Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સોમવારે ધનતેરસ સાથે દિવાળી પર્વનો પ્રારંભ

બજારોમાં રોશનીનો ઝગમગાટ-ખરીદી માટે જામતો માહોલઃ ફટાકડા બજારમાં રોનક

રાજકોટ તા. ૩ :.. તા. પ ને સોમવારે  ધનતેરસ સાથે દિવાળી પર્વનો પ્રારંભ થશે અને બજારોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને બજારોમાં ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે. અને ફટાકડા બજારમાં રોનક દેખાઇ છે.

તા. ૬ ને મંગળવારે કાળીચૌદશ, તા. ૭ ને બુધવારે દિવાળી, તા. ૮ ને ગુરૂવારે બેસતુ વર્ષ, તા. ૯ ને શુક્રવારે ભાઇબીજ પર્વની ઉજવણી કરાશે.

દ્વારકા

દ્વારકા : આગામી આસો માસના અંતિમ (ધનતેરસ) થી તા. ૯-૧૧-ર૦૧૮ દિવસો તેમજ કારતક માસની શરૂઆતમાં (ભાઇબીજ) દરમ્યાન શ્રીજીના દર્શનનો દિપાવલી-નુતન વર્ષ અન્નકુટ ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો હોવાનું ઉત્સવ તેમજ ભાઇબીજ ઉત્સવને મંદિર વહીવટદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

જે અંતર્ગત પ-૧૧-ને સોમવાર ધનતેરશના શ્રીનાં દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.

તા. ૬-૧૧ ને મંગળવાર રૂપ ચર્તુદશીના મંગલા આરતી સવારે પ.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧ર.૪પ કલાકે સાંજના શ્રીજીના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

તા. ૭-૧૧ ને બુધવાર દિપાવલીના મંગલા આરતી સવારે ૬ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે હાટડી દર્શન રાત્રે ૮ થી ૮-૩૦ કલાકે,

તા. ૮-૧૧ ને ગુરૂવાર અન્નકુટ ઉત્સવ-નુતન વર્ષના મંગલા આરતી સવારે ૬ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧ર.૪પ કલાકે, અન્નકુટ દર્શન સાંજે પ થી ૭ કલાકે, અનાસર મંદિર બંધ રાત્રે ૯.૪પ કલાકે

તા. ૯-૧૧ ને શુક્રવાર ભાઇબીજના મંગલા આરતી સવારે ૭ કલાકે, અનેસર (મંદિર બંધ) બપોર ૧ર-૪પ કલાકે, સાંજના શ્રીજીનાં દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

જુનાગઢ

જૂનાગઢ : દાણાપીઠ વિસ્તારમાં આવેલ (પ્રસિધ્ધ) શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષની જેમ વર્ષો જૂની પરંપરા મુજબ (દિવાળીનો તહેવારોમાં) તા. પ ને સોમવારે ધનતેરસથી તા. ૮ ને ગુરૂવારે બેસતા વર્ષ સુધી, શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં, દર્શનનો સમય વહેલી સવારે પ.૩૦ કલાકથી બપોરે ૧ર.૩૦ કલાક સુધીનો સાંજે પ.૩૦ કલાકથી રાત્રીનાં ૧૧.૩૦ કલાક સુધીનો દર્શનનો સમય રહેશે તો દરેક ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. તા. ૮-૧૧ ને ગુરૂવારે મંદિરમાં અન્નકોટના દર્શન રાખેલ છે.

દર્શનનો સમય સાંજે પ.૩૦ કલાકથી રાત્રીના ૮.૩૦, કલાક સુધીનો રાખેલ છે. તો સર્વ-ધર્મપ્રેમીજનોને દર્શન લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

શાપુર (સોરઠ)

જુનાગઢ : ધન્વંતરી પરિવાર ટ્રસ્ટ શાપુર (સોરઠ) તરફથી ધન્વંતરી પરિવાર ટ્રસ્ટ આયોજીત 'ભગવાન ધન્વંતરી યજ્ઞમાં જોડાવા માટે તા. પ ના પાઠવાયું છે.'

દર વર્ષે ધનતેરસે અહીં શાપુર (સોરઠ) માં મહાયજ્ઞ યોજાય છે. સવારે ૮.૩૦ વાગ્યાથી સાંજે  પ વાગ્યા સુધી આ યજ્ઞ ચાલશે. તેમાં ભાગ લેવા ઇચ્છતા સર્વે ભાઇઓ - બહેનો દંપતીઓને ભાગ લેવાની ઇચ્છા હોય તો તા. ૩-૧૧-ર૦૧૮ સુધીમાં ધન્વંતરી પરિવાર ટ્રસ્ટ ઔષધિવન શાપુર (સોરઠ) ફોન નં. ૦ર૮૭ર રપ૭૩૩૯ ઉપર નોંધણી કરવા વૈદ્ય રવજીભાઇ વીસાવડીયા, પ્રમુખશ્રી ધન્વંતરી પરિવાર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

જામજોધપુર

જામજોધપુર : લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન યોજાશે.

આગામી તા. ૮ના રોજ જામજોધપુર લોહાણા મહાજનવાડી મુકામે સાંજે ૪ કલાકે સ્વ. અનસુયાબેન ઠકરાર તથા સ્વ. ચંદુલાલ છગનલાલ ઠકરાર પરિવારના સૌજન્યથી તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાશે.

