Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મહાભયાનક ડેંગ્યુથી કેમ બચવું? તેના હાથવગા સચોટ અને સરળ ઉપાયો

''ડેંગ્યુ'' ને આયુર્વેદમાં દંડકજવર તરીકે ઓળખવામાં આવે છે અને કહ્યું છે કેએટલે કે દંડાનો આઘાત કરવાથી (માર મારવાથી) જે પીડા થાય તેવી અસ્થિઓમાં (હાડકામાં) પીડા કરનારને દંડક જવર તરીકે ઓળખવામાં આવે છે અને આથી જ તેને આયુર્વેદમાં અસ્થિભંજનજવર, ડેંગ્યુંફીવર, ડેન્ડીફીવર તરીકે ઓળખવામાં આવે છે.

ખાસ કરીને આ રોગ ''સ્ટેગોમિયા ફેશિયેટા'' (Stegomiya feciata) નામના મચ્છરના કરડવાથી સંક્રમણ પામે છે. ત્થા આનો પ્રસાર ઇડિસ ઇબીટ નામના મચ્છરોની માદા જાતિ દ્વારા થાય છે. ખાસ કરીને સ્વચ્છ પાણીમાં આના પુષ્કળ પ્રમાણમાં ''લારવા'' જોવા મળે છે. આ મચ્છર ખાસ કરીને દિવસ દરમિયાન વધુ કરડે છે અને સંક્રમણ પામે છે.

''મચ્છર કરડયાના ત્રણ દિવસો સુધી દર્દીનાં લોહીમાં આના વિષાણુઓ (virus) રહે છે. ત્રણ દિવસ બાદ રોગ પ્રતિકાર શકિત ઉત્પન્ન થતાં વિષાણુઓ નાશ પામે છે. પરંતુ એ ત્રણ દિવસોમાં મચ્છર ફરી કરડે વિષાણુ (virus) રકતની સાથે હોજરીમાં પ્રવેશ કરે છે ત્યારબાદ બાર દિવસની અંદર તેમાં પરિવર્તન થઇ અને તે મચ્છરના દંશ દ્વારા જીવનભર બીજા મનુષ્યમાં ફેલાય શકે છે. આમ જોઇએ તો આ રોગ વિષાણુ (virus) થી ઉત્પન્ન થતો અને અલ્પકાલીન છે તેમ છતાં ઉપર મુજબ જો આગળ વધે તો તીવ્ર ઔપસર્ગીક અને જુના જમાનામાં મરકી (મોટા જનસમુહનો નાશ કરનાર) રોગનું સ્વરૂપ લઇ શકે છે.

આ રોગના મુખ્ય લક્ષણો

શરૂઆતમાં આખું શરીર  અરૂચિ, થાક, ઉલ્ટી ઉબકા અને શરીરનાં ગાત્રો જકડાઇ જાય છે.

આગળ વધતા ૧૦૪ ડીગ્રી જેટલો તાવ આવવો. ૩જા દિવસે તાવ ઓછો થઇ પાછો ૪ ત્થા પ માં દિવસે વધે છે.

આવી રીતે સામાન્ય રીતે આઠ દિવસમાં બે થી ૩ વેગ તાવના આવી આઠમાં દિવસે શાંત થાય છે.

પરંતુ જો રોગ આગળ વધે તો

માથું, આંખો ત્થા કમર અને હાથપગમાં ખુબજ દુઃખાવો થાય છે ત્થા રોગીનું શરીર જકડાઇ જાય છે. કયારેક આ તાવમાં શરીરમાં ચામડી પર નાના નાના દાણા પણ નીકળી શકે છે જે ખાસ કરીને મોઢાના ભાગે કંઠ, છાતી પર મધ્ય શરીર તથા હાથપગમાં જોવા મળે છે.

ખાસ કરીને આ પ્રકારના તાવમાં

નાડીની ગતિ તાવની સાથે વધે છે. પરંતુ તે ધીરે ધીરે મંદ પડે છે અને ૧૦ર  તાવ હોવા છતાં દર્દીની નાડી સામાન્ય ચાલતી હોય છે તે આ રોગની ગંભીરતા સૂચવે છે. અને તાવ ઉતર્યા પછી નાડીની ગતિ સામાન્ય કરતા પણ ધીમી જોવા મળે છે.

આ રોગ ખરેખર ગંભીર છે અને આયુર્વેદ મુજબ બાળકો, વૃધ્ધો અને દુર્બળ માણસો માટે જીવલેણ બની શકે છે. નાક દ્વારા લોહી આવવું અને વધુ પડતો તાવ મુખ્ય લક્ષણો છે.

સાવચેતીઃ

આવા રોગના ફેલાવા સમયે ખુબ સાવચેતી પુર્વક જયારે પણ તાવ આવે તો તાત્કાલીક તેની તપાસ ત્થા સારવાર ચાલુ કરવી જરૂરી છે. સામાન્ય રીતે આ તાવમાં શ્વેતકણો ત્થા ત્રાકકણો વધે છે ત્થા લીમ્ફોસાઇટ ઇઓસીનોફીલનુંં પ્રમાણ વધે છે.

અને આ વાઇરસ કયારેક સાંધાઓમાં કીડનીમાં, ફેફસામાં, હૃદયમાં ત્થા મસ્તિકમાં સોજો લાવે છે અને રોગીને મૃત્યુના મુખમાં ધકેલે છે સોજા ઉપરાંત વિવિધ અંગોને નુકશાન પહોંચાડી ફેઇલ કરે છે આનેજ આધુનીક ચિકિત્સાં વિજ્ઞાનમાં મલ્ટીપલ ઓર્ગન ફેઇલીયોર કહે છે. ત્યારે આ રોગમાં ખુબજ સાવચેતી જરૂરી છે.

