Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મહેસુલ ખાતાની સનસનાટીઃ ગજબનો પરીપત્રઃ નવી શરતની જમીન લઇ બાંધકામ નથી કર્યુઃ હવે બજાર ભાવે પ્રીમીયમ ભરો...

બજાર ભાવે ૭પ ટકા પ્રિમીયમ અને ૧૦૦ ટકા પેનલ્ટી લાગશેઃ સરકારને કરોડોની આવક થશેઃ પરીપત્રથી રાજકોટની રપ સોસાયટીના લોકો સાણસામાં: સરકારે એક કાંકરે અનેક પંખી ઉડાડયાઃ ડે. કલેકટરોને જમીન નિયમીત કરવા અંગે સત્તા આપી દીધીઃ રાજકોટ કલેકટર ઉપર ઉતરેલો તાકીદનો પરીપત્ર

રાજકોટ, તા., ૩: રાજયના મહેસુલ વિભાગે એક મહત્વનો સુધારા ઠરાવ પાસ કરી દરેક કલેકટરોને આ કાર્યવાહી અંગે સુચના આપી એક કાંકરે અનેક પક્ષી ઉડાવ્યા છે.

મહેસુલ વિભાગ દ્વારા રહેણાંક હેતુ માટે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા અંગે પ્રિમીયમ વસુલ લેવાની જોગવાઇ કરેલ છે. બજાર કિંમતે નવી શરતે રહેણાંક હેતુ માટે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવાના કિસ્સામાં પ્રિમીયમના નવા દર નક્કી કરવાની બાબત અંગે દર્શાવેલ ઠરાવમાં જોગવાઇઓ કરેલ છે.

હવે પછી સુધારો જોઇએ તો રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ  જમીનના પુર્વ મંજુરીથી વેચાણ તેમજ જુની શરતના કોઇ પણ કિસ્સામાં જમીન ફાળવણીના હુકમની તારીખ અર્થાત સનદની તારીખ ધ્યાને લઇ સમયગાળો ગણતરીમાં લેવાનો રહેશે. વધુમાં સદર ઠરાવ કો-ઓપરેટીવ  સોસાયટી (સહકારી મંડળીઓ) ને રહેણાંક  હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનનાં પુર્વ મંજુરીથી વેચાણ તેમજ જુની શરતમાં ફેરવવાના કામે લાગુ પડશે.

રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતની જમીન જયારે એક વ્યકિત(એ) ને ફાળવવામાં આવે ત્યાર બાદ કેટલાક વર્ષો બાદ તે વ્યકિત (એ) અન્ય વ્યકિત (બી) ને તે જમીનનું પુર્વ મંજુરીથી વેચાણ કરે તેવા કિસ્સામાં જમીન જુની શરતમાં ફેરવવા અંગે વ્યકિત(એ)ને જમીન ફાળવણીના હુકમની તારીખ અર્થાત સનદની તારીખ ધ્યાને લઇ તા.ર૯-૯-૧૭ના ઠરાવનો લાભ આપવાનો રહેશે.

રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન જુની શરતમાં ફેરવવાના કિસ્સામાં જમીન ફાળવણી તારીખથી રપ વર્ષની અંદર બાંધકામ સંલગ્ન  શરતભંગ થયેલ હોય અને તે અંગેની દંડની રકમ વસુલ કરી લીધેલ હોય તો તેવા કિસ્સામાં પણ સનદની તારીખથી સમયગાળો ધ્યાને લઇ, તા. ર૯-૯-૧૭ ના ઠરાવનો લાભ આપવાનો રહેશે.

રપ વર્ષ બાદ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા અંગેની સત્તા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની રહેશે. દરેક ડે. કલેકટરોને સત્તા સોંપી દિધી.

સરકારના આ પરિપત્રથી એવુ સાબીત થયું છે, કે, રપ વર્ષથી કબજો પ્લોટ-જમીનનો જે તે પાર્ટી પાસે હોય અને બાંધકામ ન કર્યુ હોય તો, અને શરતભંગ થયું હોય તેવા કિસ્સામાં ડે. કલેકટર નિયમીત કરી દેશે.

પરંતુ ર૯-૯ ના ઠરાવ મુજબ જે તે પાર્ટીએ ૭પ ટકા પ્રીમીયમ ભરવુ પડશે, રાજકોટમાં આવી રપ સોસાયટીઓને જમીનો આપી છે, અને ત્યાં વ્યકિતગત ધોરણે બાંધકામ થયું નથી, શરતભંગ થયા છે, તેવા લોકોએ ફરજીયાત બજાર ભાવના ૭પ ટકા પ્રીમીયમ અને ૧૦૦ ટકા પેનલ્ટી ભરવી પડશે.

આ ઠરાવ-પરીપત્રથી સરકારે પ્રીમીયમની કરોડોની આવક થશે, સામે જે તે પાર્ટીના હામ બેસી જાય તેવી પ્રીમીયમની રકમ ગણતરી અને ૧૦૦ ટકા પેનલ્ટીની આકારણી પણ થશે, મહેસુલ ખાતાએ જબરો પરીપત્ર બહાર પાડી નવી શરતની જમીન લઇ શરત ભંગ કરનાર સામે ખેલ પાડી દિધો છે.

જો કે ફડચામાં ગઇ હોય તેને આ ઠરાવથી ફાયદો પણ થશે. (૪.૮)

(3:39 pm IST)