Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઝેર પીધા બાદ બચી જતાં ચોથા માળેથી પડતું મુકયું: સરકારી પ્રેસ કર્મચારી સલિમભાઇ કુરેશીનો આપઘાત

ચાર અધિકારીઓની સર્વિસ બૂક ખોવાઇ ગઇ હોઇ પોતાની પુછતાછ થશે તેવું વિચારી ચિંતામાં હતાં: ૩૧મીએ ઝેર પીધું ને ગઇકાલે કૂદકો માર્યોઃ દસેક દિવસથી સતત મુંઝવણમાં હતાં: ઝેર પીધા બાદ સારવારમાંથી રજા અપાતાં પ્રેસ કોલોનીના તેમના ઘરેથી રેલનગર ટાઉનશીપમાં રહેતાં માતાના ઘરે રખાયા હતાં: ગત સાંજે ત્યાં મોતથી છલાંગ લગાવીઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૩: જામનગર રોડ પર પ્રસ કોલોનીમાં રહેતાં અને બહુમાળી ભવન પાસે ગવર્નમેન્ટ પ્રેસમાં પ્યુન તરીકે નોકરી કરતાં સલિમભાઇ નુરમહમદભાઇ કુરેશી (ઉ.વ.૪૬)એ ૩૧મીએ ઝેર પીધા બાદ બચી ગયા પછી ગત સાંજે રેલનગર ટાઉનશીપમાં પોતાના માતાના ઘરે ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પોતે જ્યાં નોકરી કરતાં હતાં એ ઓફિસમાં અમુક અધિકારીઓની સર્વિસ બૂક ખોવાઇ ગઇ હોઇ આ બાબતે પોતાની પુછતાછ થશે તેવું વિચારી દસ-બાર દિવસથી સતત ચિંતામાં હતાં. આ કારણે પગલુ ભર્યાની શકયતા દર્શાવાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર રોડ પર પ્રેસ કોલોનીમાં રહેતાં સલિમભાઇ નુરમહમદભાઇ કુરેશીએ ગઇકાલે સાંજે રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતાં પોતાના માતાના ઘરે હતાં ત્યારે ચોથા માળેથી છલાંગ મારતાં પગમાં ગંભીર ઇજાઓ થતાં જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ તરફથી જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રાઇટર રવિરાજભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સલિમભાઇ કુરેશી ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્રો છે. સલિમભાઇ સરકારી પ્રેસમાં પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. પોલીસની પ્રાથમિક પુછતાછમાં નોકરી બાબતે સલિમભાઇ દસેક દિવસથી ટેન્શનમાં હોવાનું કહેવાયું હતું. મૃતકના એક સગાએ જણાવ્યા મુજબ સરકારી પ્રેસના ચાર ઓફિસરની સર્વિસ બૂક ખોવાઇ ગઇ હોઇ સલિમભાઇ પ્યુન તરીકે નોકરી કરતાં આ બાબતે પોતાની ઉપર બધુ આવશે તેવું વિચારી દસેક દિવસથી સતત ચિંતામાં રહેતાં હતાં.

આ કારણે તેમણે ૩૧મીએ સવારે અગિયારેક વાગ્યે પ્રેસ કોલોનીમાં પોતાના ઘરે માંકડ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર બાદ રજા આપવામાં આવતાં તેમના ઘરે ન લઇ જઇ રેલનગર ટાઉનશીપમાં માતાના ઘરે લઇ જવાયા હતાં. અહિ ગત સાંજે તેમણે ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. બનાવને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. અંતિમવિધી બાદ પોલીસ સ્વજનોના નિવેદનો નોંધી પ્રેસમાં સાથી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવશે.

(11:44 am IST)