Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રૂ. રપ લાખના ચેક રિટર્નના કેસમાં હરિકૃષ્ણ આર્ટના પ્રોપરાઇટરને એક વર્ષની સજા

રાજકોટ તા. ૩: રૂ. રપ,૦૦,૦૦૦/- ની રકમનો ચેક પરત ફરતા હરિકૃષ્ણ આર્ટનાં પ્રોપરાઇટરને અત્રેની કોર્ટે એક વર્ષની કેદની સજા ફરમાવી હતી.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી નરશીભાઇ ગંગદાસભાઇ રામાણી, રહે. ન્યુ કેદારનાથ સોસાયટી, રાજકોટવાળાએ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલ 'હરિકૃષ્ણ આર્ટ' નામનું કારખાનેદાર અશોકભાઇ કરશનભાઇ શીંગાળાને કટકે-કટકે રૂ. રપ લાખ હાથ ઉછીનાં આપેલા અને આરોપીએ આ રકમ પરત કરવાનાં હેતુથી તેમનાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, ભકિતનગર શાખા, રાજકોટનો રૂ. રપ લાખ પુરાવાનો ચેક આપેલો.

સદરહું ચેક ફરીયાદીએ કલીયરીંગ અર્થે બેંકોમાં રજુ કરતાં તા. ૪-૮-ર૦૧૭નાં રોજ 'ફંડ ઇનસફીસીયન્ટ'નાં શેરા સાથે પરત ફરેલ. જેથી ફરીયાદીએ તેમના વકીલ મારફત આરોપીને નોટીસ આપેલી. જેનો આરોપીએ ખોટી વિગતવાળો જવાબ આપેલ. ત્યારબાદ આ કામે ફરીયાદીએ રાજકોટની ફોજદારી કોર્ટમાં આરોપી અશોકભાઇ કરશનભાઇ શીંગાળા વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે ફરીયાદ કરેલી.

આ કામે આરોપીએ હાજર થઇને તેમના વકીલ મારફત બચાવ કરેલો પરંતુ ફરીયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ તેમજ મૌખીક રજુઆત અને ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ ધ્યાને લઇને રાજકોટનાં એડી. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન. એચ. વસવેલીયા મેડમએ આરોપી 'હરિકૃષ્ણ આર્ટ'નાં પ્રોપરાઇટર શ્રી અશોકભાઇ કરશનભાઇ શીંગાળાને તકશીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજાનો તેમજ ચેકની રકમ રૂ. રપ,૦૦,૦૦૦/- દિવસ-૬૦ માં ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ કેતન એન. સિંધવા, રામકુભાઇ કાઠી તથા પંકજ આર. દોંગા રોકાયેલા હતા.

(3:13 pm IST)