Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મારું આયુષ્ય ૧૦૦૦ વર્ષઃ પ્રહલાદભાઇ જાની-માતાજી

નરેન્દ્રભાઇ મોદી દૈવી ઉપાસક છે, ફરી વડાપ્રધાન બનશેઃ ચૂંદડીવાળા માતાજી 'અકિલા'ના આંગણે : રામ મંદિર નિર્માણની તૈયારી છેઃ ભારતમાં ભૂકંપ-પાણીની અછતનો ખતરોઃ કળિયુગના પ્રભાવથી સદ્દવૃત્તિ પરેશાન, મોટું યુદ્ધ થશેઃ ૯૦ વર્ષના પ્રહલાદભાઇ ૭૭ વર્ષથી અન્ન-પાણી લેતા નથી, ૧૩ વર્ષની વયે માતાજી પ્રગટ થયા હતા

પ્રહલાદભાઇ જાની-માતાજી 'અકિલા' કાર્યાલયે પધાર્યા હતા, તેમનું હારતોરાથી સ્વાગત થયું હતું. સાથે ભકતો બિપીનભાઇ પટેલ, જી.એમ. પટેલ તથા અન્યો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩: ।અાોામ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચે ।। ''માતાજીને પ્રસન્ન કરવાનો આ મુખ્ય મંત્ર છે. આ મંત્રને નવાર્ણ મંત્ર પણ કહેવાય છે. મંત્રના નિરંતર જાપથી અજપાાજાપની સ્થિતિ આવી જાય છે. શુદ્ધવૃત્તિથી થયેલા આ મંત્રજાપનું ફળ માતાજી અવશ્ય આપે છે.''

આ શબ્દ પ્રહલાદભાઇ જાનીના છે. ચૂંદડીવાળા માતાજી તરીકે અપાર લોકચાહના ધરાવતા અને ભકતોની શ્રધ્ધાનું કેન્દ્ર બની ગયેલા 'માતાજી' આજે 'અકિલા'ના આંગણે પધાર્યા હતા. પ્રહલાદભાઇ જાની-માતાજી છેલ્લા સાડા સાત દાયકાથી માત્ર હવાના આધારે ધબકે છે. અનાજ-પાણી લેતા નથી. તબીબી પરીક્ષણોમાંથી પણ પસાર થઇ ચુકયા છે. તબીબો પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને તારણ આપ્યું હતું કે, ન સમજાય તેવું કંઇક તત્વ 'માતાજી'માં સક્રિય છે.

યાત્રાધામ અંબાજી ખાતે આશ્રમ નિર્માણ થયો છે, જયાં પ્રહલાદભાઇ 'માતાજી' સખત સાધના રત્ત રહે છે. જીવન યાત્રાની ખૂબ લાંબી અને આશ્ચર્યના આનંદદાયક આંચકા આપતી કહાની છે, પણ તેની ઝલકરૂપે કહી શકાય કે, ૧૩ વર્ષની વયે પ્રહલાદભાઇને માતાજી પ્રસન્ન થયેલા. અનાજ-પાણી વગર જીવી શકાશે તેવા વચન અને પ્રમાણો આપ્યા હતા. આ ઘટના બાદથી પ્રહલાદભાઇનું જીવન માતાજીમય છે. દર પૂનમે અને રવિવારે અસંખ્ય ભકતો દર્શનાર્થે આવે છે અને માતાજી તેના દુઃખ-દર્દ દૂર કરવા પ્રાર્થના કરે છે. નવરાત્રીમાં નવે-નવ દિવસ સમાધિ અવસ્થામાં રહે છે.

'અકિલા' સાથેના સત્સંગમાં માતાજીએ કહ્યું હતું કે, અંબાજીની અપાર કૃપા છે, અનાજ-પાણી વગર શરીર નોર્મલ ધબકે છે આધુનિક વિજ્ઞાનને ભરોસો થતો ન હતો, તેના પરીક્ષણોમાંથી પણ માતાજીએ પાર કરી દીધા છે. માતાજી કહે છે કે, ખેચરી મુદ્રા સિધ્ધ કરવાથી આયુષ્ય લંબાય છે. હું ૧૦૦૦ વર્ષ જીવી શકું છું.

ભારતના ભવિષ્ય અંગે માતાજીએ કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી ફરીથી વડાપ્રધાન બનશે. તેઓ દૈવી ઉપાસક છે, સંતોના આશીર્વાદ તેમના પર છે. જોકે, માતાજીએ કહ્યું હતું કે, ભારતમાં પાણીની અછત-ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો પણ આવી શકે છે.

માતાજીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારી છે. કળિયુગના પ્રભાવથી સદ્દવૃત્તિ પરેશાન છે. મોટું યુદ્ધ પણ સંભવ બને તેમ છે.

પ્રહલાદભાઇ જાની-માતાજી મૂળ માણસા તાલુકાના ચરડા ગામના છે. માતાજીના પ્રાગટ્ય બાદ તેઓ અંબાજી સ્થાયી થયા છે. આશ્રમમાં આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિમાં રત્ત રહે છે દર પૂનમે અને રવિવારે સવારે ૭ થી ૧ર વાગ્યા સુધી લોકોના દુઃખ દર્દ દૂર થાય તેવી પ્રાર્થના કરે છે. અનેક ભકતો દર્શનાર્થે આવે છે. આશ્રમમાં કોઇ ચાર્જ લેવાતો નથી.

પ્રહલાદભાઇ જાની-માતાજી રાજકોટમાં બિપીનભાઇ પટેલને ત્યાં પધાર્યા હતા. બે રાત્રી રોકાણ કર્યું હતું. રાજકોટથી સોમનાથ ગયા હતા અને સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતાં.

(3:55 pm IST)