Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

૧૫ મી. ઉંચાઇના બિલ્ડીંગની ઓનલાઇન પ્લાન મંજુરીનું લોન્ચીંગ કરતા વિજયભાઇ રૂપાણી

હવે લો-રાઇઝ અને નાના રહેણાંક મકાનોના પ્લાન પણ આંગળીના ટેરવે પાસ થશે : માર્જીન, પાર્કિંગ, ઉંચાઇ, ફાયર સેફટી સહિતના ૧૫ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે : જો એક પણ કાગળ અધુરો હશે તો : પ્લાન નામંજૂર : અરજદારે કબુલાતનામુ પણ આપવું પડશે : ગાંધીનગરમાં સોફટવેર લોન્ચીંગ કાર્યક્રમમાં મેયર બીનાબેન, પ્લાનીંગ ચેરમેન અનિતાબેન અને ટીપીઓ સાગઠિયાની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૩ : મહાનગરોમાં ૧૫ મીટર ઉંચાઇ સુધીના લો-રાઇઝ તથા રહેણાંક મકાનોની પણ હવેથી ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરી મળી જશે. આ માટેના ખાસ સોફટવેરનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે લોન્ચીંગ કરાયું હતું.

આ અંગે ટી.પી.ઓ. દ્વારા અપાયેલ પ્રાથમિક વિગતો મુજબ અરજદારને ઓનલાઇન સીસ્ટમ થકી વિકાસ પરવાનગી પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્યમાં ૧૫ મીટર (એટલે કે જમીનથી બાંધકામના ટોપ સુધી ફાયર માટેની વ્યાખ્યા મુજબ) સુધીની ઉંચાઇ ધરાવતા બાંધકામો માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીટમ (ODPS) લાગુ કરવામાં આવેલ છે. વિવિધ એસોસીએશન અને ઓડીપીએસના હેલ્પડેસ્કમાં પ્રાપ્ત થયેલ વિવિધ રજૂઆતોને ધ્યાને લેતા વિકાસ પરવાનગીમાં સોફટવેર દ્વારા નકશાની અતિ મહત્વના પેરામીટર્સની ચકાસણી કરવામાં આવે અને તે તમામ પેરામીટર્સ સંતોષાતા હોય તો પ્લાન અપ્રુવ કરવામાં આવે અને તે સિવાયના અન્ય પેરામીટર્સ પર્સન ઓન રેકર્ડ દ્વારા સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણની જોગવાઇઓ મુજબ જ નકશામાં સૂચિત કરવામાં આવેલ હોવાની અંગત ખાતરી કર્યાનું દર્શાવી અને તે મુજબ સ્થળ પર વિકાસ કાર્ય કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવે તો વિકાસ પરવાનગી મેળવવાની ઓનલાઇન પધ્ધતિમાં અરજદારોને વધુ સરળતા રહે તે સરકારશ્રીની વિચારણા હેઠળ હતું. પુખ્ત વિચારણાને અંતે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ મારફત પ્રાપ્ત થતી વિકાસ પરવાનગીઓની અરજી અન્વયે આજે તા. ૩થી ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરીની કાર્યપધ્ધતિ અમલમાં લાવવા તમામ મહાનગરપાલિકા, તમામ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને તમામ નગરપાલિકાને સરકારે જણાવ્યું છે.

આ અંગે સરકારના પરિપત્રમાં જણાવાયું છે કે, ૧૫ મી.થી વધુ ઉંચાઇના બાંધકામોની વિકાસ પરવાનગી મેળવવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઇન પધ્ધતિ પ્રમાણે પણ કરી શકાશે. ૧૫ મી. સુધીની ઉંચાઇના બાંધકામોની વિકાસ પરવાનગીની પ્રક્રિયા ઓનલાઇન પોર્ટલ મારફત કરવાની રહેશે.

જેમાં આર્કીટેક - એન્જીનિયર્સ તરફથી રજુ થતા નકશાઓ, ડોકયુમેન્ટ્સ વિગેરે તમામ આર્કીટેક - એન્જીનિયર્સશ્રીએ અંગત રીતે ચકાસીને તે તમામ પ્રવર્તમાન કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન્સ તથા સરકારના અન્ય લાગુ પડતા નિયમો - જોગવાઇઓ સાથે સુસંગત તથા સાચા હોવાની તથા તેમાં દર્શાવેલ તમામ વિગતો સાચી હોવાની જાત ખરાઇ કરીને રજુ કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં - સ્વીકારવામાં આવશે અને તે અંગેનું જરૂરી કબુલાતનામુ - બાહેધરી આર્કીટેક - એન્જીનિયર્સ (પીઓઆર) તરફથી મેળવવામાં આવશે.

