Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પુસ્તક અવલોકન ધન્વી માહી

યોગ અભ્યાસુઓ-સાધકો માટે સરળ અને સુગમ માર્ગદર્શનરૂપ પુસ્તક 'યોગ અને માનસિક સ્વાસ્થ્ય'

શીર્ષક : 'યોગ અને માનસિક સ્વાસ્થ્ય'

લેખક : પ્રા. રણજીતસિંહ ભોગલ

પ્રકાશક : કૈવલ્યધામ લોનાવાલા

ISBN : 81-89485-65-2

મૂલ્ય : રૂ. ૨૫૦

કૈવલ્યધામ લોનાવાલાની સ્થાપના વર્ષ ૧૯૨૪ માં સ્વામી કુવલયાનંદજી દ્વારા કરવામાં આવી હતી. સ્વામીજીના પ્રયત્નોથી કૈવલ્યધામ દ્વારા યોગ વિષયક અને વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવ્યા છે. આ સાથે યોગ અંગે પ્રમાણિત સાહિત્યનું પ્રકાશન પણ કરવામાં આવે છે. આ અંતર્ગત તાજેતરમાં જ 'યોગ અને માનસિક સ્વાસ્થય' પુસ્તક કૈવલ્યધામના પૂર્વ આચાર્યશ્રી રણજીતસિંહ ભોગલ દ્વારા હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતુ. વર્તમાનમાં તેઓશ્રી કૈવલ્યધામના સંયુકત નિર્દેશક (સંશોધન વિભાગ) તરીકે સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે.

આ પુસ્તકના ગુજરાતી અનુવાદનું કાર્ય મહેશ દોશી પૂર્વ તંત્રીશ્રી ફુલછાબ રાજકોટ અને માનદ સલાહકાર પ્રોજેકટ લાઇફ રાજકોટ દ્વારા કરવામાં આવ્યુ છે.

પુસ્તકમાં યોગમાં રૂચિ ધરાવનાર યોગ વિદ્યાર્થીઓ, યોગ અભ્યાસુઓ અને યોગ સાધકો માટે ખુબ ઉપયોગી સરળ અનુ સુગમ માર્ગદર્શક વિગતો પીરસવામાં આવી છે. મનોવૈજ્ઞાનિક બાબતોને આવરી તૈયાર કરાયેલ આ પુસ્તકના પ્રથમ ભાગમાં વિકારોના કારણો, યૌગિક ઉપાયો, ભારતિય પરીપ્રેક્ષ્ય, સમાયોજન, દ્વંદ, નિરાશા જેવા પ્રકરણો આલેખવામાં આવ્યા છે. તો બીજા ભાગમાં યમ-નિયમ, આસન, પ્રાણાયામ, અધ્યાત્મિક પક્ષ, ઓમકાર અને ધ્યાન, સંકલ્પના જેવા પ્રકરણો છે. ટુંકમાં યોગમાં રસધરાવતા સર્વેને પસંદ પડે તેવુ પુસ્તક છે. પ્રાપ્તિ માટે મો.૮૫૧૧૩ ૩૧૧૩૩ ફોન ૦૨૮૧-૨૪૭૯૧૩૩ અથવા પ્રોજેકટ લાઇફ, રેસકોર્ષ રીંગરોડ, રાજકોટનો સંપર્ક કરી શકાશે.

વિમોચન : કૈવલ્યધામ દ્વારા પ્રકાશિત અને પ્રોજેકટ લાઇફ દ્વારા ગુજરાતીમાં અનુવાદિત 'યોગ અને માનસિક સ્વાસ્થ્ય' પુસ્તકનું વર્ચ્યુઅલ વિમોચન પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, આર્ષ વિદ્યામંદિર રાજકોટના સંસ્થાપકના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ સમયે પૂ. ઓ.પી. તિવારીજી સેક્રેટરી કૈવલ્યધામ, સુબોધ તિવારીજી સી.ઇ.ઓ. કૈવલ્યધામ, ડો. કમલ પરીખ એમ.ડી. રાજકોટ, પરીન સોમાની મોટીવેશ્નલ સ્પીકર યુ.કે., પુસ્તકના લેખક પ્રો. આર. એસ. ભોગલ કૈવલ્યધામ, મહેશ દોશી પૂર્વ તંત્રી ફુલછાબ અને પુસ્તકના અનુવાદક, ચંદ્રકાન્ત કોટીચા એકઝીકયુટીવ ટ્રસ્ટી પ્રોજેકટ લાઇફ, મિતલ કોટીચા શાહ જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી પ્રોજેકટ લાઇફ ઉપસ્થિત રહ્યા હતા.

(2:47 pm IST)