Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાજકોટમાં ડેન્ગ્યુ હેમરેઝીક શોક સીન્ડ્રોમ્સનો ભારે ઉપાડો

સામાન્ય લાગતો ડેન્ગ્યુમાં ર૪ કલાકમાં દોઢ લાખ પ્લેટલેટ કાઉન્ટ ઘટાડી દેતા દર્દીના શરીરમાંથી લોહી નિકળવું : લીવર, કીડની, હ્ય્દય સહીતના અવયવોને ઉપર ભારે અસર થાય છેઃ કયારેક જીવલેણ થઇ શકે છેઃ ડેન્ગ્યુની સારવારમાં કાળજી તેમજ સતત રીપોર્ટ કરાવવા તબીબોની સલાહ : ડેન્ગ્યુના ૧૦૦ દર્દીઓના ૩ દર્દીઓના હેમરેઝીક શોક સીન્ડ્રોમ દેખાય છે, તુરંત સારવાર કરવી હિતાવહ

રાજકોટ, તા., ૩:  આ વર્ષે ચોમાસાની મોસમમાં મેઘરાજા ખુબ વરસ્યા... લાંબો સમય સુધી અવિરત અમીવર્ષા કરી... રાજયના નદી-નાળા-તળાવો-મોટા જળાશયો છલકાયા... સતત ભેજને પગલે રોગચાળો વકર્યો છે. દર વર્ષે ચોમાસાની સીઝન બાદ અગાઉ મેલેરીયા, ઝેરી મેલેરીયા બાદ ડેન્ગ્યુ, ચિકન ગુનીયા સહીતના વાઇરલ  લક્ષણો સાથે સેંકડો દર્દીઓ ઝપટમાં આવી જતા હોય છે.

રાજકોટમાં આ વર્ષે મેઘરાજાએ નવો કિર્તીમાન સ્થાપીને ૬૪ ઇંચથી વધુ વરસાદ નોંધાવ્યો છે. છેલ્લા ૩ દિવસથી વાતાવરણમાં થોડો સુધારો થયો છે. પરંતુ વરસાદી પાણી કે ગંદકી તેમજ ખુલ્લા પાણીના ખાબોચીયામાંથી ઉદભવતા મચ્છરોએ હજારોની તબીયત બગાડી નાખી છે. આ વર્ષે ડેન્ગ્યુના વાયરાએ વરવું સ્વરૂપ લેતા હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા ખુબ વધી છે.

ડેન્ગ્યુના કિસ્સા સામાન્ય રીતે વરસાદ થંભી ગયા બાદ ૧પ દિવસ બાદ જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે તો ડેન્ગ્યુના કિસ્સા ચાલુ વરસાદે તેમજ વરસાદ બાદ ખૂબ નોંધપાત્ર સંખ્યામાં નોંધાયા છે.

આ વર્ષે ડેન્ગ્યુનું કોમ્પલીકેટેડ કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે રાજકોટમાં ડેન્ગ્યુ હેમરેઝીક  શોક સીન્ડ્રોમ્સ જોવા મળતા દર્દીઓની હાલત કફોડી બની છે તો સાથોસાથ નિષ્ણાંત તબીબો પણ આ સીન્ડ્રોમ્સને પારખવામાં ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે.

તબીબોના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુ હેમરેઝીક શોકસીન્ડ્રોમ્સ મચ્છર કરવાથી થાય છે. તેને એડીસ ઇજીપ્ત મોસ્કયુટોર તરીકે ઓળખવામાં આવે છે. દિવસના સમય દરમ્યાન આ મચ્છર કરડતા હોય છે. સામાન્ય રીતે વરસાદી પાણી કે અગાસી, કુંડા તેમજ જયાં પાણી ભરાતા હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય છે.

તબીબોએ વધુમાં જણાવ્યું હતું કે ડેેન્ગ્યુ હેમરેઝીક શોક સીન્ડ્રોમ્સનો ભોગ બનનાર દર્દીને પ્રથમ તો સામાન્ય ડેન્ગ્યુ થયો હોય તેવું લાગે છે. પરંતુ આ લક્ષણો ધરાવતા ડેન્ગ્યુના દર્દીઓને ર૪ કલાકમાં પ્લેટલેટ કાઉન્ટમાં એકથી દોઢ લાખનો અચાનક ઘટાડો થાય છે. દર્દીને તાવ તેમજ શરીરમાંથી લોહી નિકળવા લાગે છે. તેમજ લીવર, કીડની, હૃદય સહીતના અંગો ઉપર અસર થાય છે.

દરેક ડેન્ગ્યુના દર્દીઓને હેમરેજીક શોક સીન્ડ્રોમ ન હોય પરંતુ ડેન્ગ્યુના ૧૦૦ દર્દીમાં ૩ % દર્દીઓને જોવા મળે છે. ગભરાવવાની જરૂર નથી પરંતુ તુરંત સારવાર લેવી જરૂરી હોવાનું તબીબોએ જણાવ્યુ છે.

ડેન્ગ્યુના દર્દીઓ તુરંત તબીબો પાસે સારવાર અને સતત રિપોર્ટ કરાવવા હિતાવહ હોવાનું તબીબોએ જણાવ્યું છે.

(1:21 pm IST)