Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એમીક્રોન વાયરસઃ સાવચેતી ખાતર વિદેશથી આવેલા બે લોકોના સેમ્પલ પુના મોકલાશે : કલેકટરનો નિર્દેશ

હાલ કુલ ૧૭૪ માંથી ૮૪ ના સેમ્પલ લેવાયા... તમામ નેગેટીવઃ આમાં ૧૭ને અલગ તારવી એનાથી બેના રીપોર્ટ પુના મોકલાશે : આગામી દિવસોમાં કોરોના વેકસીન અંગે ૩ મેગા કેમ્પઃ ૧ લાખ લોકોને રસીનો અંદાજ... : કોરોના તૈયારી સંદર્ભે રાજકોટની તમામ પ્રાયલેટ હોસ્પીટલને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર રાખવા શંકાસ્પદ-હાઇરીસ્ક વાળા કેસ અંગે તુર્ત જ જાણ કરવા..વેકસીનેશન ઝડપથી કરવા આદેશો આપણી પાસે ૧૧ હજાર બેડની તૈયારીઓ લેબમાં હાલ રોજના ૩ હજારના ટેસ્ટીંગની ક્ષમતા...

રાજકોટ તા. ૩ :.. રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આપણા શહેર-જીલ્લામાં કોરોનાનાં એમીક્રોન વાયરસનો હજુ સુધી એક પણ કેસ થયો નથી, નોંધાયો નથી, ર દિવસ પહેલા કોર્પોરેશન-પંચાયતના ડોકટરો સાથે મીટીંગો યોજી એરપોર્ટ-રેલ્વે સ્ટેશનો ઉપર આવનાર મુસાફરોનું ટેસ્ટીંગ - સ્ક્રીનીંગ શરૂ કરી દેવાયું છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર - જીલ્લામાં ૧૦ દેશમાંથી ૧૭૪ લોકો આવ્યા તેમાંથી ૮૪ ના ટેસ્ટ કરાયા... તે તમામ નેગેટીવ આવી ગયા છે, આમાંથી ૧૭ મુસાફરોને અલગ તારવી - તેમના ટેસ્ટ કરાયા તે પણ નેગેટીવ આવ્યા છે... આમ છતાં આ ૧૭ માંથી ર મુસાફરોના ટેસ્ટ પુના લેબમાં મોકલવાનું અને નકકી કર્યુ છે, જે આગામી દિવસોમાં મોકલાશે, આ ૧૭ માંથી ૪ રાજકોટ શહેરના અને બાકીના ગ્રામ્ય ક્ષેત્રના છે.

કોરોના સામે તૈયારીઓ અંગે કલેકટરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજકોટ જીલ્લામાં કોરોના વેકસીનના ડોઝ અંગે ૩ મેગા કેમ્પ કરાશે, જેમાં ૧ લાખથી વધુ લોકોનો રસી આપવાનો ટારગેટ છે, આમાં પહેલા ડોઝના ર૦ હજાર તો બીજો ડોઝ બાકી હોય તેવા ૮૦ હજાર લોકો છે.

પ્રાયવેટ હોસ્પીટલ અંગે તેમણે જણાવેલ કે રાજકોટની તમામ મોટી પ્રાયવેટ હોસ્પીટલના ડોકટરો-મેનેજમેન્ટ સાથે મીટીંગ યોજી છે, અને તમામ હોસ્પીટલને ખાસ સાવચેતી રાખવા, શંકાસ્પદ કે હાઇરીસ્ડ વાળા કેસ હોય તો તુર્ત જ તંત્રને જાણ કરવા, તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર-બેડ અંગેની તૈયારી રાખવા, વેકસીનેશન પણ ફાસ્ટ કરવા આદેશો કર્યા છે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે પીડીયુ-પીકેજીમાં પણ બેડ તૈયાર છે, રોજના ૩ હજારનું ટેસ્ટીંગ થઇ શકે તેવી લેબ છે, આ લેબ તો ૭ હજારની ક્ષમતા ધરાવે છે, જરૂર પડયે ટેસ્ટ વધારાશે.

તેમણે જણાવેલ કે કોરોનાની બીજી વેવ દરમિયાન ૭ હજાર આસપાસ બેડની તૈયારી હતી, પરંતુ હાલ આપણી તૈયારી ૧૧ હજાર બેડની છે, રર ઓકસીઝન પ્લાન્ટ તૈયાર છે, ત્રીજી વેવ આવી નથી. પરંતુ પહોંચી વળવા તંત્ર તૈયાર છે.

(3:32 pm IST)