Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પા.પૂ. અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીને વધારાનો ઇજાફો ચુકવો

અગ્ર સચિવ અને મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત

રાજકોટ તા.૩ : ગુજરાતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘના ઓફિસ સેક્રેટરી મુસાભાઇ જોબણની યાદીમાં જણાવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે કર્મચારી ૩૦ જુનના રોજ નિવૃત થયેલ હોય તેવા કર્મચારીને તેમણે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવેલ છે તેવા કર્મચારીને એક ઇજાફો આપવાનો હુકમ કરેલ છે. આ ઇજાફો ફકત પેન્શનની ગણત્રીમાં જ લેવાનો હુકમ કરેલ છે.

આ ચુકાદાથી ગુજરાતના હજારો કામદારો, પેન્શનરોને પેન્શનમાં લાભ થશે. આ બાબતમાં ગુજરાત રાજયના સામાન્ય વહીવટ  વિભાગના અગ્ર સચિવશ્રીને તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ પત્ર લખી તા.૩૦ જુનના રોજ નિવૃત થયેલ કર્મચારીઓને નામ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શનની ગણત્રી વધારાના એક ઇજાફા સાથે સુધારો કરી આપવા યોગ્ય તે કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.

આ બાબતે જો યોગ્ય ઉકેલ લાવવામાં નહી આવે તો અસરકર્તા લાભાર્થી મારફત જરૂર જણાયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ-પીટીશન કરવાનો નિર્ણય યુનીયને લીધેલ છે. આ અંગેની માહિતી વિગતો માટે ૯૯૭૮૪૪ર૭૧પ ઉપર સંપર્ક કરી શકાશે તેમ મુસાભાઇ જોબણની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)