Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હવસખોર હરદેવને પિડીતાએ ઓળખી બતાવ્યો

મામલતદાર સમક્ષ ઓળખ પરેડમાં અલગ-અલગ શખ્સોને ઉભા રખાયા'તા તેમાંથી હરદેવને જોતાં જ પિડીતા ઓળખી ગઇઃ પોલીસની સજ્જડ પુરાવા એકઠા કરવા કવાયતઃ હરદેવ બાર વર્ષનો હતો ત્યારે માતા-પિતા ગુમાવી દીધા બાદ ભાઇઓએ કાઢી મુકતાં રખડતું જીવન જીવતો, હવે જેલમાં પહોંચશે

રાજકોટ તા. ૩: બગીચામાં પરિવારજનો સાથે સુતેલી ૮ વર્ષની બાળાનું અપહરણ કરી હૈવાનીયત આચરનારા ભારતનગર-૮માં રહેતાં હરદેવ મશરૂભાઇ માંગરોલીયા (ઉ.વ.૨૨) નામના શૈતાનને ગુનો આચર્યાના ચોવીસ કલાકમાં જ પોલીસે ઝડપી લીધો હતો. તેણે ચોંકાવનારી કબૂલાત આપી હતી. એ રાતે લલના પાસે હવસ સંતોષવા જવાના પૈસા ન હોવાથી પોતે બાળાને ઉઠાવી ગયો હતો અને દૂષ્કર્મ આચર્યુ હતું તેવું તેણે પોલીસને જણાવતાં તેના પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. આરોપીનો મહિલા પોલીસે કબ્જો સંભાળ્યા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા હતાં. આ આ હવસખોરની ભોગ બનનાર પિડીતાને સાથે રાખી મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવાઇ હતી. જેમાં પાંચ શખ્સોમાંથી પિડીતાએ હવસખોરને ઓળખી કાઢ્યો હતો. પોલીસ આ શૈતાન વિરૂધ્ધ સજ્જડ પુરાવા એકઠા કરવા તરફ આગળ વધી રહી છે.

ભાવનગર રોડ પર આરએમસી બગીચામાં પરિવાર સાથે સુુતેલી બાળાને ગોદડા સહિત ઉઠાવી જઇ નજીકના નાળામાં (પુલીયા નીચે) લઇ જઇ બળાત્કાર ગુજારનારા નાથબાવા શખ્સ હરદેવ માંગરોલિયાના કૃત્ય પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. વકિલોએ પણ તેનો કેસ નહિ લડવાનો નિર્ણય કર્યો છે. હરદેવના બે દિવસના રિમાન્ડ મળ્યા હોઇ તેની આજે ઓળખ પરેડની કાર્યવાહી મામલતદારશ્રી સમક્ષ રાખવામાં આવી હતી. જેમાં ભોગ બનેલી બાળાએ આ હવસખોરને ઓળખી બતાવ્યો હતો. પોલીસે ડીએનએ ટેસ્ટ માટે પણ રિપોર્ટ કર્યો છે.

દૂષ્કર્મનો ભોગ બનેલી બાળા હોસ્પિટલના બિછાને પહોંચતા ઘટના સામે આવતાં જ થોરાળા પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. શૈતાનને પણ શરમાવે એવું કૃત્ય આચરનારા હવસખોર હેવાનને શોધી કાઢવા ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા ઝોન-૧ હેઠળના પોલીસ મથકોના તમામ એસીપી, પી.આઇ. અને તેમની ટીમોને ચોવીસ કલાકમાં ગુનેગારને શોધી કાઢવા કામે લગાડાયા હતાં. એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમો પણ તેમાં સામેલ હતી. પોલીસની સતત કાર્યવાહીને અંતે હરદેવ દબોચાઇ ગયો હતો.

આ શખ્સે એવી કબુલાત આપી હતી કે તે નશો કરવાની ટેવ ધરાવે છે. ઉપરાંત કુંવારો છે અને કારખાનામાં કામ કરી રખડતું જીવન જીવ છે. ભાવનગર રોડ પર લલનાઓ પાસે હવસ સંતોષવા જવાની પણ ટેવ છે. એ રાતે ત્યાં જવાના પૈસા ન હોઇ બાળકીને ઉઠાવી લીધી હતી. હાલ તે રિમાન્ડ પર હોઇ તેની વિશેષ પુછતાછ કરી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. ઓળખ પરેડમાં પણ તેને પિડીતાએ ઓળખી લીધો છે. મહિલા પોલીસ મથકના પી.આઇ. એસ.આર. પટેલ, પીએસઆઇ લાઠીયા, રાઇટર સુધાબેન સહિતની ટીમ આરોપી વિરૂધ્ધ સજ્જડ પુરાવા એકઠા કરવા આગળની તપાસ ચલાવે છે.

હરદેવ દસ વર્ષનો હતો ત્યારે માતા ગુજરી ગયા હતાં. બાર વર્ષનો થયો ત્યાં પિતા ગુજરી ગયા હતાં. એ પછી તે નશો કરવાની આદતે ચડી જતાં ભાઇઓએ પણ કાઢી મુકતાં રખડતું જીવન જીવતો હતો. હવે તે ગંભીર ગુના સબબ જેલની જિંદગી જીવશે.

(3:56 pm IST)