Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ચામુંડાનગર ખીજડા ચોકમાં ગરબીના કાર્યકર અનિકેત રાઠોડ પર બે વર્ષ જુના મનદુઃખમાં હુમલોઃ છરીના ઘા

વણકર યુવાનને દેવનગરના પારસ વણકર, તેના ભાઇ રવિ ઉર્ફ પાંડુ, સની અને રાજે છરીના ઘા ઝીંકયાઃ સામે પક્ષે દેવનગરના પારસને ઇજા પણ ઇજાઃ બંનેએ સારવાર લીધીઃ સામ સામી ફરિયાદ નોંધાઇ

રાજકોટ તા. ૩: ચામુંડા નગરમાં ખીજડા રોડ પર મામા સાહેબના ખીજડા નજીક ભોલે ચોકમાં રાત્રીના ગરબીના કાર્યકર અનિકેત મનોજભાઇ રાઠોડ (ઉ.૨૧) નામના વણકર યુવાન પર બે વર્ષ જુના ડખ્ખાના મનદુઃખમાં દેવનગરના વણકર શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સામા પક્ષે દેવનગરનો પારસ ભવાનભાઇ વણકર (ઉ.૧૮) પણ ઇજા સાથે હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને પોતાના પર અનિકેતે હુમલો કર્યાનું કહેતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ બંને એન્ટ્રી માલવીયાનગર પોલીસમાં નોંધાવી હતી.

અનિકેતની ફરિયાદ પરથી પોલીસે દેવનગરના પારસ, તેના ભાઇ રવિ ઉર્ફ પાંડુ, સની અને રાજ સામે ગુનો નોંધ્યો હતો. તો સામા પક્ષે પારસની ફરિયાદ પરથી અનિકેત સામે ગુનો નોંધાયો હતો. હોસ્પિટલના બિછાનેથી અનિકેતે કહ્યું હતું કે પોતે ખીજડા રોડ પર ભોલે ચોકમાં યોજાતી નવદૂર્ગા ગરબીમાં કાર્યકર હોઇ રાતે બારેક વાગ્યે ગરબી પાસે હતો ત્યારે પારસ, પાંડુ, સની અને રાજે આવી ધોકાથી હુમલો કરી છરીથી હુમલો કરી પગ, સાથળ, બેઠક પર ઘા ઝીંકી દીધા હતાં તેમજ હાથના કાંડામાં મુંઢ ઇજા કરી હતી. બે વર્ષ પહેલા હોળીના તહેવારમાં પાંડુએ ગાળો દીધી હોઇ ઝઘડો થયો હતો. એ મનદુઃખનો ખાર રાખી ગત રાતે અચાનક હુમલો કર્યો હતો.

સામા પક્ષે પારસે કહ્યું હતું કે પોતે અને ભાઇ તથા મિત્રો ભોલે ચોકમાં ફાકી ખાવા ગયા ત્યારે જુના મનદુઃખને લીધે અનિકેતે હુમલો કર્યો હતો. પીએસઆઇ ખાચર તથા રવિરાજસિંહે સામ સામી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી. પાંડુ તથા પારસને સકંજામાં લીધા છે.

(1:17 pm IST)