Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટના ડ્રાઇવરના એકાઉન્ટમાંથી કામવાળી નિલમે મિત્ર જતીન સાથે મળી ૯.૨૭ લાખ ઉપાડી લીધા'તા

સાયબર સેલ અને બી-ડિવીઝનની ટીમે બેંક સ્ટેટમેન્ટના આધારે ટેકનીકલ એનાલિસીસ કરતાં રીબના પટેલ શખ્સનું નામ સામે આવ્યું ને ભેદ ખુલ્યો : શાપરનો કારખાનેદાર અને ફરિયાદી બિપીનભાઇની પડોશણ નિલમ અગાઉ સાથે ઇમિટેશનનું કામ કરતાં હોઇ ઓળખાણ હતીઃ નિલમ બિપીનભાઇને ત્યાં ઘરકામ કરવા જતી ત્યારે એટીએમ કાર્ડ, પીન નંબર અને સહીનો નમૂનો મેળવી લીધા'તાઃ જતીન સાથે મળી ત્રણ મહિનામાં કટકે-કટકે નાણા ઉપાડ્યા'તાઃ તમામ રકમ કબ્જે

એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. એન. એન. ઝાલા, પી.આઇ. આર. એસ. ઠાકર અને સાયબર સેલ તથા બી-ડિવીઝનની ટીમ, પકડાયેલા જતીન અને નિલમ તથા મુદ્દામાલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૩: આરટીઓ પાછળની દિવાલ પાસે ન્યુ ફાયરબ્રિગેડ સોસાયટીમાં રહેતાં અને મહાનગર પાલિકામાં રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતાં બિપીનભાઇ જગુભાઇ પરમાર (રજપૂત) (ઉ.૫૮) સાથે છેતરપીંડી કરી ચેક તથા એટીએમનો ઉપયોગ કરી ગઠીયાએ રૂ. ૯,૨૭,૯૨૬ ઉપાડી લીધા  હતાં. આ ગુનાનો ભેદ  સાયબર સેલ અને બી-ડિવીઝનની ટીમે ઉકેલી નાંખી શાપરના કારખાનેદાર પટેલ શખ્સ અને રાજકોટ ફરિયાદીના પડોશમાં રહેતી અને તેને ત્યાં ઘરકામ કરવા જતી પરિણીતાની ધરપકડ કરી તમામ રકમ કબ્જે કરી છે. કામવાળીએ બિપીનભાઇના ઘરે કામે જતી એ દરમિયાન એટીએમ કાર્ડ, પીન નંબર અને સહિનો નમુનો મેળવી લઇ કારખાનેદાર મિત્રને આપ્યા હતાં. તેના આધારે ત્રણેક મહિનામાં બંનેએ મળી કટકે-કટકે રકમ ઉપાડી લીધી હતી.

બનાવ અંગે બિપીનભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે રૈયાધાર ફિલ્ટર હાઉસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેના પત્નિ અને પુત્ર દસ વર્ષથી અલગ વઢવાણ ખાતે રહે છે. પોતે અહિ એકલા જ રહે છે. તેઓ વિરાણી હાઇસ્કૂલ ચોકની એસબીઆઇની આર. કે. નગર શાખામાં બચત ખાતુ ધરાવે છે. તેમજ ઇન્ડિયન ઓવરસીઝ બેક આર.એમ.સી. શાખામાં પણ બીજુ ખાતુ છે. આ તેમનું સેલેરી ખાતુ છે. જેમાં રૂ. ૪,૫૪,૭૩૩ જમા હતાં. તા. ૫/૧૧ના રોજ દિવાળીનો તહેવાર નજીક હોઇ પૈસાની જરૂર પડતાં વિરાણી ચોક એસબીઆઇ શાખામાં જઇ ૧૫ હજારનો ચેક આપતાં કેશીયરે આટલા રૂપિયા તમારા ખાતામાં નથી, દસ હજાર જ છે, તેમ કહેતાં તેઓ ચોંકી ગયા હતાં.

