Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિપાવલી ભારતીય પ્રજા માટે માત્ર ઉત્સવ નથી, વર્ષના ૩૬૫ દિવસનું સરવૈયુ છે : કાનગડ

શહેરીજનોને દિવાળી તથા નૂતનવર્ષ પર્વની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ

રાજકોટ તા. ૩ : શહેરીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડએ જણાવ્યું હતું કે પ્રકાશના પર્વ ગણાતા દિવાળી પર્વ એ અધર્મ અને અસત્યના અંધકાર ઉપર સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતિક સમાન રાવણ ઉપર વિજય મેળવીને શ્રીરામનું અયોઘ્યામાં પુનરાગમન થતા પ્રજાએ ઘેર–ઘેર દીપમાલા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યુ હતું.  દિવાળી પર્વ પર ઘેર–ઘેર આંગણે રંગોળી થાય છે, ત્યારે રંગોળી સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. દિવાળી–નુતન વર્ષ એ ભારત વર્ષનો મહાન તહેવાર છે.

વધુમાં શ્રી કાનગડે જણાવ્યું હતું કે, ભારતીય પ્રજા માટે માત્ર ઉત્સવ નથી, વર્ષના ૩૬પ દિવસનું સરવૈયુ છે અને આવતા ૩૬પ દિવસ માટેની અદમ્ય ઉત્સાહભરી તૈયારી છે. ત્યારે ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નુતન વર્ષ અને ભાઈબીજથી લઈને લાભપાંચમ સુધીના પર્વોની શ્રુંખલા દરમ્યાન ધાર્મિક વાતાવરણથી માનવ મન ભકિતભાવથી પ્રફુલ્લીત થાય છે.ત્યારે દિપાવલી– નુતન વર્ષના  પર્વ દરમ્યાન સૌ કોઈ મીઠાઈ, ફટાકડા, આતશબાજી, સ્નેહ થકી આ પર્વને માણીને  નુતન વર્ષના નાવીન્ય સભર વાતાવરણમાં ઉત્સાહનો સંચાર કરે છે એમ અંતમાં શહેરીજનોને દિપાવલી – નુતન વર્ષના પર્વની શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડે જણાવેલ હતું.

(3:00 pm IST)