Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

બાપા સીતારામ ગૌશાળાના સંચાલક સામે કેસ દાખલ કરોઃ ૨૦૦ ગાય છે તેને અન્યત્ર ખસેડોઃ આવેદન

ગૌ રક્ષક દળ રાજકોટ એકમે સુત્રોચ્ચાર કરી કલેકટરને રજૂઆતો કરીઃ જવાબદારો સામે પગલા ભરો..

બાપા સીતારામ ગૌશાળામાં ૩૦ ગાયોના મોત અંગે કલેકટર કચેરીમાં દેખાવો બાદ આવેદન પાઠવાયું હતું(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૩: ગૌ-રક્ષા દળ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી બાપા સીતારામ ગૌશાળા, રૈયાધાર પાસે ગૌમાતાના મૃત્યુ અંગે પત્ર આવેદનમાં જણાવેલ કે માંગણી કરી હતી. તા.૨૮-૧૧-૨૦૧૯ના દિવસે સતાવાર ૩૦ ગૌમાતાના મરણ થયેલ છે. જો કે તે આંકડો તેના કરતા વધુ છે સંચાલકો દ્વારા મૃત્યુનું કારણ ઝેરી ઘાસચારો ખાવાને લીધે થયેલ છે. તો તેજ ઘાસચારો અન્ય જગ્યાએ પણ ગયેલો પણ ત્યાં તેની અસર થયેલ નથી. તો શું આ કારણ સાચુ હોય શકે?

આ ગૌશાળામાં ગૌવંશનુ બારોબાર વેચાણ પણ થઇ રહ્યું છે, તેવી વિગતો અમારી પાસે આવેલી છે. પુછપરછ કરવા જતા સંચાલક દ્વારા તોછડાઇ કરવામાં આવે છે અને ધમકી દેવામાં આવે છે.

હાલમાં ત્યાં ૨૦૦ થી પણ વધુ ગૌમાતાને ગૌવંશ ત્યાં રહેલ છે. તો જો હવે તેમને કંઇપણ થશે તો તેમની સમગ્ર જવાબદારી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની રહેશે.

બાપા સીતારામ ગૌશાળામાં રહેલી ૨૦૦ જેટલી ગૌમાતાઓને યોગ્ય ગૌશાળામાં સ્થળાંતર કરીને યોગ્ય જગ્યાએ ખસેડવા અને આ ગૌશાળાનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે.

ગૌમાતાના મૃત્યુ પાછળ જવાબદાર વ્યકિતઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમના સંચાલક પર બેદરકારી બદલ કેસ દાખલ કરવામાં આવે.

આવેદનપત્ર દેવામાં પ્રમુખ કાનજી ચૌહાણ, ભરત ધોળકીયા, વિશાલ કવા, અલ્પેશ લહેર, કાના કૂબાવત, મહેશ મેવાડા વિગેરે જોડાયા હતા.

(3:45 pm IST)