દિપાવલીના શુભ મુહૂર્તો

ધનતેરસ - લક્ષ્મીપુજન ચોપડા ખરીદવા ગાદી બીછાવવા વગેરેના શુભ મુહુર્તો

ધનતેરસ આસો વદી તેરસ સોમવારે તા.૫-૧૧-૨૦૧૮ના રજ મનાવવામાં આવશે. ધનતેરસના શુભ મુહુર્તો રવિવારની પાછલી રાત્રે ૪ કલાક ૧૫ મીનીટથી સવારે ૬ કલાક ૫૧ મીનીટ સુધી શુભ ચોઘડીયુ તેમજ સોમવારના સુર્યોદય પછી સવારે ૬ કલાક ૫૧ મીનીટથી સવારે ૮ કલાક ૧૫ મીનીટ સુધી અમૃત ચોઘડીયુ. તેમજ સવારે ૯ કલાક ૩૯ મીનીટથી સવારે ૧૧ કલાક ૩ મીનીટ સુધી શુભ ચોઘડીયુ. તેમજ બપોરે ૧ કલાક ૫૧ મીનીટથી સાંજના ૬ કલાક ૫ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ સુર્યાસ્ત પછી સાંજે ૬ કલાક ૫ મીનીટથી રાત્રે ૭ કલાક ૪૧ મીનીટ સુધી ચલ ચોઘડીયું.

દિવાળી - દિપોત્સવી શારદા પુજનના વગેરેના શુભ મુહર્તો

સવંત ૨૦૭૪ વદી અમાસ બુધવારે તા.૭-૧૧-૨૦૧૮ના રોજ દિવાળી મનાવવામાં આવશે. દિવાળીના મુહુર્તો સવારે ૬ કલાક ૫૬ મીનીટથી ૯ કલાક ૪૪ મીનીટ સુધી તેમજ અમૃત ચોઘડીયામાં તેમજ સવારે ૧૧ કલાક ૮ મીનીટથી બપોરે ૧૨ કલાક ૩૨ મીનીટ સુધી શુભ ચોઘડીયુ. તેમજ બપોરે ૩ કલાક ૨૦ મીનીટથી સાંજે સુર્યાસ્ત ૬ કલાક ૮ મીનીટ સુધી ચલ તેમજ લાભ ચોઘડીયા તેમજ રાત્રે ૭ કલાક ૪૪ મીનીટથી રાત્રે ૯ કલાક ૩૨ મીનીટ સુધી શુભ તેમજ અમૃત ચોઘડીયાનો અમુક ભાગ.

પ્રદોષકાળ પ્રમાણે સાંજે ૬ કલાક ૮ મીનીટથી રાત્રે ૮ કલાક ૪૨ મીનીટ સુધી પ્રદોષકાળ છે. પ્રદોષળનો સમય શ્રેષ્ઠ ગણાય છે. તેમજ વૃષભ લગ્ન પ્રમાણે સાંજે ૬ કલાક ૩૫ મીનીટથી રાત્રે ૮ કલાક ૩૧ મીનીટ સુધી વૃષભ લગ્ન ચોપડા પુજન માટે શ્રેષ્ઠ ગણાય છે.

નૂતન વર્ષ ચોપડામાં મિતી પધરાવવી તેમજ ગોવર્ધન પુજા અન્નકુટ ઉત્સવ વગેરેના શુભ મુહુર્તોઃ-  

સવંત ૨૦૭૫ કારકત સુદ એકમ ગુરૂવારે તા.૮-૧૧-૨૦૧૮ના રોજ મનાવવામાં આવશે. હવેલી દેવ મંદિરમાં અન્નકુટ ઉત્સવ મનાવવામાં આવશે.

ચોપડામાં મિતી પધરાવવાના મુહુર્તોઃ

બુધવારની પાછલી રાત્રે એટલે કે ગુરૂવારના સુર્યોદય પહેલા રાત્રે ૩ કલાક ૪૪ મીનીટથી સવારે ૫ કલાક ૨૦ મીનીટ સુધી ગુરૂવારના સુર્યોદય પછી સવારે ૬ કલાક ૫૬ મીનીટથી ૮ કલાક ૨૦ મીનીટ સુધી શુભ ચોઘડીયુ, તેમજ સવારે ૧૧ કલાકે ૪ મીનીટથી બપોરે ૧૨ કલાક ૨૮ મીનીટ સુધી ચલ ચોઘડીયુ.

ભાઇબીજઃ- સવંત ૨૦૭૫ કારતક સુદ બીજ શુક્રવાર તા.૯-૧૧-૨૦૧૮ના રોજ મનાવવામાં આવશે.

લાભપંચમીઃ- સવંત ૨૦૭૫ કારતક સુદ પાંચમ સોમવાર તા.૧૨-૧૧-૨૦૧૮ના રોજ મનાવવામાં આવશે.

જલારામ જયંતિઃ- સવંત ૨૦૭૫ કારતક સુદ સાતમ (બીજી સાતમ) ગુરૂવાર તા.૧૫-૧૧-૨૦૧૮ના રોજ મનાવવામાં આવશે.

આ મુહુર્તો જૂનાગઢના પ્રખ્યાત જયોતિષી દિનેશકુમાર અનંતરાય ભટ્ટ સૂર્યોદય, સુર્યાસ્તની ગણતરી કરીને આપેલા છે.તેમજ પ્રદોષકાળ વૃષભ લગ્ન ગણતરીપૂર્વક આપેલા છે.

વધુ વિગત માટે જૂનાગઢ કાગદી પુજા સ્ટેશનર્સ માલીવાડા રોડ, જુની સેન્ટ્રલ બેંકની સામે, જુનાગઢ વાળા હિતેષભાઇ પારેખનો મો.નં.૯૯૦૪૦ ૩૪૨૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:44 am IST)