Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

''એજયુકેટ ટુ ગ્રેજયુએટ'' સ્કોલરશીપ વિતરણ

 સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન, રાજકોટના ઉપક્રમે આર્થિક રીતે જરૂરિયાતમંદ તેજસ્વી કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રીમતી ઉષાબહેન જાની અમૃત મહોત્સવના ઉપક્રમે કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ તેમજ શેર એન્ડ કેર ફાઉન્ડેશન, યુ.એસ.એ. ના આર્થિક સહયોગથી 'એજયુકેટ ટુ ગ્રેજયુએટ'  સ્કોલરશીપ વિતરણનો સમારંભ વોરા વેલ્ફેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ વોરાના અધ્યક્ષસ્થાને તેમજ ' સંદેશ' દૈનિક સમાચારપત્ર, રાજકોટના નિવાસી તંત્રી શ્રી જયેશભાઇ ઠકરારના અતિથીવિશેષપદે યોજવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે પરિચય તથા અતિથીવિશેષ અને અધ્યક્ષશ્રીનો પરિચય ઇન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશનના નિયામક રશ્મિભાઇ ત્રિવેદીએ આપ્યો હતો. પ્રાસંગીક ઉદ્બોધન સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇએ કર્યુ હતું. સ્કોલરશીપ પ્રાપ્ત બાળાઓ વતી પ્રતિભાવ આપતા શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય-ફુલગ્રામના ધોરણ-૧૧ની વિદ્યાર્થીની હેતલબહેન રાજુભાઇ અણિયાળીયા તેમજ એચ.ડી. ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાંગધ્રાના ધોરણ-૯ ની વિદ્યાર્થીની દયાબહેન ગોવિંદભાઇ રોજાસરાએ જણાવ્યું કે, અમે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. અમારી નબળી આર્થિક પરિસ્થિતીને લીધે ધોરણ-૮ પછી આગળ અભ્યાસ અમારા માટે શકય ન હતો, પરંતુ અમને શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ પ્રાપ્ત થતાં અમે અભ્યાસ ચાલુ રાખી શકયા છીએ. ''એજયુકેટ ટુ ગ્રેજયુએટ' યોજના અંતર્ગત વ્યાજ મુકત લોન પ્રાપ્ત કરી ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વતી પ્રતિભાવ રજુ કરતા બી.ડી.એસ. નો અભ્યાસ કરતા પ્રિયંકા અઘેરા, એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા રાધિકા પડસુમ્બિયા તેમજ ભૂમિ જીવનાનીએ જણાવ્યું કે, અમારા પિતાશ્રીની ઇચ્છા હતી કે અમે ડોકટર બનીએ, પરંતુ નબળી આર્થિક પરિસ્થિતીને કારણે ઇચ્છા પૂર્ણ થઇ શકે તેમ ન હતી. ત્યારબાદ સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશનની 'એજયુકેટ' સ્કોલરશીપની જાણ થઇ, જે પ્રાપ્ત થતા અમે અમારૂ સ્વપ્ન સાકાર કરી શકયા છીએ. સ્કુલ ઓન વ્હીલ્સની ગ્રામીણ શાળાઓના આચાર્યો વતી પ્રતિભાવ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરાના આચાર્યા શ્રી જાગૃતિબહેન મકવાણાએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કોલરશીપ ચેક વિતરણ અધ્યક્ષ મહેન્દ્રભાઇ વોરા, જયેશભાઇ ઠકરાર તથા વોરા ફાઉન્ડેશનના સદસ્યોના વરદ હસ્તે ૪૭૫ વિદ્યાર્થીઓનીઓનેકુલ રૂ ૨૭,૦૨,૦૦૦/ તેમજ એજયુકેટ ટુ ગ્રેજયુએટ યોજના હેઠળ ૫૯ વિદ્યાર્થીઓને કુલ રૂ ૨૮,૦૪,૦૦/ ના લોન તથા સ્કોલરશીપના ચેકનું વ્યકિતગત ધોરણે વિતરણ કરવામાં આવેલ. આ વર્ષના અંત સુધીમા઼ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને વધારાના રૂ ૬,૦૧,૫૦૦/- તથા એજયુકેટ ટુ ગ્રેજયુએટ યોજનામાં રૂ ૩૭,૧૨,૦૦૦/- આપવામાં આવનાર છે. કાર્યક્રના પ્રારંભે શાળાના ધોરણ-૧૧ની વિદ્યાર્થીની ધરા ત્રિવેદીએ ગીતગાન રજુ કરેલ, અતિથીઓનું શાબ્દીક સ્વાગત બાલમંદિરની બાલિકા કનિશા દવે દ્વારા કરવામાં આવેલ, જયારે પુસ્તકગુચ્છથી સ્વાગત ગ્રામીણશાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ. સંસ્થાના સંસ્થાપિકા માનનીય શ્રીમતી ઉષાબહેન જાની દ્વારા મહેમાનોને સ્મૃતીચિન્હ અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારદર્શન ધોરણ-૧૦ની વિદ્યાર્થીની નિહારીકા જાડેજા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા 'બાલક વિશ્વ સુહાસા' નુ ગાન કરવામાં આવેલ. આ તકે સંસ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાનીનું આસુબહેન દ્વારા તથા ગુલાબભાઇ જાનીનું મથુરભાઇ ગોયલ દ્વારા તેમજ સંસ્થાના ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇનું વિનોદભાઇ મેરનું  શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

(3:52 pm IST)