Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

હવે 'દેશી'ની પણ અછત..છોટુનગરની ધની છેક ગવરીદળથી રિક્ષામાં ૧૧૦ દારૂ લાવતી'તીઃ ધરપકડ

બી-ડિવીઝન પોલીસે બેડી ચોકડીએથી રિક્ષા પકડી : ચાલક ગોપાલ પણ પકડાયો

રાજકોટ તા. ૩: શહેર પોલીસની સતત ધોંસને લીધે વિદેશી દારૂના ધંધાર્થીઓ તીતર ભીતર થઇ ગયા હોઇ પ્યાસીઓમાં દારૂની અછતને કારણે દેકારો બોલી ગયો હતો. હવે દેશી દારૂ મેળવવા પણ પ્યાસીઓ દોડધામ કરતાં થઇ ગયા છે. શહેરમાં કુબલીયાપરા, ચુનારાવાડ, હનુમાન મઢી પાસે છોટુનગર ઝૂપડપટ્ટી, રૈયાધાર, કેકવી પાછળ, કોઠારીયા સોલવન્ટ તેમજ આસપાસના ગામોમાં દેશી દારૂ સહેલાયથી મળતો હતો તે હવે મળતો બંધ થયો છે. આ કારણે બહારના ગામોમાંથી દેશી દારૂની ખેપ મારવાનું શરૂ થયું છે. છોટુનગરની એક મહિલાને બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ બેડી ચોકડીએથી રિક્ષામાં ૧૧૦ લિટર દેશી દારૂ સાથે પકડી લીધી હતી.

પોલીસે રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં રિક્ષાચાલક ગોપાલ ભાયાભાઇ કનારા (ઉ.૩૫) અને છોટુનગર પાસે મફતીયાપરામાં રહેતી ધની ગોવિંદભાઇ વાજેલીયા  (ઉ.૩૫) સાંજે મોરબી રોડ બેડી ચોકડી પાસેથી જીજે૦૩બીયુ-૩૪૨૪માં રૂ. ૨૨૦૦નો ૧૧૦ લિટર દારૂ રાખીને નીકળતાં બંનેને પકડી લીધા હતાં. ગોપાલના પગમાં સળીયા હોઇ તે બીજુ કોઇ કામ કરી શકતો નથી. ધની દેવીપૂજકે ગવરીદળ નજીક સુધી દારૂ લેવા સાથે આવવા રૂ. ૫૦૦નું ભાડુ આપતાં પોતે સાથે ગયાનું રટણ તેણે કર્યુ હતું. ધનીના કહેવા મુજબ પોલીસની ધોંસ વધી હોઇ પોતે દારૂ ઉતારી શકતી ન હોઇ ગવરીદળ તરફથી આ જથ્થો લાવી હતી. ઉલ્લેખનિય છે કે હવે દેશી દારૂની પણ અછત ઉભી થઇ રહી છે. પોલીસની કડક કાર્યવાહીનું આ પરિણામ હોવાનું ખુદ પોલીસ સુત્રો જણાવે છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની અને એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એમ. એફ. ડામોર, આર. એસ. સાંકળીયા, મોહસીનખાન, મનોજભાઇ, મહેશભાઇ, મુકેશભાઇ અને કોન્સ. રાજલબેન કુંચાલા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને કોન્સ. અજય બસીયાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

કુબલીયાપરામાં પોલીસ ચોકી ઉભી થઇ જતાં દેશી દારૂની ભઠ્ઠીઓ લગભગ ઠપ્પ

કુબલીયાપરા-ચુનારાવાડ સહિતના વિસ્તારોમાં અવાર-નવાર શહેર ક્રાઇમ બ્રાંચ અને થોરાળા પોલીસ-ભકિતનગર પોલીસની ટીમો ડ્રાઇવ યોજી હજારો લિટર દારૂના આથા અને સાધનોનો નાશ કરે છે તેમજ દારૂ સાથે શખ્સો, મહિલાઓને પકડી કાર્યવાહી કરે છે. સતત દરોડાને કારણે અહિ દેશીના ધંધાર્થીઓ બીજા ધંધે વળગી ગયાનું જાણવા મળ્યું છે. કુબલીયાપરામાં તો પોલીસ ચોકી પણ ઉભી કરી દેવામાં આવી છે. પી.આઇ. બિ. ટી. વાઢીયાની રાહબરીમાં સતત કર્મચારીઓ ચેકીંગ કરતાં રહે છે.

(1:16 pm IST)