Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામે પિતાની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી પુત્રનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૩: રાજકોટ જીલ્લાના વિંછીયા સ્ટેશનમાં પિતાની હત્યા કરવાના ગુનાના આરોપસર પકડાયેલ આરોપી પુત્ર ભરત રણછોડભાઇ ડેરવાળીયા રહે. વાંગધ્રા તા. વિંછીયા જી. રાજકોટ વાળા સામે કેસ ચાલી જતા રાજકોટના મહે. એડીશ્નલ સેસન્સ જજશ્રીએ રજુ થયેલ પુરાવાઓ અને ગુણદોષ ઉપર આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ ફરીયાદની ટુકમાં હકીકત એવી છે. કે આ કામના ફરીયાદી જેન્તીભાઇ રણછોડભાઇ ડેરવાળીયા સાંજના આશરે પાંચેક વાગ્યાના વખતે પોતાના વેપાર સબબ રોકાયેલ હતા ત્યારે તેમના ગામના મુળુભાઇ મથુરભાઇ ડેરવાળીયા તથા કરશનભાઇ પોપટભાઇ ભીંજયા ફરીયાદી પાસે આવી ફરીયાદીને વાત કરેલ કે તારા બાપુજી તમારા પ્લોટમાં ખાટલા ઉપર સુતેલા છે અને તેનું મોઢું છૂંદાય ગયેલ છે તેમ વાત કરતા ફરીયાદી તથા અન્ય લોકો બનાવ વાળી જગ્યાએ પહોંચેલ હતા અને ત્યાં જઇને જોયું તો ફરીયાદીના બાપુજી ત્યાં ખાટલા ઉપર સુતેલા હતા અને તેના મોઢું છૂંદાય ગયેલ હતું અને આ વખતે ફરીયાદી દ્વારા તેના સગાસંબંધીને જાણ કરવામાં આવેલ હતી અને આ વખતે ફરીયાદીના ગામના ઘણા માણસો ભેગા થઇ ગયેલા હતા અને વિંછીયા પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે જાણ કરેલ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ હતો અને આ સમયે ફરીયાદી દ્વારા તેના પિતાને મોઢા ઉપર જે ઇજાના નિશાનો હતા તે કોઇ જાનવર ખાઇ ગયેલ હોય તેવી શંકા હતી જેથી તેમણે તેમના બાપુજીને મરણ બાબતે વિંછીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની જાણ કરેલ હતી.

આ બાબતે આગળની તપાસમાં જાણવા મળેલ કે બનાવના આગલા દિવસે ફરીયાદીના ભાઇ ભરતને અને તેમના બાપુજી વચ્ચે ઝઘડો થયેલ અને ફરીયાદીના બાપુજીને આ ઝઘડામાં મોઢાના ભાગે વાગેલ હોય અને ફરીયાદીના ભાઇ ભરતને પણ વાગી ગયેલ હોય અને આ ફરીયાદીનો ભાઇ ભરત આ બનાવ બન્યા બાદ ગામમાં કયાંય દેખાતો ન હોય ત્યારબાદ તપાસમાં જાણવા મળેલ કે ફરીયાદીના નાના ભાઇ ભરત અને પિતા વચ્ચે ઝઘડો થતાં આ આરોપી ભરતે ગુજરનારના મોઢા ઉપર ધારદાર કુહાડો મારી દેતા ગંભીર ઇજા થતા ફરીયાદીના પિતાનું મોત નિપજાવેલ હોય જે સબબની ફરીયાદ ભરતભાઇ રણછોડભાઇ ડેરવાળીયા સામે નોંધવામાં આવેલ હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયાને અંતે પુરતો પુરાવો મળી આવવાનું જણાઇ આવતા તપાસ કરનાર અધિકારી દ્વારા હાલના કામમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું.

જરૂરી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે હાલના કામે જરૂરી મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને આ કામે બચાવ પક્ષે આરોપી તરફેની જરૂરી રજુઆતો કરવામાં આવેલ હતી તેમજ ફરીયાદ પક્ષનો મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવો જોતા ફરીયાદી તથા સાહેદો ફરીયાદપક્ષના કેસને સમર્થન કરતા ન હોય તેમજ એવી કોઇ ચોક્કસ હકીકત આવેલ ન હોય અને આરોપીઓ સામેની આક્ષેપીત હકીકત પુરવાર થતી ન હોય જેથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા માંગણી કરેલ હતી.

ઉપરોકત તમામ હકીકતો તેમજ દલીલો ધ્યાને લઇ રાજકોટના એડીશ્નલ સેસન્સ જજ શ્રી મંતવ્ય ઉપર આવેલ કે ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી ભરતભાઇ રણછોડભાઇ ડેરવાળીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી રણજીત એમ. પટગીર, મીતેશ એચ. ચાનપુરા તેમજ વિંછીયાના કુલદીપભાઇ જાદવ રોકાયેલ હતા.

(2:49 pm IST)