આ રોગમાં ખાસ કરીને રોગથી બચવા માટે ''રોગ પ્રતિકારક શકિત'' (Immunity) જવાબદાર છે. આ રોગ પ્રતિકારક શકિતને વધારવા માટે ત્થા આ વિવિધ પ્રકારના વાઇરસથી થતા રોગ જેવા કે ડેંગ્યુ, સ્વાઇનફલુ વગેરે રોગોથી બચવા માટે જઠરાગ્નિ પ્રદીપ્ત હોવો જરૂર છે. કારણ કે વિવિધ પ્રકારના વાઇરસો શરીરમાં સંક્રમણ કરીને જઠરાગ્નિ મંદ થતા (Immunity)  રોગપ્રતિકારક શકિત ઘટતા જ આ રોગનું ભોગ બનાવાય છે અન્યથા આ રોગ સામે લડવાની શકિત યથાવત રહેતા શરીરમાં પ્રવેશેલા વાઇરસનો નાશ થતા આપણને રોગ લાગુ પડતો નથી.

આયુર્વેદમાં આરોગ્યની સાથે પ્રતિકાર કરે તેવા અનેકવિધ ઓૈષધો આપેલા છે. પરંતુ રોગ અને રોગના લક્ષણો ઉપદ્રવો, રોગીની ઉંમર વાતાવરણ, રોગીના સહેન શકિત વગેરેને ધ્યાનમાં લેવું. સારવાર માટે ખૂબ જરૂરી છે.

આયુર્વેદના સિધ્ધાંત પ્રમાણે રોગગ્રસ્ત થઇ સારવાર કરવી તેના કરતા રોગ ન થાય તે જ જોવું વધારે હીતાવહ છે. માટેજ કહ્યું છે કે, ''ચેતતો નર સદા સુખી.'' તો રોગ ન થાય તેના માટેનાજ ઉપાયો કરવા જોઇએ.

ડેંગ્યુ જેવા જીવલેણ રોગોથી બચવા માટે

(૧) આ સમયમાં સુદર્શન ઘનવટી અથવા ચૂર્ણ અથવા સુદર્શનનો ઉકાળો નિયમિત સવાર-સાંજ ૧-૧ ગોળી અથવા ૧/ર ચમચી ચૂર્ણ લેવું જોઇએ.

સુદર્શન ઉકાળો બનાવવાની રીત ૧ વ્યકિત માટે અર્ધી ચમચી સુદર્શન ચૂર્ણ + ૧ ગ્લાસ પાણી, ધીમા તાપે ઉકાળી ચોથો ભાગ બાકી રહે એટલે ગાળીને સવારના નરણા પીવું.

(ર) કાળી દ્રાક્ષ રાત્રે પ દાણા વ્યકિતદીઠ પાણીમાં પલાળી સવારથી સાંજ સુધીમાં ચુસવી જોઇએ.

(૩) ભુખ કરતા ઓછું જમવું/વધુ પ્રવાહી લેવું. હળવો ખોરાક લેવો.

(૪) ઠંડા પીણા, ફરસાણ, બહારના ખોરાક ન લેવા.

(પ) ઘરમાં રોજ રાઇ, મીઠું, લીમડો, ત્થા આકડાના પાનનો ધુપ કરવો. આમ કરવાથી ડેંગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરનો નાશ થાય છે.

(૬) ઘરમાં ધુપ સાથે સાથે સફાઇ ખુબ જરૂરી છે. જુના ટાયર ત્થા ભંગાર કે જેમાં પાણી ભરાઇ રહેતા આ મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેનો નાશ કરવો ત્થા ખાડા ખાબોચીયા, પાણીના ટાંકામાં બળેલું ઓઇલ, કેરોસીન નાખવું જરૂરી છે. જેનાથી મચ્છરનો ઉપદ્રવ થતો નથી. અને તેજ આ રોગને અટકાવવા માટેનું સલાહભર્યું પગલું છે.

તાવની જેવી અસર થાય કે તરત જ

તબીબને બતાવી સારવાર લેવી જરૂરી છે. સાથે સાથે કોઇપણ ચિકિત્સા પદ્ધતિ સાથે જો નીચેની સારવાર કરવામાં આવે તો ખુબજ ફાયદો થાય છે.

(૧) રાઇ+મીઠું-લઢીને ગરમ પાણીમાં દિવસમાં ૩ વાર નાસ લેવો.

(૨) સુદર્શન ઘનવટી ૧ ગોળી ૩ વાર

આ રોગમાં ખાસ કરીને

શ્વસનતંત્ર ત્થા પાચનતંત્રને વધારે અસર થતી હોય છે તેથી મીઠું નાખીને સરસીયુ તેલ સહેજ ગરમ કરી છાતી અને વાસામાં માલીસ કરી શેક કરવો.

(૩) સીતોપ્લાદી ચુર્ણનું ૧/ર ચમચી / દવા મધ સાથે સેવન કરવાથી ઝડપથી સારા થઇ શકાય છે.

(૪) બાળકોને પણ બાલચાતુર્ભદ્ર ચૂર્ણ ૧/૪ ચમચી મધ સાથે ર વખત અને સમસમની વટી ૧-૧ ગોળી સવાર સાંજ આપવાથી ફાયદો થાય છે.

ટુંકમાં ઉપરોકત બાબતો સાથે સાથે સૌથી મહત્વની બાબત કોઇ સારા તબીબના માર્ગદર્શન નીચે આગળ વધવાથી ખુબ સારી રીતે આ રોગથી બચી શકાય છે ત્થા આ રોગને મટાડી શકાય છે.

(3:52 pm IST)