Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

'મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ'ના પ્રમુખપદે સ્વાતી પરાડકરની વરણી

રાજકોટ તા.૩: મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ વિશ્વભરમાં ઉચ્ચતમ નામના મેળવેલી સંસ્થા છે, કે જેની ગ્રામ્ય વિસ્તારોના બહેનો માટેની ઉન્નતી તેમજ આત્મસન્માન અને સ્વયંરોજગારની તક ઉભી કરવાના ધ્યેય સાથે તા. ૧૫મી માર્ચ ૧૯૫૯ના રોજ નાનકડા પ્રયોગ રૂપે શરૂ થયેલી અને આજે એક વિશાળ વટવૃક્ષ સમાન ભારતભરમાં ફેલાયેલી છે.

આ સર્વે સભ્ય બહેનો દ્વારા વિશ્વવિખ્યાત લિજ્જત પાપડ, લિજ્જત મસાલા, લિજ્જત ઘઉં આટા, લિજ્જત ચપાતી તેમજ સસા ડિટરજન્ટ પાવડર, કેક, લિકવીડ સાબુ અને અન્ય ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવે છે. ભારતભરમાં ૮૨ શાખાઓ અને ૨૭ વિભાગોમાં હજારો બહેનો આત્મસન્માનથી સહિયારા માલિક તરીકે જોડાયેલી છે. લિજ્જત સંસ્થા એક 'પબ્લ્કિ ચેરીટેબલ ટ્રસ્ટ' છે અને ખાદી ગ્રામોદ્યોગ પંચની પહેલી હરોળની અગ્રગણ્ય માન્ય સંસ્થા છે. આ સંસ્થા ચેરીટી કમિશનર દ્વારા બનાવવામાં આવેલ સ્કીમ મુજબ તેમજ સર્વોદય ટ્રસ્ટીશીપનાં સિદ્ધાંતો પર ચાલતી સંસ્થા છે.

સંસ્થાની કારોબારી સમિતિની તાજેતરમાં મળેલ મિટીંગમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવતા શ્રીમતી સ્વાતી આર.પરાડકર-પ્રમુખ, શ્રીમતી પ્રતિભા ઇ. સાવંત-ઉપ પ્રમુખ, શ્રીમતી શારદા ડી. કુબલ-સચિવ, શ્રીમતી પ્રિયંકા જી. રેડકર-સચિવ, શ્રીમતી નમિતા એન. સકપાળ- ખજાનચી, શ્રીમતી સાક્ષી એસ. પાલવ- ખજાનચી તરીકે વરણી થઇ હતી. વધુ માહિતી માટે સંસ્થાના મુંબઇ કાર્યાલયના મો. ૯૮૨૦૨ ૧૩૭૬૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:28 pm IST)