Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અવિશ્વાસ દરખાસ્તમાં હું સાથે નથી, જુની સહીનો દુરૂપયોગ થયોઃ ધીરૂભાઇ પાઘડાર

જિલ્લા પંચાયતના થાણાગાલોળના કોંગી સભ્યએ દરખાસ્તમાં જ અવિશ્વાસ દર્શાવ્યો

રાજકોટ તા.૦૩: જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મૂકાયેલી અવિશ્વાસ દરખાસ્તમાં ટેકેદાર તરીકે જેતપુરના થાણાગાલોળના કોંગી સભ્ય ધીરૂભાઇ પાઘડારનું નામ દર્શાવાયુ છે પણ તેમણે પોતાની જુની સહીવાળા પત્રનો દુરૂપયોગ થયાનો  આક્ષેપ કરી પાર્ટી( કોંગ્રેસ) લાઇન સ્પષ્ટ કરતા ભાજપ પ્રેરિત જુથને ફટકો પડ્યો છે.

ધીરુભાઇ પાઘડારે આજે અકિલાને જણાવેલ કે કેટલાક મહિનાઓ પહેલાની મારી સહીનો અત્યારે દુરૂપયોગ કરાયો હોય  તેવુ લાગે છે. અવિશ્વાસ દરખાસ્તમાં ટેકેદાર તરીકે મારૂ નામ જોડી દીધુ છે. પણ કોઇએ મારી સાથે આ બાબતે આજની તારીખ સુધી વાત  કરી જ નથી.  અગાઉની સહિનો અવિશ્વાસ દરખાસ્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે રજુ થયેલ પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તમાં મેં સહી કરી નથી. હું કોંગ્રેસની સાથે જ છુ. હું સામાન્ય સભામાં હાલના પ્રમુખમાં જ વિશ્વાસ વ્યકત કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે જો ધીરૂભાઇ કોંગ્રેસની લાઇનને વળગી રહે અને ભાજપ તેના વિકલ્પે વધારાના અન્ય કોઇ સભ્યનો ટેકો (કુલ ૨૪) ન મેળવી શકે તો અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવી અશકય થઇ જશે.

(3:48 pm IST)