Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગ્રામ્ય વિસ્તારમાં હૃદયરોગ ક્ષેત્રે પ્લેક્ષસ કાર્ડયાક કેર દ્વારા અસરકારક ડીઝીટલ સ્વાસ્થ્ય સેવાનો પ્રકલ્પ

જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડો.દિનેશ રાજ, ડો.અમિત રાજ દ્વારા વિઝન સાથે ઈમરજન્સી હાર્ટ કેરમાં ડિઝીટલ હેલ્થ ઈકોસિસ્ટમ * એક વર્ષમાં સૌરાષ્ટ્રના ૫૦૦ ગામડાઓમાં કાર્ડીયોલોજી સેવા પુરૂ પાડવાનું મિશન * તબીબી સેવાક્ષેત્રે નવો પ્રકલ્પ

રાજકોટ : પત્રકાર પરિષદમાં માહિતી આપતા પ્લેક્ષસ હોસ્પિટલના ડો.દિનેશ રાજ, ડો.અમિત રાજ, નિવૃત આર્મી ઓફીસર પી.પી. વ્યાસ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ : રાજકોટ જ નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હૃદયરોગની સારવારમાં મોખરાની ગણાતી જલારામ હોસ્પિટલ સ્થિત પ્લેક્ષસ કાર્ડીયાક કેરના નિષ્ણાંત તબીબ ડો.દિનેશ રાજ અને ડો.અમિત રાજ સહિતની ટીમ હવે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હૃદયરોગની સારવાર મળી રહે તે માટે એક વિઝન સાથે મિશન લઈને આવ્યા છે. જેમાં આઈઆઈએમ સહિત અન્ય સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો છે.

આજે પત્રકાર પરિષદમાં ડો.દિનેશ રાજ અને ડો.અમિત રાજે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઝડપી અને અસરકારક હૃદયની સારવાર માટે ડીઝીટલ સ્વાસ્થ્ય સેવાની વિસ્તૃત વિગતો આપી હતી.

પત્રકાર પરિષદમાં અમિત રાજે જણાવ્યુ હતું કે જલારામ હોસ્પિટલ ખાતેની ટીમ પ્લેક્ષસ કાર્ડીયા કેર, છેલ્લા ૩ વર્ષથી રાજકોટ - સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એક ઉત્તમ કાર્ડીયોલોજી સુપર સ્પેશ્યાલીટી સેન્ટરમાંનુ એક છે અને કાર્ડીયોલોજીના ક્ષેત્રે આવનારી પેઢી માટે બેન્ચમાર્ક સ્થાપ્યુ છે. પરવડે તેવી નૈતિક, એકસેસિબલ કાર્ડીયોલોજી સેવાઓનો અભ્યાસ કરવાની યાત્રામાં તાજેતરમાં સ્ટાર રેકોજીએશન ૨૦૧૯ દ્વારા સી.આઈ.આઈ. તથા ઇન્સ્ટીટ્યુટ ઓફ કવોલીટી, હેલ્થકેર પર્ફોર્મન્સ એકસેલન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. કાર્ડીયોલોજીસ્ટ ડો.દિનેશ રાજ અને ડો.અમિત રાજ પ્લેક્ષસ કાર્ડીયાક કેરને શરૂ કરી છે. એક વિઝન સાથે ઈમરજન્સી હાર્ટ કેરમાં ડીજીટલ હેલ્થ ઈકોસિસ્ટમ બનાવવી છે. સૌરાષ્ટ્ર ખાતે સસ્તુ અને ગુણવત્તાયુકત હાર્ટ કેર પ્રદાન કરવા માટે ઘણા ગામડાઓને જોડ્યા છે.

