Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગુજરાતી અસ્મિતાનો વિડીયો વાયરલ બની થનગાટ કરે છે

કુલદીપસિંધ (મો.99099 40805) : ઋષિક પરમાર(મો.94277 31958) : તેજસ પરમાર(મો.94264 60303)

રાજકોટ, તા. ૩ : પોતાના પુર્ણ શિખ સ્વરૂપમા સજ્જ કોઇ પાઘડી ધારી સરદારજી ભવ્ય મંદિરના પ્રાગણથી ડાયરાની શૈલીમાં દોહા લલકારે તો કેવુ આશ્ચર્યજનક લાગે... ? આવીજ આશ્ચર્યની લાગણી હાલમાં વાયરલ થએવા વિડીયો મોર બની થનગાટ કરે... ને જોઇને અનુભવાઇ રહી છે.

નવરાત્રીએ ભકિત, શકિત અને એકતાનો પર્વ છે... આવા ઉમદા સંદેશ સાથે મૂળ અમદાવાદના કુલદિપ સિંઘ કલેરે એક વિડીયો સોંગ બનાવેલ છે, આ વિડીયો છેલ્લા બે દિવસથી ગુજરાતી અને નોનગુજરાતી ભારતિયોમાં ખુબજ સરાહના મેળવી રહ્યો છે. ગીતના લિરિકસ મહાન ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીના કાવ્ય, ગુજરાત મોરી મોરી રે... અને શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય, મન મોર બની થનગાટ કરેમાંથી લેવામા આવ્યા છે.

ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, અસ્મિતા, એકતા અને સર્વધર્મ સમભાવની ભાવનાને તાદ્રશ્ય પ્રસ્તુત કરતો વિડીયો સોંગ, મન મોર બની થનગાટ કરે... સોશિયલ મિડીયા પર છેલ્લા બે દિવસથી ચર્ચા અને પ્રસંસા મેળવી રહ્યો છે. વાયરલ વિડીયો સોંગ અંગે વાત કરતા ગીતના ગાયક કુલદિપ સિંઘએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, હું કોઇ પ્રોફેશનલ સિંગર નથી પણ છેલ્લા કેટલાક સમયથી એકતા અને અખંડતાની ગુજરાતની સાચી સ્પિરિટ રજુ કરતો વિડીયો સોંગ બનાવવાની તમન્ના હતી. ગુજરાતી સાહિત્ય પર થોડુ રિસર્ચ કર્યા પછી, મેં ગુજરાતી સાહિત્યની બે મહાન કૃતીઓ, ગુજરાત મોરી મોરી રે... અને મન મોર બની થનગાટ કરેને મર્જ કરી સોંગ બનાવવાનું નક્કી કર્યુ. મન મોર બની થનગાટ કરે ખૈલેયાઓમાં પ્રચલિત છે અને ગુજરાત મોરી મોરી રે કાવ્ય ગુજરાતની અસ્મિતા રજુ કરે છે. લગભગ એક અઠવાડિયાની મહેનતે આ વિડીયો સોંગ તૈયાર થયેલ છે.

વિડિયો સોંગનું એડિટિંગ રાજકોટની જ ક્રિએટિવ ફર્મ 'ધી વિજયૂલાઈઝર' દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતની ખાશિયત છે કોઇ પણ ધર્મની વ્યકિત કેમ ન હોય, હિંદુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ બધા ઉમળકા ભેર નવરાત્રી ઉજવતા હોઇએ છીએ. અને આજ વાત વિડીયોમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. વિડીયો સોંગના બધા લોકેશન રાજકોટના છે, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને શ્રી ખોડલધામમા શુટિંગ કરવામાં આવી હતી. વિડીયોમાં અમે ગુજરાતી કલ્ચર રજુ કરવા માંગતા હતા, અને અમારી પાસે કોઇ અભિનેતાઓની ટીમ પણ નહોતી, જોકે મજાની વાત તો એ હતી કે, અમે જેટલા લોકોને વિડીયોમાં અભિનય કરવા માટે અપ્રોચ કર્યો એ તમામ અજાણ્યા લોકોએ વિડીયોમાં ઉમળકાભેર ભાગ ભજવ્યો હતો  એમ કુલદીપ સિંઘે ઉમેરતા જણાવ્યુ હતું.

ગીતમાં સંગીત રાજકોટના જ બે યુવા મ્યુઝિક કમ્પોજર્સ ઋશિક-તેજસે આપ્યુ છે, અગાઉ પર આ જોડી અનેક વિડીયો સોંગમાં સંગીત આપી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, ઋશિક-તેજસની જોડી વિદેશોમાં પણ ખુબ પોપ્યુલર છે, આ લખાઇ રહ્યુ છે, ત્યારે આ બન્ને યુવા સંગીતકારો મસ્કતના પ્રવાસે છે અને પોતાના સંગિતથી વિદેશની ધરતીપર ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કહત કલેર અને પોઝીટીવ પાજીના ઉપનામથી જાણીતા કુલદીપ સિંઘ અગાઉ પણ ગુજરાતની ના થાય વાત... અને ગુગલને પુછી પુછી... જેવા ઘણા ગુજરાતી વાયરલ વિડીયો આપી ચુકયા છે. મુળ અમદાવાદના કુલદીપ સિંઘ છેલ્લા ૧૫ વર્ષોથી વ્યવસાયે લેખક છે, અને અખબાર, ટીવી ચેનલ, ન્યુઝ પોર્ટલ અને રેડિયો જેવા માધ્યમોમાં એડિટર અને ક્રિએટિવ હેડ જેવા હોદ્દા સોભાવી ચુકયા છે અને ગુજરાતી ભાષામા પારંગત છે.

(1:11 pm IST)