Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ગાંધી મ્યુઝિયમના સંચાલનનો ખાનગી કોન્ટ્રાકટ મંજુરઃ વર્ષે ૭૦ લાખનો ખર્ચ

ગાંધીનગરની દાંડી કુટીરનું સંચાલન સંભાળતી સંસ્થા 'કન્વેન્શન એન્ડ એકસ્પોઝિશન'ને કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત મોકલાશેઃ વિદેશી પ્રવાસીઓ માટ ટિકીટનાં દર રૂ. ૫૦૦ સુધીના રખાશેઃ ફુડ કેન્ટીનના ૨૦ લાખના ભાડાની તંત્રને આવક થશેઃ વિગતો રજુ કરતા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ-મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની

રાજકોટ, તા. ૩ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રૂ. ૨૬ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરાયુ છે. આ મ્યુઝિયમનું સંચાલન કોર્પોરેટ કક્ષાની કંપનીને સોંપવા અંગે મ્યુ. કોર્પોરેશને ટેન્ડરો પ્રસિદ્ધ કર્યા હતા. જેમાં કુલ ૩ કંપનીઓએ ટેન્ડરો ભર્યા હતા તે પૈકી ગાંધીનગરમાં દાંડી કુટીરનું સંચાલન સંભાળતી કન્વેન્શન એન્ડ એકસપોઝીશન નામની સંસ્થાના સૌથી ઓછા ભાવ આવતા તેને આ ગાંધી મ્યુઝિયમનું સંચાલન સોંપવા અંગે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત મુકવામા આવનાર છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજકોટમાં ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું અનેરૂ મહાત્મા ગાંધી મ્યુઝિયમ મ્યુ. કોર્પોરેશન દ્વારા નિર્માણ થયુ છે ત્યારે તેના સંચાલનમાં કોઈ કચાશ રહે નહિં તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની મેનેજમેન્ટ કંપનીઓ પાસે ટેન્ડરો મંગાવી ખાનગી કોન્ટ્રાકટ મારફત આ મ્યુઝિયમનું સંચાલન કરવા માટે કોન્ટ્રાકટ આપવા નિર્ણય લેવાયો હતો. દરમિયાન આ બાબતે ટેન્ડરો પ્રસિદ્ધ કરાતા આઈટીસી કંપની, કામા કંપની અને કન્વેન્શન એન્ડ એકસપોઝીશન એમ કુલ ૩ કંપનીઓએ ટેન્ડરો ભર્યા હતા. આ કંપનીઓ પૈકી કન્વેન્શન એન્ડ એકસપોઝીશન કંપનીએ સૌથી ઓછા વર્ષે ૭૦ લાખ સંચાલનના ખર્ચનો ભાવ ભર્યો હતો. તેમજ મ્યુઝિયમના સંકુલમાં બનાવાયેલ કેન્ટીનનુ ભાડુ વર્ષે રૂ. ૨૦ લાખ કોર્પોરેશનને ચુકવવાનો ભાવ રજુ કર્યો હતો. આથી આ કંપનીનો કોન્ટ્રાકટ મંજુર કરવા અંગે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવશે.

શ્રી પાનીએ વધુમાં જણાવ્યુ હતુ કે ઉપરોકત કંપની મહાત્મા ગાંધી મ્યુઝિયમની સિકયુરીટી, બાગબગીચાની સારસંભાળ, પાર્કિંગ વ્યવસ્થા અને લાયબ્રેરી તથા કેન્ટીન વગેરેનું સંચાલન સંભાળશે.

વિદેશીઓ માટે ટીકીટ  ચાર્જ રૂ. ૫૦૦ સુધી

આ તકે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં હાલમાં એન્ટ્રી ફીના રૂ. ૨૫ લેવામાં આવે છે. તેમા હવે પછી વિદેશી મુલાકાતીઓ પાસેથી રૂ. ૪૦૦ એન્ટ્રી ફીના અને રૂ. ૧૦૦ કેમેરા ફીના લેવાનો નિર્ણય કરાયો છે.(૨-૧૯)

(3:35 pm IST)