Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વોટસન મ્યુઝિયમમાં આજથી વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

રાજકોટ તા. ૩ : વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ કેળવાય અને પર્યાવરણના રક્ષણ માટે સૌ પ્રયત્નશીલ રહે તેવા ઉદેશ્યથી તા. ૨ થી ૧૦ ઓકટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત વોટસન મ્યુઝીયમ રાજકોટ ખાતે પણ તા. ૩ થી ૧૦ સુધી યુવા કલાકાર તુષાર પટેલ અને રાજન કાપડીયાના વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણલક્ષી ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.

દરમિયાન આજે પ્રદર્શનના પ્રારંભે સવારે ચિત્રકલાનું લાઇવ ડેમોસ્ટ્રેશન પણ રાખવામાં આવેલ. ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ધ્યાને લઇ નિવૃત્ત શિક્ષક બી. બી. કાતરીયાના સંગ્રહ પૈકી મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રા ડોકયુમેન્ટરી વીડીયો સીડી દર્શાવવામાં આવી હતી.  મહાત્માગાંધી વિષે વકતવ્ય પણ રાખવામાં આવેલ. વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન આયોજીત વિવિધ કાર્યક્રમોનો રસ ધરાવતા સર્વેએ લાભ લેવા વોટસન મ્યુઝિયમના કયુરેટર શ્રી રામાનુજ દ્વારા અનુરોધ કરાયો છે. મ્યુઝીયમ નિહાળવાનો સમય સવારે ૧૦ થી સાંજે પ નો છે.

(3:48 pm IST)