Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીમાં સિકયોરીટી ગાર્ડની દાદાગીરી

ભાજપ અગ્રણી સાથે ઝપાઝપી ગાળા-ગાળી કરતા ચકચારઃ વિજીલન્સ અધિકારીએ પોલીસ ફરીયાદની સલાહ આપી મામલો ઠંડો પાડયોઃ જવાબદારો સામે પગલા નહી લેવાતા અનેક તર્ક-વિતર્કો

રાજકોટ, તા., ૩: મ્યુનીસીપલ કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે સિકયુરીટી ગાર્ડ અને ભાજપ અગ્રણી વચ્ચે ઝપાઝપી અને ગાળાગાળીની ઘટના બનતા જબરી ચર્ચા મચી જવા પામી છે.

આ અંગે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીમાં ચર્ચાતી વિગતો મુજબ બે દિવસ અગાઉ વાહન પાર્કીગના નિયત સ્થળે પોતાનું વાહન પાર્ક કરનાર ભાજપના અગ્રણીને સ્થળ ઉપર રહેલા સિકયુરીટી ગાર્ડે સીટી મારી ગાળ દઇ અને અહી તારે વાહન રાખવું નહિ તેમ જણાવી અભદ્ર ભાષા તથા ગાળાગાળી કરતા આ સિકયુરીટી ગાર્ડને ટપારવા ગયેલ ભાજપ અગ્રણી સાથે સ્થળ ઉપર હાજર ડ્રાઇવર અને સિકયુરીટી ગાર્ડે મળી ઝપાઝપી અને બથંમબથી કરી અને હુમલો કરતા કચેરીમાં જબરી ચકચાર મચી ગઇ હતી.

આમ સિકયુરીટી ગાર્ડની અને ડ્રાઇવરની આ પ્રકારની ગેરવર્તણુક અંગે આ ઘટનાનો ભોગ બનનાર ભાજપ આગેવાને તાત્કાલીક ધોરણે વિજીલન્સ વિભાગના ઉચ્ચ અધિકારી ડીવાયએસપી શ્રી ઝાલાનો સંપર્ક કરી અને આ બાબતે જરૂરી પગલા ભરવા માંગ ઉઠાવી હતી. પરંતુ તેઓએ  આ બાબતે પોલીસ ફરીયાદની સલાહ આપી હતી.

આમ વેસ્ટ ઝોન કચેરીમાં સિકયુરીટી ગાર્ડે ભાજપ આગેવાન સાથે કરેલી   દાદાગીરી સામે કોઇ પગલા નથી લેવાયા ત્યારે સામાન્ય નાગરીક સાથે વેસ્ટ ઝોન કચેરીમાં અવાર નવાર દાદાગીરી ભર્યુ વર્તન થઇ રહયાની ફરીયાદો ઉઠી છે. તંત્રવાહકોએ આ બાબતે જવાબદારો સામે પગલા લઇ અને યોગ્ય પાઠ ભણાવવો જોઇએ તેવી માંગ અરજદારોમાં ઉઠવા પામી છે. (૪.૧૨)

(4:02 pm IST)