Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિપોત્સવી પર્વના રંગે રંગાયુ રાજકોટ

સાંજે વિજયભાઇ રૂપાણી રંગોળી સ્પર્ધાને લીલીઝંડી આપશે

મ.ન.પા. દ્વારા રેસકોર્ષ રીંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજન : સૌરાષ્ટ્ર સહિત ૪૦૦થી વધુ સ્પર્ધકોએ તૈયાર કરી બેનમૂન રંગોળીઓ મેયર - કમિશનર સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યોઃ તમામ સ્પર્ધકો માટે ફુડ પેકેટ સહિતની સુવિધા : નાગરિકો જ શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી શકશે

મ.ન.પા. દ્વારા બે વર્ષના કોરોના કાળ બાદ પ્રથમ વખત રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે ત્યારે મેયર પ્રદિપ ડવે સ્થળ પર જઇ અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો તે તસ્વીરમાં દર્શાય છે. અન્ય તસ્વીરમાં કલાકારો રંગોળી કરી રહેલા નજરે પડે છે તથા તૈયાર થયેલ અદ્ભૂત રંગોળીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૨૧.૩૧)

રાજકોટ તા. ૪ : દિપોત્સવીના તહેવારોનો રંગ જામ્યો છે ત્યારે મ.ન.પા. દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષ રીંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન આજે સાંજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે.

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં 'વોકલ ફોર લોકલ' અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા રેસકોર્સ રિંગ રોડ ખાતે મનપા દ્વારા તા. ૩ થી તા. ૫ દરમ્યાન એક અનોખા પ્રયોગ સાથે 'રંગોળી સ્પર્ધા'નું આયોજન કરવામાં આવેલ છે, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્પર્ધકો માટે રંગોળીનાં બ્લોક બનાવવાની કામગીરી અને જરૂરિયાત મુજબ બેરીગેટ - સ્પર્ધકો માટે ફુડ પેકેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.

આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગળ ધપી રહી છે. આજે તા.૨ નાં રોજ બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૦૬ એન્ટ્રીનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં વ્યકિતગત કેટેગરીમાં ૩૪૨ એન્ટ્રી અને ગ્રુપ કેટેગરીમાં ૬૪ એન્ટ્રી નોંધાયેલ છે. આ રંગોળી સ્પર્ધામાં અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલનાં ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવી છે.

દરમિયાન આજે સાંજે ૬.૦૦ કલાકે બહુમાળી ભવન ચોક, રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સપર્ધાનું ઉદઘાટન ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયરશ્રી ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદો મોહનભાઈ કુંડારિયા અને  રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય અને રાજયના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા  ભાનુબેન સોરાણી, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

નોંધનિય છે કે, સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદાજુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે. કોફી ટેબલ બૂક : આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.(૨૧.૩૨)

પ્રથમ વખત રાજકોટમાં નવો પ્રયોગ : સ્પર્ધામાં લોકો જજ

રંગોળી સ્પર્ધામાં શહેરીજનો ઓનલાઇન વોટીંગ કરી વિજેતા પસંદ કરશે

રાજકોટ : આ રંગોળી સ્પર્ધા સામાન્યરીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહયો છે જેમાં દોરવામાં આવેલી રંગોળીઓમાંથી કઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાંત જ્જને રોકવામાં આવશે નહી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો કયુઆર કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેકટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.

જનતા જનાર્દનને માન આપી શ્રેષ્ઠ રંગોળી લોકો જ જાતે પસંદ કરવાના છે ત્યારે આ આયોજન નિૅંશંકપણે પારદર્શક બની રહેશે અને શ્રેષ્ઠ કલા કૃતિઓને યોગ્યરીતે ન્યાય પણ પ્રાપ્ત થાય તે પ્રકારની ઉમદા નવતર પહેલ રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવી છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી નક્કી કરવાનું જજમેન્ટ લોકોના હાથમાં રહેશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને QR Code આપવામાં આવશે જેના માધ્યમથી ઓનલાઈન વોટિંગ પણ થઇ શકશે. તેમ મેયર અને મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.(૨૧.૩૨)

મ.ન.પા. તંત્રની સંવેદનશીલતા : બપોરે મોડે સુધી હેરાન થયેલા મહિલા સ્પર્ધકને મનભાવતુ ભોજન કરાવ્યું

રાજકોટ : રેસકોર્ષ રીંગ રોડ પર મ.ન.પા. દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં એક મહિલા કલાકાર તેઓને ફાળવેલા સ્થળને ગોતવામાં બપોર સુધી હેરાન થયા હતા. આ બાબત મ્યુ. કમિશનર અમિત અરોરાના ધ્યાને આવતા તેઓએ તુરંત જ અધિકારીઓને સુચના આપી. આ મહિલા સ્પર્ધકને તેઓની રૂચિ મુજબના ભોજનની વ્યવસ્થા કરાવી હતી. આમ આ મહિલા તંત્રની આ સંવેદનશીલતાથી પ્રભાવિત થયા હતા.(૨૧.૩૨)

૧ હજારથી ૩૧ હજાર સુધીના ઇનામો અપાશે

વ્યકિતગત સ્પર્ધક કેટેગરી   ગ્રુપ સ્પર્ધક કેટેગરી

પ્રથમ ઇનામ  રૂ. ૨૧,૦૦૦  પ્રથમ ઇનામ  રૂ. ૩૧,૦૦૦

બીજું ઇનામ  રૂ. ૧૫,૦૦૦   બીજું ઇનામ  રૂ. ૨૫,૦૦૦

ત્રીજું ઇનામ  રૂ. ૧૧,૦૦૦   ત્રીજું ઇનામ  રૂ. ૨૧,૦૦૦

ચોથું ઇનામ રૂ. ૫,૧૦૦      ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦

પાંચમું ઇનામ રૂ. ૩,૧૦૦    પાંચમું ઇનામ રૂ. ૧૧,૦૦૦

પ્રોત્સાહન ઇનામ રૂ. ૧૦૦૦ પ્રોત્સાહન ઇનામ રૂ. ૨૦૦૦

(૪૦ લોકોને)                (૨૫ લોકોને)

રંગોળી બનાવવા માટે ત્રણ થીમ

.   આઝાદીનો અમૃત મહોત્સવ = મેરે સપનો કા ભારત

.   સ્વચ્છ ભારત મિશન = એક જનઆંદોલન

.   વેકિસનેશન મહાઅભિયાન = જન સમુદાયનું સુરક્ષા કવચ

(2:49 pm IST)