Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

માતા - સાસુના પુણ્યાર્થે - મોક્ષાર્થે પાંચ બ્રાહ્મણ પુત્રીઓ અને જમાઇઓ દ્વારા 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ' કાલે વિરામ પામશે

રાજકોટ તા. ૩ : શહેરમાં બેડીનાકા સ્થિત ૧૪૦ વર્ષ પુરાણા શ્રી કામનાથ મહાદેવના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા ચાલુ છે. ૧૮ પુરાણોમાં સૌથી મહત્વનો અને મહાપુરાણએ 'શ્રીમદ ભાગવત પુરાણ'ને ગણાવ્યો છે. એ રીતે તો એનું માહત્મ્ય છે જ, પણ એથી પણ વધુ મહત્વનું આ કથાના યજમાન અને આયોજક તથા કથાનો હેતુ જાણ્યો ત્યારે વિશેષ આશ્ચર્ય સર્જાયું છે. બેડી નાકે રહેતા ગંગાસ્વરૂપા શ્રીમતિ મંજુલાબેન જટાશંકર(જટુભાઈ વડિયા)ના પુણ્યાર્થે આ કથાનું આયોજન થયું છે.

ગં.સ્વ.મંજુલાબેનનુંસાત માસ પહેલા અવસાન થયું હતું. આ માજી એકલા રહેતા હતા. એમને પુત્રો ન હતા. પાંચ પુત્રીઓ હતી અને તે બધી જ સાસરે. બહારગામ રહેતી. મંજુલાબેન જીવનનો અંતિમ મહિનો બીમાર રહેતાં તેમને તેમની પુત્રી તેમના ઘેર લઇ ગઇ અને માજીની સારવાર કરાવી. પરંતુ માજીએ પુત્રીની પાસે જ અંતિમ શ્વાસ લીધા.

આ બહારગામ રહેતી પાંચ પુત્રીઓ અને જમાઈઓએ માની-સાસુની આત્માના મોક્ષ અને પૂણ્યાર્થે માતાના નિવાસસ્થાન પાસે જ શ્રીમદ ભગવદ્દ સપ્તાહ બેસાડી. આમ દીકરીઓ અને જમાઈઓ દ્વારા માતા-સાસુના મોક્ષાર્થે ઈશ્વર કાર્ય થઈ રહ્યુ છે.

આ કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાકારશ્રી રાજભાઈ વિનાયકભાઈ સાતા (૭૩૮૩૪ ૧૯૦૨૧), પડધરીવાળા દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. આ કથાકાર બીલખાના આનંદ આશ્રમ તથા કાશી વારાણસી ખાતે વિદ્યાભ્યાસ કર્યો હતો.

આ ભાગવત કથા પિંદુ(પ્રતિભા)બેન યોગેશભાઈ જોશી કલકત્ત્।ા, જયશ્રીબેન જગદીશભાઈ જીંદાણી કેશોદ, નીલમબેન પ્રફુલભાઈ ટંકારીયા રાજકોટ, શર્મિલાબેન ચંદ્રેશભાઈ કનેયાભાઈ જેતપુર તથા રેખાબેન ભાવેશભાઈ લહેરુ મોટી પાનેલી દ્વારા યોજાઈ છે. આ કથામાં ભગવતાચાર્ય સાથે તેમની ભજન- કીર્તનની ટીમમાં યજ્ઞ આચાર્ય જીગરભાઈ મહેતા, સંગીતકાર વિનાયકભાઈ સાતા, કિશોરભાઈ વ્યાસ અને હિરેનભાઈ ત્રિવેદી સામેલ છે. જેમાં પ્રથમ દિવસે ભાગવત પોથી યાત્રા નીકળેલ હતી. ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે ઉલ્લાસથી ઉજવાયો હતો. પાંચમા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકુટનું આયોજન થયું હતું.

સાત દિવસ સુધી ચાલનાર આ કથામાં દરરોજ ૫૦ થી ૬૦ જેટલા લોકોને સાત દિવસ એક સાથે રાખવા. તેમના ત્રણ સમયના ભોજન - રહેઠાણની વ્યવસ્થા કરવી. ચા, બંને સમયની પ્રસાદી, દરરોજના ફૂલહાર, ફૂલ પડા, માઈક, વ્યાસ કથા કરનાર વકતા શાસ્ત્રીજી તથા તેમના વાજિંત્રો વગાડનાર પાંચ ટીમને સાત દિવસની દક્ષિણા આપવાની રહે છે. આ તમામ વ્યવસ્થાઓ આ પાંચ દીકરીઓ અને જમાઈઓ દ્વારા થયું છે. આ કથાની પૂર્ણાહુતી કાલે તા. ૪ના થશે.

(2:46 pm IST)