Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

'માતાજી' સાથે ૧.ર૦ કરોડની છેતરપીંડીઃ પોલીસ ગૃહમંત્રીનું પણ માનતી નથી !

પોલીસને અરજી કરી, ફરિયાદ લેવાતી નથીઃ ગૃહપ્રધાને યોગ્ય કરવા વચન આપ્યું, પણ...: પોલીસ FIR લેવાને બદલે સમાધાનના પ્રયાસો કરે છે!: વિપક્ષી નેતા-ધારાસભ્યો વહારે આવ્યા

રાજકોટ તા. ૩: સાક્ષાત્કાર પામેલા અને સતત સાધના-પરોપકારમાં સક્રિય પ્રહલાદભાઇ જાની-માતાજી દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવે છે. આવી વિભૂતિએ પણ કસોટીમાંથી પસાર થવું પડે છે. માતાજી સાથે રૂ. ૧.ર૦ કરોડની છેતરપીંડી થઇ છે. ધાર્મિક અને હિન્દુત્વવાદી ગણાતી સરકાર માતાજીની એફઆરઆઇ પણ લેવાતી નથી. ગૃહમંત્રીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી, પરંતુ પોલીસ તેમનું પણ માની નથી. માતાજીના ભકત કહે છે કે, પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે, તે ધરાર સમાધાનના પ્રયાસો કરે છે.

જોકે, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો માતાજીના વહારે આવ્યા છે. એસ.પી.ને લેખિત રજુઆત કરી ફરીયાદ દાખલ કરવા કહ્યું છે.

ચુંદડીવાળા માતાજીના ભત્રીજા અતુલકુમાર છનાલાલ જાની (રહે. ચુંદડીવાળા માતાજીની ગુફા, અંબાજી) એ થોડા દિવસો પહેલા અંબાજી પોલીસ મથકે અરજી આપી હતી. જેમાં જણાવાયું કે ભદ્રેશ રમેશચંદ્ર પંડયા, શ્રી મણીરત્ન અંબિકા ચેરીટેબલ ટ્રસ્ટ, અંબાજીના મેનેજીંગ ટ્રસ્ટી હોવાના નાતે તેમની પાસે ધર્મશાળા બનાવવાના કામ માટે જગ્યા વેચાણ રાખવા માટે નકકી કરેલા રૂ. ૧.ર૦ કરોડ આપ્યા હતા. પરંતુ પોતે ટ્રસ્ટના ટ્રસ્ટી ન હોઇ ખોટી રીતે છેતરપીંડી કરી ધાર્મિક સંસ્થાને છેતરવાનો ગુનો કર્યો છે. જેથી તેમની વિરૂદ્ધમાં અંબાજી પોલીસ મથક ખાતે છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ માટે અરજી અપાઇ હતી. અંબાજી પોલીસ મથક દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો. અંબાજી પોલીસ મથકે ગુનો દાખલ ન થતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમજ અન્ય ધારાસભ્યોએ પણ આ મામલે બનાસકાંઠા પોલીસનું લેખિતમાં ધ્યાન દોયું હતું.

આ અંગે અંબાજી પોલીસ મથકનાં પીએસઆઇ કે. એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, 'અરજી મામલે તપાસ ચાલુ છે. કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.'

(3:54 pm IST)