Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મંડળી સંચાલકોએ પૈસા સલવાડતાં મવડી હરિદ્વાર સોસાયટીના હાડવૈદ્ય સંજયભાઇએ ઝેરી દવા પીધી

બાલાજી હોલ પાસે આવેલી ખુશ શરાફી મંડળીની ઓફિસે જઇ પગલુ ભર્યુઃ સારવાર હેઠળ : ડેઇલી બચત સ્કીમમાં ૪૫૦-૪૫૦ ભર્યા'તાઃ કુલ ૧,૦૫,૫૫૦ લેવાના થાય છેઃ સંચાલકોએ પૈસા નથી કહી દેતાં પગલું

રાજકોટ તા. ૩: મવડી રોડ પર હરિદ્વાર સોસાયટી પંચનાથ ચોકમાં રહેતાં અને મવડી ચોકડીએ હાડવૈદ્ય તરીકે કામ કરતાં સંજયભાઇ ભીખુભાઇ શીશાંગીયા (વાળંદ) (ઉ.૪૫)એ બાલાજી હોલ પાસે રવેચી ચા ઉપર આવેલી ખુશ શરાફી મંડળીની ઓફિસે જઇ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંજયભાઇ શીશાંગીયા સાંજે ચારેક વાગ્યે શરાફી મંડળીની ઓફિસે પહોંચ્યા હતાં અને માંકડ મારવાની દવા પી ગયા હતાં. તેમને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. સંજયભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે હાડવૈદ્ય છે. તેના કહેવા મુજબ તેણે શરાફી મંડળીમાં ડેઇલી બચત સ્કીમ હેઠળ રોજના રૂ. ૪૫૦-૪૫૦ જમા કરાવ્યા હતાં. મુદ્દત પુરી થયે પોતાને રૂ. ૧,૦૫,૫૫૦ લેવાના થતાં હતાં. પરંતુ દિવસો વિતી જવા છતાં મંડળીના સંચાલકો રકમ આપતાં નહોતાં. ગઇકાલે પોતે રૂબરૂ રકમ લેવા જતાં સંચાલકોએ પૈસા નથી...તેવું કહી દેતાં પોતાની સાથે જ ઝેરી દવા રાખી હોઇ તે પી લીધી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)