Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મેટોડાની પટેલ રેસ્‍ટોરન્‍ટના ભાગીદારની હત્‍યાના ગુનામાં પકડાયેલી મહિલા સહિત બેને આજીવન કેદ

રાજકોટ, તા. ૩ : લોધીકા તાલુકાની મેટોડા જી.આઇ.ડી.સી.માં પટેલ રેસ્‍ટોરન્‍ટના ભાગીદાર નટવરદાસ ઠાકરશીદાસ માધવાચાર્યના ખુનમાં પતિ પત્‍ની તરીકે રહેતા હરિપ્રસાદ ઉર્ફે હરીશ તથાસ્ત્રી આરોપી નિશાબેનને આજીવન કેદની સજા ગોંડલની સેશન્‍સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે, રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી.માં પટેલ રેસ્‍ટોરન્‍ટના ભાગીદાર અને ગુજરનાર નટવરદાસ ઠાકરશીદાસ માધવાચાર્ય તા. ૧પ-પ-૧પના રોજ રાત્રીના તેની સ્‍વીફટ કાર લઇ રાજકોટ મુકામે હોટલનો હિસાબ દેવા પોતાના ઘરે આવેલ હતાં અને ઘરે કહેલ કે હોટલમાં કામ કરતા હરિપ્રસાદ ઉર્ફે હરીશ ફતેસિંહ ઝાલા તથા નિશાબેન ઉર્ફે નિર્મળાબેન રાઠોડ રહેવાસી વડવાજડી અને મુળ રહેવાસી નાખુટીઢુણાદરા, તા. ઠાસરા, જી. ખેડાવાળાને પોતાની રૂમે સ્‍વીફટ ગાડીમાં મૂકવા જાવ છું તેવી વાત મરણ જનાર નટવરલાલે તેમના પત્‍નીને કરેલ અને ત્‍યારબાદ નટવરલાલ ઘરે પરત ન આવતા તેની જાણ તેના કટુંબીજનોએ પોલીસ સ્‍ટેશનમાં કરેલ હતી.

ત્‍યારબાદ દૈનિક ન્‍યૂઝ પેપરમાં હળવદના કવાઠીયા ગામ નજીકથી અજાણ્‍યા પુરૂષની લાશ મળેલ અને લાશના ફોટા ન્‍યુઝપેપરમાં છાપેલ હતાં જેથી નટવરભાઇના પુત્ર નિરજભાઇએ અજાણ્‍યા પુરૂષની લાશ ઓળખતા આ લાશ મારા પિતાની છે તેવી હકીકત જણાવતા નટવરભાઇની લાશની ઓળખ થયેલ હતી.

લાશ મળ્‍યા બાદ મરણજનાર નટવરભાઇ મરણ પામ્‍યા પહેલા હરિપ્રસાદ ઉર્ફે હરીશ  ફતેસિંહ ઝાલા તથા નિશાબેન ઉર્ફે નિર્મળાબેન રાઠોડ સાથે હતાં તે હકીકત પોલીસ તપાસમાં ખુલતા બંને આરોપી સામે ગુજરનારના પુત્ર નિરજભાઇએ ફરીયાદ આપેલ જે ફરીયાદ અનુસંધાને બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ કરેલ અને પૂછપરછ દરમ્‍યાન બંને આરોપીઓએ એકસંપ થઇ મરણજનાર નટવરદાસ ઠાકરશીદાસ માધવાચાર્યનું તીક્ષ્ણ હથીયાર વડે ખૂન કરી લાશ હળવદ વિસ્‍તારમાં ફેકી દીધેલ છે તેવું જણાવતા બંને આરોપીઓ સામે ભારતીય દંડ સહિતનાની કલમ -૩૦ર, ર૦૧ વિગેરેનો ગુન્‍હો દાખલ કરેલ અને બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ હતી.

સબબ, ઉપરોકત કેસ સેસન્‍સ અદાલતમાં કમીટ થતા સરકારી વકીલ શ્રી ઘનશ્‍યામ કે. ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્‍તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ તથા કુલ ર૬ સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવો રેકર્ડ ઉપર લેવામાં આવેલ અને પી.એમ. કરનાર ડોકટરશ્રીની જુબાની, ફરીયાદી તથા અન્‍ય સાહેદોની જુબાની ધ્‍યાને રાખી તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્‍યામ કે. ડોબરીયાની દલીલો ધ્‍યાને રાખી આરોપીઓ હરિપ્રસાદ ઉર્ફે હરીશ ફતેસિંહ ઝાલા તથા નિશાબેન ઉર્ફે નિર્મળાબેન રાઠોડ બંને આરોપીઓને ભારતીય દંડ સહીતાની કલમ -૩૦ર વિ.ના ગુન્‍હામાં તકસીરવાન ઠરાવી સેસન્‍સ જજ સાહેબે આજીવન કેદની સજા તથા બંને આરોપીઓને રૂા. પ૦૦૦/-નો દંડ ભરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્‍યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં.

(10:57 am IST)