ડો.અમિત રાજે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યુ હતુ કે આરોગ્ય અને ડીજીટલ આરોગ્યમાં નવીનતા ઈકો-સિસ્ટમમાં હેલ્થ કાર્ડીયોલોજી સાથે રાજકોટની પ્લેક્ષસ હાર્ટ હોસ્પિટલ અને ભારતના વિવિધ ગામડાઓમાં ૨૫ જેટલા રૂરલ ડીજીટલ હાર્ટ કિલનિકસ સાથે અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ હાર્ટ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યુ છે. ગુજરાત, બિહાર અને છત્તીસગઢમાં અનેક લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. રાજકોટમાં પ્લેક્ષસ - પ્રાદેશિક હાર્ટ કમાન્ડ સેન્ટર અને બેંગ્લોર ખાતેના ટેક કમાન્ડ સેન્ટર દ્વારા ગ્રામ્ય દર્દીઓના નિદાન કરીએ છીએ અમે પ્લેક્ષસ કનેકટ સોલ્યુશન કિલનિકસને ઉપરોકત કમાન્ડ સેન્ટર સાથે જોડીએ છીએ. આ સેન્ટરમાં ઓછામાં ઓછા ખર્ચમાં હૃદયરોગની સારવાર કરવામાં આવે આઈટી સોલ્યુશન્સનો ઉપયોગ કરીને ગુણવત્તાયુકત કિલનિકલ પરીણામો આપવામાં આવે છે.

ડો.અમિત રાજે વધુમાં જણાવ્યુ કે આગામી એક વર્ષમાં સૌરાષ્ટ્રના ૫૦૦ ગામો અને નાના શહેરો સાથે કનેકટ થવાનંુ અમારૂ મિશન અને ડીજીટલ હેલ્થ ઈકોસિસ્ટમ બનાવવુ. જે કોઈ અન્ય કંપનીએ ભારતમાં કર્યુ નથી. સૌરાષ્ટ્રના દરેક ગામને આ ડીજીટલ હેલ્થ ઈકોસિસ્ટમથી જોડી અને બધાને કાર્ડીયોલોજી સેવા પૂરી પાડે છે. ગુજરાત સરકારની યોજનાઓ - આયુષ્યમાન ભારત અને મુખ્યમંત્રી માં અમૃતમ આરોગ્ય યોજનાઓના સમર્થનથી અમે ખાતરી કરીએ છીએ કે આ દૃષ્ટિ પ્રાપ્ત કરી શકાય એવી છે.

ડો.અમિત રાજે જણાવ્યુ કે ડીજીટલ ઈકોસિસ્ટમનું ફ્રેમવર્ક બનાવવા માટે આઈ.આઈ.એમ. લખનૌ અને કોલકતા, કન્ફેડરેશ ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી - સી.આઈ.આઈ. અને ઈન્સ્ટીટ્યુટ ઓફ કવોલીટી સાથે સહયોગ અને યુએસએના ટેકો સપોર્ટ અને મેયો કિલનીક માટે ઈઝરાયલની કંપનીઓ સાથે સહયોગ માટે એડવાન્સ ચર્ચા કરેલ છે. આગામી એક વર્ષમાં લગભગ ૨ થી ૫ મિલીયન ડોલરનું રોકાણ થશે. ગ્રામીણ ક્ષેત્રના છેલ્લા ઘર સુધી ડીજીટલ કાર્ડીયોલોજીમાં હેલ્થ ઈકોસિસ્ટમ પહોંચાડવા માટે અમે કટીબદ્ધ છીએ. વિશ્વમાં ઉભરતા આ ડીજીટલ યુગમાં સૌરાષ્ટ્રને અમે ઉદાહરણ બનાવીશુ. હૃદયરોગથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈનું મૃત્યુ ના થાય એ મારૂ લક્ષ્ય છે.

પત્રકાર પરિષદમાં ડો.દિનેશ રાજે જણાવ્યુ છે કે છાતીમાં દુઃખાવો ગ્રેસ્ટાઈટીસ કે હાર્ટને લગતો હોય તે જાણી શકાતુ નથી. જો ઈસીજી દ્વારા પ્રાથમિક તારણ મળે છે કે દુઃખાવો શેનો છે? દર્દી અને ડોકટર વચ્ચે વિશ્વાસનો સેતુ હશે તો જ સારવાર ઝડપી અને સફળ બનશે. પ્લેક્ષસ કાર્ડીયાક કેર ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અસરકારક સેવા ઉપલબ્ધ કરે છે.

પત્રકાર પરિષદમાં જલારામ હોસ્પિટલના કેતન પાવાગઢીએ પ્લેક્ષસ કાર્ડીયાક કેરની ડો.દિનેશ રાજ અને ડો. અમીત રાજની સેવાને બિરદાવી હતી.

નિવૃત આર્મી ઓફીસર શ્રી પી.પી. વ્યાસે પણ આ ડીઝીટલ સેવાનો લાભ વધુ લોકોને મળે તે માટે અપીલ કરી હતી.

(3:46 pm IST)