને ડાબા હાથમાં ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી હતી. ફિરોઝે મારો હાથ મરડી નાંખ્‍યો હતો. તેમ વધુમાં એ. વી. બકુતરાએ જણાવતાં ગુનો દાખલ કરાયો હતો.

બનાવને પગલે પીઆઇ આર. જી. બારોટ અને ટીમે અન્‍ય બે આરોપીઓ અશરફ અને મહેબૂબને પણ પકડી લીધા હતાં. કુલ ચાર આરોપીઓને રાતોરાત પકડી લેવાયા હતાં. ઇભલો અને તેની માતાની ધરપકડ બાકી છે. અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ગયેલા ઇભલાએ ફરી વખત પોલીસની ફરજમાં રૂકાવટ કરી કાયદો હાથમાં લેતાં વધુ એક ગુનો તેના  તથા તેના ભાઇઓ, માતા સહિતના નામે નોંધાયો છે. અગાઉ ઇભલા આણી મંડળીએ વિસ્‍તારમાં ભારે ગુંડાગીરી આચરતાં જે તે વખતની ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લઇ તેને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

 

ઇભલાનો ગુનાહિત ઇતિહાસઃ હત્‍યાની કોશિષ, ખંડણી, રાયોટીંગ, ધાડ, આર્મ્‍સ એક્‍ટ, ફરજમાં રૂકાવટ સહિતના ૪૫થી વધુ ગુનામાં સંડોવણી

ગત ઓગષ્‍ટ મહિનામાં ઘોડીપાસાનો પાટલો ચાલુ કરતાં તેના સહિત ૧૧ શખ્‍સોને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા હતાં

ઞ્જ નામચીનની છાપ ધરાવતાં ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા અગાઉ ૪૫થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે અને પાંચ વખત પાસાની હવા ખાઇ ચુક્‍યો છે. બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી માંગવી, રાયોટીંગ, મારામારી, હત્‍યાની કોશિષ, ફરજમાં રૂકાવટ, જૂગાર, આર્મ્‍સ એક્‍ટ, દારૂ, એટ્રોસીટી-ધમકી, લૂંટ-ધાડ, સહિતના ગુનાઓ ઇભલો આચરી ચુક્‍યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ સુધીમાં વડોદરા, સુરત, ભુજ, અમદાવાદની જેલોમાં પાંચ વખત પાસાની હવા ખાઇ ચુક્‍યો છે. અગાઉ તેણે ગુનાખોરી આચરી ત્‍યારે જે તે વખતના ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવી, પીએઅસાઇ આર. સી. કાનમીયા, કે. કે. જાડેજા અને તેમની ટીમોએ તેને ઝડપી લીધો હતો અને વિસ્‍તારમાં લઇ જઇ આગવી ઢબે પુછતાછ કરી તેની ખો ભુલાવી દીધી હતી. ગયા ઓગષ્‍ટ મહિનામાં જ તેણે જૂગારનો પાટલો ચાલુ કરતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. મોહસીનખાન મલેક, હેમેન્‍દ્રભાઇ વાધીયા અને જયદિપસિંહ બોરાણાની બાતમી પરથી દરોડો પાડી ઇભલા સહિત ૧૧ને ઘોડીપાસા રમતાં પકડી લઇ ૬૭૪૦૦ની રોકડ કબ્‍જે લેવામાં આવી હતી. એ પહેલા પણ એક વખત ઘોડીપાસાના પાટલામાં પકડાયો હતો. ત્‍યાં હવે ફરીથી ઇભલા આણી મંડળીએ મહિલા એએસઆઇ અને સાથેના કોન્‍સ્‍ટેબલ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી છે. 

(11:38 am IST)