Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં ઉર્જા અનરાધાર વરસશે

ગુરૂદેવની સાક્ષાત ઉપસ્થિતિ અષ્ટલક્ષ્મી જાગરણ અને સ્વાસ્થ્ય લાભ અનાયાસ સંભવ બનશેઃ સ્વામી સરજુજીઃ ગુરૂદેવની નિશ્રામાં અષ્ટલક્ષ્મી યજ્ઞ-દિવાળી પૂજન-મહા સત્સંગ થશેઃ સૌરાષ્ટ્રભરમાંથી ૧ લાખ લોકો ઉમટશેઃ ૯૦૦ ગામના ૨૭૦૦ પ્રતિનિધિઓ માટે વિશેષ પ્રોગ્રામ

આર્ટ ઓફ લીવિંગના સરજુ સ્વામીજી સાથે અગ્રણીઓ નીલેશભાઈ ચંદારાણા, ભરતભાઈ ગણાત્રા, તુષારભાઈ વાકાણી, ડો. વી.વી. દુધાત્રા, રાજેશભાઈ ત્રિવેદી, ભૂપેન્દ્રસિંહ વાઘેલા, પ્રકાશભાઈ ઉપાધ્યાય, વિનોદભાઈ મજીઠિયા, અંકિત મહેતા, કુશલ મહેતા વગેરે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ :. રાજકોટની આ વર્ષની દિપાવલી અનોખી થશે. શુભ-લાભ સહજરૂપે વહેશે, હૈયેહૈયે આનંદની રંગોળી થશે અને પરમ આનંદની રોશની ઝગમગશે. આર્ટ ઓફ લીવિંગના ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી સાક્ષાત રાજકોટ પધારી રહ્યા છે. આર્ટ ઓફ લીવિંગના સ્વામી સરજુજી કહે છે કે, રાજકોટ-સૌરાષ્ટ્ર પર દિવ્ય ઉર્જા અનરાધાર વરસશે.

શ્રી સરજુ સ્વામીજી તથા આર્ટ ઓફ લીવિંગના અગ્રણીઓ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. સરજુજીએ જણાવ્યું હતુ કે, રાજકોટ સમૃદ્ધ અને જાગૃત શહેર છે. આ શહેરનું સદ્ભાગ્ય છે કે, દિપોત્સવમાં ગુરૂદેવ સાક્ષાત પધારવાના છે. ગુરૂતત્વ ચેતના સમાન હોય છે. જેના સાનિધ્યમાં સહજરૂપે અષ્ટલક્ષ્મી જાગરણ થશે અને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે.

આદિલક્ષ્મી, ધન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ લક્ષ્મીનો અદ્રુત સમન્વય સમાઅષ્ટ લક્ષ્મી હોમદ્વારા ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદ્ભાગ્ય અને શકિત એ આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે જેનું આયોજન આર્ટ ઓફ લીવીંગ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દિવાળીના પર્વ નિમિતે તા. ૭-૧૧-ર૦૧૮ ને બુધવારના રોજ રેસકોર્સ મેદાનમાં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાંનિધ્યમાં કરવામાં આવ્યું છે.

રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના સાંનિધ્યમાં દિવાળીના આ પાવન પર્વ નિમિતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીને સાંજે રાજકોટના હાર્દ સમા રેસકોર્સ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખથી પણ વધારે લોકો લેશે. વધુમાં વધુ લોકો ગુરૂદેવની હાજરી યોજાનાર આ કાર્યક્રમનો લાભ લે એવી વિનંતી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના  આર્ટ ઓફ લીવીંગ પરિવારના સહયોગથી  સૌરાષ્ટ્ર, કચ્છ અને ભુજના ૯૦૦ થી ગામોમાં ર૭૦૦ થી વધુ પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રતિનિધિઓ પોતાના ગામ માટે આર્ટ ઓફ લીવીંગ પરિવાર સાથે મળીને ગામમાં સ્વાસ્થ્ય  જાગૃતિ માટે મેડિકલ કેમ્પ અને શૌચાલય તેમજ ઓર્ગેનિક ખેતી માટે જનજાગૃતિ ફેલાવશે. આ તમામ પ્રતિનિધિઓને આર્ટ ઓફ લીવીંગના ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી રૂબરૂ મળશે અને તેની સાથે ચર્ચા કરશે.

દિવાળી અટલે ઉજાશનો તહેવાર છે ત્યારે લોકોના જીવનમાં પણ ઉજાસ પથરાય અને લોકો સ્વસ્થ, તંદુરસ્ત જીવન જીવે એવા આશાય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર આશ્રમ ખાતે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ગુરૂકુળની સપના વર્ષો પહેલા કરવામાં આવી છે જ્યાં બાળકો ચાર વેદોની શિક્ષા પ્રાપ્ત કરે છે અને ૧ વેદ ભણતા ૧૨ વર્ષનો સમય લાગતો હોય નો આવા વિદ્વાન પંડિતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે તો સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. હવન તા.૭ નવેમ્બરને બુધવારે સાંજે ૫-૩૦ વાગ્યા થી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રાખેલ છે. કાર્યક્રમને લઇને અત્યારથી જ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવારના સભ્યો કામે લાગી ગયા છે. કાર્યક્રમની તમામ વ્યવસ્થા સ્વયંસેવકો સંભાળશે. ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજ પધારી રહ્યા છે એનો અનેરો ઉત્સાહ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહ્યો છે.

(3:48 pm IST)