Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મર્ડર મિસ્ટ્રીઃ પતિ આનંદ સાકરીયા સહિત ચારેયના ૭ દિ'ના રિમાન્ડ મંગાયા

ભારતીની હત્યામાં ૧૬ વર્ષની દિકરી પણ સામેલઃ માતાનો મોબાઇલ તેણે જ ભાંગીને ફેંકી દીધો'તો

હત્યા બાદ કોડીનાર, અંજારની સાત અલગ-અલગ હોટેલમાં રોકાયા'તાઃ સજ્જડ પુરાવા એકઠા કરવા આજીડેમ પોલીસની કાર્યવાહીઃ દિવમાં કાવત્રુ રચાયું અને હત્યા થઇ ત્યાં સુધીના સમગ્ર ઘટનાક્રમથી દિકરી વાકેફ : ચારેય આરોપી છ દિવસના રિમાન્ડ પર

રાજકોટ તા. ૩: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સુદરમ્ પાર્ક-૩માં રહેતી ભારતીબેન દેવજીભાઇ મગનભાઇ જાદવ નામની ત્યકતા મહિલાની તેના જ ઘરમાંથી લટકતી, કોહવાયેલી લાશ મળ્યા બાદ મર્ડર મિસ્ટ્રી સામે આવી હતી. આજીડેમ પોલીસે તપાસ કરતાં ભારતીબેનની હત્યા તેના જ પતિ આનંદ ચુનીલાલ સાકરીયાએ પોતાના ફઇના દિકરા સંજય ઉર્ફ જગો જીવણભાઇ ભુસડીયા, તેની પત્નિ વર્ષા સંજય અને સંજયના મિત્ર ધવલ કોળી સાથે પ્લાન ઘડીને કરાવ્યાનું સામે આવતાં આ ચારેયની ધરપકડ કરી ૦૭ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ કરી છે. હત્યામાં ભારતીબેનની ૧૬ વર્ષની દિકરીની પણ સંડોવણી સામે આવી હોઇ તેની પણ ધરપકડ કરવા તજવીજ થઇ રહી છે. તેણે જ હત્યા બાદ માતાનો મોબાઇલ ફોન ભાંગીને ફેંકી દીધો હતો.

પોલીસે હત્યાનો ભોગ બનેલા ભારતીબેને જેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં તે ચુનારાવાડ અંબિકા સોસાયટી-૩માં રહેતાં પ્રવિણભાઇ તળશીભાઇ મેણીયા (કોળી) (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી ભારતીના પૂર્વ પતિ આનંદ ચુનીલાલ સાકરીય (ઉ.વ.૪૦-રહે. નકલંક પાર્ક, માંડા ડુંગર પાસે), તેના ફઇના દિકરા ભાઇ સંજય ઉર્ફ જગો જીવણભાઇ ભુસડીયા (ઉ.વ.૩૨-રહે. નકલંક પાર્ક), વર્ષા ઉર્ફ જાડી સંજય ભુસડીયા (ઉ.વ.૩૦) અને સંજયના મિત્ર ધવલ મુકેશભાઇ પરમાર (ઉ.વ.૨૧-રહે. થોરાળા-૧)ની સામે આઇપીસી ૩૦૨, ૧૨૦ (બી), ૧૧૪ મુજબ કાવત્રુ ઘડી હત્યાનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.

પત્નિ સાથે છૂટાછેડા થયા બાદ તેના બે મકાનો પણ મેળવી લેવાની લાલચ ધરાવતાં પતિ આનંદ સાકરીયાએ દિવ બેઠા-બેઠા ફઇના દિકરા સંજય ઉર્ફ જીગો સહિતની સાથે મળી પત્નિની હત્યાનું કાવત્રુ ઘડ્યું હતું. એ મુજબ ૨૫મીએ રાતે દિવથી સંજય, તેની પત્નિ વર્ષા, આનંદની એક ૧૬ વર્ષની દિકરી રાજકોટ આવ્યા હતાં અને અહિથી ધવલને સાથે જોડી ભારતીબેનની હત્યાને અંજામ આપ્યો હતો. સાડીથી ગળાફાંસો દઇ હત્યા કરી લાશ બારીએ લટકાવી ફરી બધા દિવ જતાં રહ્યા હતાં. નક્કી થયા મુજબ હત્યા થયેલી લાશનો નિકાલ આનંદને કરવાનો હતો. તે ચારેક દિવસ ભારતીના ઘર તરફ આટાફેરા કરતો રહ્યો હતો પણ ડરી જતાં લાશનો નિકાલ કરી શકયો નહોતો.

કાવત્રુ ઘડવા અને હત્યા બાદ આરોપીઓ દિવ, કોડીનાર, અંજારની સાત અલગ-અલગ હોટેલોમાં રોકાયા હોઇ ત્યાંથી પુરાવા એકઠા કરવા તેમજ બીજા કોઇ સામેલ છે કે કેમ? તેની તપાસ કરવાકાવત્રુ ખરેખર કયાં ઘડ્યું તેની તપાસ કરવા અને બીજા પુરાવા એકઠા કરવા તપાસ બાકી હોઇ આજે ચારેય આરોપીના ૦૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

બીજી તરફ એવી માહિતી પણ સામે આવી છે કે ભારતીબેનની હત્યામાં ૧૬ વર્ષની દિકરી પણ સામેલ છે. તેણીએ જ હત્યા બાદ માતાનો મોબાઇલ ફોન તોડીને ફેંકી દીધો હતો. આ ફોન અને સિમકાર્ડ પણ કબ્જે કરવાના બાકી છે. દિકરીની પણ હવે ધરપકડની તજવીજ થશે.  

 ડીસીપી પ્રવિણુકમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ.ડી.વાળા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, રવિરાજસિંહ ઝાલા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ, કોન્સ. કુલદિપસિંહ, જયપાલભાઇ, સ્મિતભાઇ વૈષ્નાણી, યોગેન્દ્રસિંહ ઝાલા, ઉમેદભાઇ ગઢવી, ભીખુભાઇ મૈયડ, રાજેશભાઇ જળુ અને કાનજીભાઇ જારીયા વધુ તપાસ કરે છે. 

દરમિયાન આરોપીઓને સાત દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં છ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

(3:42 pm IST)