બાદમાં તે ઇન્ડિયન ઓવરસીઝ બેંક કે જે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે છે ત્યાં ગયા હતાં. ત્યાંથી ૫ હજાર રૂપિયા ઉપાડવાની વિધી કરતાં કેશીયરે ખાતામાં પૈસા નથી તેમ કહ્યું હતું. આથી પાસબૂકમાં એન્ટ્રી પડાવતાં ખબર પડી હતી કે ૧૭-૧-૧૮ થી ૯-૧૧-૧૮ સુધીમાં કોઇએ એટીએમથી રૂ. ૪,૨૭,૯૨૬ની રકમ તથા ચેકની રૂ. ૫ લાખ ઉપાડી લીધા છે. બિપીનભાઇએ કોઇને બેંક એકાઉન્ટ નંબર કે એટીએમના પીન નંબર પણ આપ્યા નહોતાં. મોબાઇલમાં કોઇ પ્રકારનું ઓટીપી પણ આવ્યું નહોતું. આમ છતાં આટલી મોટી રકમ બારોબાર ઉપડી ગઇ હોઇ તેમણે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈને અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ સાયબર સેલના એસીપી જે. એસ. ગેડમની સીધી દેખરેખ હેઠળ સાયબર સેલના પી.આઇ. એન. એન. ઝાલા, પી.આઇ. બી. એમ. કાતરીયા, પીએસઆઇ ડી. બી. ગઢવી,  જે. કે. રાણા, એએસઆઇ સી. એમ. ચાવડા તથા બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર, પી.એસ.આઇ. એમ. એફ. ડામોર, ચંદ્રસિંહ જાડેજા, વિજયગીરી તથા હેડકોન્સ. વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, એભલભાઇ બરાલીયા સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સાયબર સેલની ટીમે ફરિયાદીના બેંક સ્ટેટમેન્ટ કઢાવી ટેકનીકલ એનાલિસીસ કરાવતાં એક વખત ચેક વિડ્રોમાં ગોંડલના રીબ ગામના જતીન લાલજીભાઇ રાખોલીયા (પટેલ) (ઉ.૨૭)નું નામ સામે આવતાં તેને ઉઠાવી લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે તેણે જ ચેક અને એટીએમથી બિપીનભાઇના એકાઉન્ટમાંથી નાણા ઉપાડી લીધા હતાં.

વધુ પુછતાછમાં જતીને કબુલ્યું હતું કે આ ગુનામાં તેને બિપીનભાઇના પડોશમાં રહેતી નિલમ લલીતભાઇ ચાવડા (ઉ.૨૫)એ મદદ કરી હતી. નિલમ બિપીનભાઇને ત્યાં ઘરકામ કરવા જતી હતી. ત્યારે તક જોઇ તેમના એટીએમ કાર્ડ, બેંક ડોકયુમેન્ટમાંથી એટીએમના પીન નંબર તેમજ એક કોરો ચેકો ચોરી લીધા હતાં. આ ઉપરાંત બિપીનભાઇની સહીનો નમુનો પણ મેળવી લીધો હતો. એ પછી તેણે મિત્ર જતીન પટેલ સાથે મળી ત્રણ માસ દરમિયાન ચેક-એટીએમનો ઉપયોગ કરી નાણા ઉપાડી લીધા હતાં. સહી કરેલા ચેકો તથા રોકડ રકમ કબ્જે કરાયા છે. વિશેષ તપાસ આર. એસ. ઠાકર ચલાવે છે. નિલમ પરિણીત છે અને એક સંતાનની માતા છે. જતીનને શાપરમાં લોખંડની ભઠ્ઠી છે. તે અને નિલમ અગાઉ ઇમિટેશનનું કામ સાથે કરતાં હોઇ બંને વચ્ચે ઓળખાણ હતી. પૈસાની જરૂર હોઇ બંનેએ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

(3:34 pm IST)