Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવેને જોડતા રસ્તાનું કામ પૂરજોશમાં

૩૯.૫૦ કરોડના ખર્ચે ૧૦ કિ.મી.ના ૨ માર્ગીય રસ્તાનું કામ થશે : મ્યુ. કમિશનર અને રૂડા ચેરમેન અમિત અરોરાની સ્થળ મુલાકાત

રાજકોટ તા. ૩ : શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા રીંગરોડ-૨, ફેઝ-૩,ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવેને જોડતા રસ્તા તથા પથરેખામાં આવતા ૫ મેજર બ્રીજ સાથે ૧૦.૩૦ કી.મી.નાં ૨-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. ૩૯.૫૦ કરોડનાં ખર્ચે પુર્ણતાને આરે છે જેની આજે તા. ૩ના રોજ મ્યુનિ. કમિશનર અને રૂડાના ચેરમેન અમિત અરોરાએ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.

રસ્તા તથા બ્રીજના કામોની સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અને રૂડાનાં ચેરમેને કામગીરીનું નિરિક્ષણ કરેલ તથા તે બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ રોડ પ્રોજેકટ્સ તથા બ્રીજનાં કામો આગામી ૧૫-૦૧-૨૦૨૨માં પુર્ણ કરવાની સંબધિત અધિકારીને સુચના આપી હતી. આજ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અને રૂડાના ચેરમેન સાથે રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારી એન. એફ. ચૌધરી તથા પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તેમજ પ્રોજેકટ ડાયરેકટર બી.એ.મારૂ, કાર્યપાલક ઇજનેર એસ.આર.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર મુકેશ શોઢા અને આસી. મેનેજર મોનાલી ઢોલરીયા હાજર રહ્યા હતા.

રસ્તાની કામગીરી પુર્ણ થયે ગોંડલ રોડ નેશનલ હાઇવેને ભાવનગર તથા અમદાવાદ નેશનલ હાઇવે જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર થતા ટ્રાફીકની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે.

રીંગરોડ-૨, ફેઝ-૨ કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીનો ૧૧.૨૦ કી. મી ૩  મેજર બ્રીજ સાથેનો પુર્ણ કરી ગત તા. ૮નાં રોજ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

(2:57 pm IST)