Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પદ્મ કુંવરબા (ગુંદાવાડી) હોસ્પિટલ સહિત ૧૭ જેટલી હોસ્પિટલોને ફાયર સેફટીની નોટીસો

ઉદય કોવિડ અગ્નિકાંડ બાદ મ.ન.પા. દ્વારા શહેરની ૨૦૦ જેટલી નોન કોવિડ હોસ્પિટલોમાં પણ ગઇકાલથી ફાયર સેફટીનું કડક ચેકીંગ

રાજકોટ તા. ૨ : શહેરની ઉદય કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ હોસ્પિટલોમાં ફાયર સેફટી મુદ્દે મ.ન.પા.ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે કડક ચેકીંગ શરૂ કરેલ અને શહેરની ૨૧ જેટલી કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટીમાં નાની-મોટી ક્ષતિઓ બાબતે નોટીસો આપી હતી. હવે આ તમામ ૨૧ હોસ્પિટલોમાં ફરીથી સર્વે અને ચેકીંગ શરૂ થયા બાદ સાથોસાથ શહેરની ૨૦૦ જેટલી નોન કોવિડ હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીનું કડક ચેકીંગ ગઇકાલથી જ શરૂ કરી દેવાયેલ. જેમાં આજે વધુ ૧૭ જેટલી હોસ્પિટલોને ફાયર સેફટી મુદ્દે નોટીસો અપાઇ હતી.

આ અંગે ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશ બાદ શહેરની ૨૪ જેટલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકીંગ થયેલ. જેમાં ૨૧માં નાની-મોટી ક્ષતિઓ જોવા મળતા તે દુર કરવા નોટીસો અપાયેલ. હવે આ હોસ્પિટલોમાં ફાયર સેફટીની ક્ષતિઓ દુર થઇ છે કે કેમ? તે બાબતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન હવે નોન કોવિડ નાની-મોટી હોસ્પિટલોમાં પણ ફાયર સેફટી સાધનોનું ચેકીંગ ગઇકાલથી શરૂ કરી દેવાયું છે. જેમાં અરૂણ હોસ્પિટલ, આશિર્વાદ પ્રસુતિ ગૃહ, આશકા મેટરનીટી હોમ એન્ડ સર્જીકલ, એન્જલ હોસ્પિટલ, એમ.જી. ભાલોડીયા હોસ્પિટલ, ગાયત્રી હોસ્પિટલ, ડો. પંડયા હોસ્પિટલ, ડો. વિજય નાગ્રેચા હોસ્પિટલ, ડો. શાહ સર્જીકલ હોસ્પિટલ, ગુંદાવાડીમાં આવેલ સરકારી પદ્મકુંવરબા ઓપીડી હોસ્પિટલ તથા પદ્મકુંવરબા ઓપીડી વિભાગ, પાસાણી હોસ્પિટલ, મોર્ડન હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, શુભમ હોસ્પિટલ, કે.જે. પટેલ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ વગેરે નોન કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ દરમિયાન ફાયર સેફટીના સાધનો અધુરા તથા ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળતા આ બાબતની નોટીસો અપાઇ હતી. જેમાં ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

(3:14 pm IST)