Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કણકોટમાં પાણીના વાલ્‍વ ખોલવા નીકળેલા કોળી પ્રોૈઢ પર હુમલોઃ ગરદનમાં ફ્રેકચર

જેન્‍તીભાઇ જંજવાડીયાએ રસ્‍તામાં રાખેલા વાહન દૂર લેવાનું કહેતાં નકાએ ઝઘડો કર્યોઃ ત્‍યારબાદ બીજા ત્રણ જણા સાથે મળી હુમલો કર્યો

રાજકોટ તા. ૩: કણકોટમાં રહેતાં અને પચ્‍ચીસ વર્ષથી કણકોટ પંચાયતના પાણીના વાલ્‍વ ખોલવાનું કામ કરતાં કોળી પ્રોૈઢ મોટરસાઇકલ પર વાલ્‍વ ખોલવા નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં પડેલા વાહન દૂર લેવાનું કહેવાતાં એક શખ્‍સે ઝઘડો કર્યા બાદ બીજા ત્રણને બોલાવી ધોકાવાળી કરતાં આ પ્રોૈઢની ગરદન ભાંગી જતાં સારવાર હેઠળ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે કણકોટ ગામમાં રહેતાં જેન્‍તીભાઇ રાઘવભાઇ જંજવાડીયા (કોળી) (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી ચોટીયો ભૈયો, મહેશ, વિક્રમ અને નકો નામના શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે. જેન્‍તીભાઇ કણકોટ અને કૃષ્‍ણનગર ગામમાં પાણીના વાલ્‍વ ખોલવાનું કામ કરે છે. આશરે પચ્‍ચીસ વર્ષથી તેઓ કણકોટ ગ્રામ પંચાયતનું પાણી પુરવઠાનું કામ કરે છે.

તેમણે પોલીસને જણાવ્‍યું છે કે હું તા. ૧ના રાતે મોટરસાઇકલ હંકારીને પાણીનો વાલ્‍વ ફેરવવાનો સમય હોઇ ગામમાં જતો હતો ત્‍યારે ગામમાં જ રહેતાં નકાના ઘર પાસે પહોંચતા ત્‍યાં રસ્‍તા પર વાહન આડે પડયા હોઇ જેથી મેં નકાને વાહનો થોડા સાઇડમાં લઇ લ્‍યે તો પોતે નીકળી શકે તેમ કહેતાં નકાએ અહિથી વાહન નહિ હટે તેમ કહી ઝઘડો કરી ગાળો દીધી હતી. ઝઘડો થતાં હું મારુ વાહન મુકી ત્‍યાંથી ભાગી ગયો હતો.

આ પછી નકો, તેની સાથે વિક્‍મ, નકાનો દિકરો મહેશ અને કણકોટ પાસે રાધે હોટલ ધરાવતો ચોટીયો ભૈયો મારી પાછળ આવ્‍યા હતા અને ધોકાથી હુમલો કરી વાંસા તથા ગરદનમાં ઘા ફટકારતાં હું પડી ગયો હતો. મને બેફામ ઢીકાપાટુ પણ માર્યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. ત્‍યારબાદ મારા દિકરા સુનિલે મને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. વાહન રસ્‍તામાંથી સાઇડમાં લેવાનું કહેતાં આ હુમલો થયો હતો. ડોક્‍ટરે નિદાન કરતાં મને ગરદનના પાછળના ભાગે ફ્રેકચર થઇ ગયાની ખબર પડી હતી.

તાલુકા હેડકોન્‍સ. જે. એમ. ચુડાસમાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)