આ માટે ૧૫ પેરામીટર્સને વાઇટલ પેરામીટર્સ ગણવામાં આવશે. અર્થાત આ ૧૫ વાઇટલ પેરામીટર પૈકીના એક કે વધુ પેરામીટરનું પાલન થતું નહિ હોય તો સીસ્ટમ દ્વારા તે નામંજૂર થશે. જો તમામ પેરામીટરનું પાલન થતું હશે તો ભલે ૧૫ સિવાયના કોઇ એક કે વધુ પેરામીટર્સનું પાલન થતું ન હોય તો પણ સીસ્ટમમાં તે મંજુર થશે અને આવા વાઇટલ પેરામીટર સિવાયના જે પેરામીટર્સ પ્રવર્તમાન સીજીડીસીઆરની જોગવાઇઓ સાથે સુસંગત નહિ હોય તો સીસ્ટમ દ્વારા તેની જાણ કરશે.

જે પેરામીટર્સ ફરજીયાત છે. તેમાં માર્જીન, પાર્કિંગ, ઉંચાઇ, લીફટ, એલીવેટર્સ, એફએસઆઇ, સીડી, ગ્રાઉન્ડ, કવરેજ, કોમન પ્લોટ, એસેસરોડ, એપ્રોચ રોડ, ઓ.ટી.એસ., સેટ બેંક, ઝોન અને રોડ, ફલોર હાઇટ, ઇન્ટરનલ રોડ, ફાયર સેફટી નિયમ વગેરેનો સમાવેશ થાય છે.

ઓનલાઇન વિકાસ પરવાગીની અરજીમાં ઉપરોકત મુદ્ ક્રમાંક ૩ સિવાયની એટલે કે, વાઇટલ પેરામીટર્સ તથા તે સિવાયની સુચિત વિકાસ પરવાનગીના નકશાની અન્ય તમામ બાબતો પ્રવર્તમાન સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનીયમો અને અન્ય લાગુ પડતા નિયમોની જોગવાઇઓ અંગે સુસંગત હોય તેની ચકાસણીની જવાબદારી જે તે પીઓઆરશ્રીની રહેશે. ચકાસણી રીપોર્ટમાં એકાર્ટ દર્શાવેલ પેરામીટર અન્વયે લાગુ વિનીયમોની જોગવાઇઓને આધીન જરૂરી પૂર્તતા કરવાની રહેશે અને તે મુજબ સ્થળે વિકાસ કાર્ય-બાંધકામ કરવાનું રહેશે. તે મુજબની પીઓઆરશ્રીએ જે તે અરજદારશ્રીને સમજ આપવાની રહેશે. અને આ બાબતે પીઓઆરશ્રીએ સામેલ નમુના મુજબનું ઇન્ડેમ્નીફાઇંગ સેલ્ફ ડીકલેરેશન અરજદારને ઓનલાઇન અરજી કરતી વખતે અન્ય દસ્તાવેજો સહ ઓનલાઇન અપલોડ કરવા સારૃં પાઠવવાનું રહેશે. ત્થા ઓનલાઇન વિકાસ પરવાનગીની અરજીમાં અરજદારે ઉપર મુજબ સમજણ મેળવેલ છે તે મુજબનું બાંહેધરી - કબુલાતનામું ઓનલાઇન અરજી કરતી વખતે અન્ય દસ્તાવેજો સહ ઓનલાઇન અપલોડ કરી અરજી કરવાની રહેશે.

પ્રિ-સ્ક્રુટીની અપ્રુવ થયા બાદ પીઓઆરશ્રી દ્વારા અરજીનું વેરીફીકેશન કર્યા બાદ અરજદાર આવી અરજીમાં ચકાસણી ફી ભરી શકશે. અને ૧પ મી. સુધીની ઉંચાઇની વિકાસ પરવાનગીની અરજીઓમાં ચકાસણી ફી ભરતા જ ઓનલાઇન સીસ્ટમમાં અરજદારને મંજૂર નકશો. (With QR Code) અને વિકાસ પરવાનગી શરતોને આધિન પ્રાપ્ત થઇ જશે.

ઉપરોકત સોફટવેર લોન્ચીંગ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયેલ. જેમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન વતી મેયર બીનાબેન આચાર્ય, ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન અનિતાબેન ગૌસ્વામી તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી સાગઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:18 pm IST)