Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિપોત્સવીનો સુવર્ણ પ્રકાશ મંગળપ્રદ - સમૃધ્ધશાળી યુગનું સર્જન કરશે : શુભેચ્છા પાઠવતા આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ

રાજકોટ તા. ૩ : શહેરીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા આપા ગીગા ઓટલો (ચોટીલા)ના મહંત અને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્ર બાપુ)એ જણાવ્યું હતું કે દિપાવલી એ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ પ્રતિકાત્મક  અને પ્રેરણાદાયી પર્વ છે. દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવે છે.

પ્રકાશના પર્વ ગણાતા દિપાવલીના તહેવારો દરમ્યાન ઘર અને આંગણાઓ દિવડાથી ઝગમગી ઉઠે છે ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક તહેવારની પાછળ કોઈક સંદેશનું મહત્વ સમાયેલુ હોય છે અને દરેક તહેવારના મર્મને સમજવાથી તેની ઉજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની જાય છે. તહેવારો અને તેના થકી ચાલતા એકબીજાના વહેવારો  જ માણસને જીવંત રાખવાનું  તેમજ તેના કુટુંબ, સગા–સબંધી, મિત્રો, સ્નેહીઓને એક તાંતણે બાંધી રાખવાનું અદભુત કાર્ય કરે છે.

દિવાળીના તહેવારો તો શુઘ્ધિ , નવીનતા, પ્રેમ  અને આત્મીયતા કેળવવાનો શુભ અવસર છે. ત્યારે દિપોત્સવીનો સુવર્ણ પ્રકાશ સૌ શહેરીજનોના જીવનમાં સ્નિગ્ધ જયોત્સનાનો પ્રસાર કરી શુભ સંકલ્પોના પ્રતિપાદનમાં શકિત અને ચેતનાનો સંચાર કરી મંગળપ્રદ અને સમૃઘ્ધશાળી યુગનું સર્જન કરે તેવી નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ) એ સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી.

(2:57 pm IST)