Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ગીતાંજલી પાર્કની ૨૧ લાખની ચોરીમાં આસપાસના ઘરોમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ

કારખાનેદાર કિશોરભાઇ પરસાણાના પત્નિ ગોકુળ મથુરાથી આવી સોમનાથ ગયાઃ કિશોરભાઇ કારખાને ગયા અને દિકરી ટ્યુશનમાં ગઇ ત્યારે ભરબપોરે હાથફેરો થઇ ગયો : ગજબના તસ્કર...રૂમના મંદિર અંદર બનાવાયેલી છુપી તિજોરી શોધી કાઢી, તેની ચાવી રામાયણ ગ્રંથમાં છુપાવી હતી તે પણ શોધી લીધી!

જ્યાં ૨૧ લાખની ધોળે દિવસે ચોરી થઇ તે મકાન (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ આનંદનગર કોલોની પાછળ ગીતાંજલી પાર્ક-૨, શેરી નં. ૫માં રહેતાં અને રામનગર-૪માં સ્ટીલ કાસ્ટીંગ ફાઉન્ડ્રી નામે કારખાનુ ધરાવતાં કિશોરભાઇ ગંગદાસભાઇ પરસાણા (પટેલ) (ઉ.૫૫)ના ઘરમાં શનિવારે બોપરે એકથી સાંજના સાડા છ સુધીમાં ધોળે દિવસે   ૧૩૪ તોલા સોનાના દાગીના, ૧ કિલો ચાંદીના ઘરેણા અને ૪૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૨૧,૦૨,૦૦૦ની ચોરીના બનાવમાં ભકિતનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમોએ પણ તપાસનો ધમધમાટ આદર્યો છે. જ્યાં ચોરી થઇ ત્યાં અન્ય કેટલાક રહેણાંકોમાં સીસીટીવી કેમેરા હોઇ ત્યાંથી ફૂટેજ મેળવી તે ચકાસવાનું શરૂ કરાયું છે.

કિશોરભાઇ પરસાણાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તા. ૧ના સવારે પોતે તથા દિકરી પ્રિયંકા ઘરે એકલા હતાં. પત્નિ શારદાબેન ૨૦/૧૧ના ગોકુલ મથુરા ગયા હતાં અને ત્યાંથી ૧ના પરત આવી સીધા જ સોમનાથ દર્શને જવા નીકળી ગયા હતાં. બપોરે એકાદ વાગ્યે પોતે જમીને કારખાને ગયા હતાં અને બાદમાં પોણા બે વાગ્યે દિકરી પ્રિયંકા પણ ઘરને લોક કરીને સીએના ટ્યુશનમાં ગઇ હતી. એ પછી પોતે સાંજે સાડા છએક વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે મેઇન દરવાજો ખોલીને અંદર જતાં લાકડાનો કબાટ ખુલ્લો હતો અને બધુ વેરવિખેર હતું.

ચોરી થયાની શંકા જતાં હોલમાં રહેલા મંદિર અંદરની દાગીના મુકવાની તિજોરી ઓરિજીનલ ચાવીથી ખોલીને જોતાં તેમાંથી તેમના પત્નિના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ જોવા મળ્યા નહોતાં. એક રૂમમાં લાકડના બે કબાટ છે તેમાં પણ બધુ વેરવિખેર દેખાયું હતું. જો કે તેમાંથી કંઇ ગયું નહોતું. બીજા રૂમના કબાટો પણ વેરવિખેર હતાં. જે તિજોરીમાંથી ઘરેણા-રોકડની ચોરી થઇ તેની ચાવી રામાયણ બૂકની અંદર મુકી હતી અને આ બૂક તિજોરીના પ્રથમ ખાનામાં કુી હતી. તસ્કરોએ આ ચાવી શોધી તિજોરીનું બીજુ ખાનુ ખોલી તેમાંથી હાથફેરો કર્યો હતો.

તસ્કરો સોનાના ચાર સેટ, કંદોરો, બલોયા, બંગળી, નાના ચેઇન, પેન્ડન્ટ સેટ, લાંબી માળા બે નંગ, પંજા વીંટી સાથે, પાટલા મોટા, બિસ્કીટ બે નંગ, લેડિઝ ઘડીયાળ બે, ઘડીયાળનો બેલ્ટ સોનાનો, માથાની બે પીન, માથાનો ચાંદલો, જેન્ટન્સ પેન્ડન્ટ સાથે ચેઇન, ડાયમંડ બંગડી, લેડીઝ વીંટી, મંગળસુત્ર મળી રૂ. ૧૭,૧૭,૫૦૦ના દાગનીા તથા ચાંદીના દાગીના મળી તેમજ દિકરીના સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૨૧,૦૨,૦૦૦ની મત્તા ઉસેડી ગયા હતાં. તસ્કરોએ મંદિર અંદરની તિજોરી શોધી રામાયણમાં છુપાવેલી ચાવીથી તિજોરી ખોલી હોઇ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આસપાસના રહેણાંકમાંથી ફૂટેજ એકઠા કરી તપાસ આદરી છે. પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ એન. એ. શુકલ, પીએસઆઇ પી. એમ. ધાખડા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ અને ડી. સ્ટાફની ટીમે તપાસ આદરી છે.

(3:54 pm IST)