Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ત્રણ વેપારી અને રૂ. પ૦ લાખની લાંચ લેનાર દિલ્હીના શખ્સને પકડવા પોલીસ રવાના

રાજકોટનું બારદાન કૌભાંડઃ ગુજકોટના મેનેજરને રૂ. ૩૧ લાખની લાંચ અપાઇ હતીઃ જેલમાં રહેલા મગન ઝાલાવડીયા સહિતનાઓનો કબજો મેળવવાની કવાયત

રાજકોટ : માર્કેટીંગ યાર્ડમાં બારદાનનો જથ્થો સળગાવી દેવાના ચકચારી પ્રકરણમાં રીમાન્ડ પર રહેલા ગુજકોટના મેનેજર મનોજ બ્રહ્મભટ્ટને રૂ. ૩૧ લાખની લાંચ દેનાર બારદાનના ત્રણ વેપારી પાસેથી રૂ. પ૦ લાખની લાંચ લેનાર દિલ્હીના શખ્સને પકડી લેવા પોલીસ ટૂકડી રવાના થઇ હતી, તેમજ અગાઉના ગુનામાં જેલમાં રહેલા મગન સહિતના બે શખ્સનો જેલમાંથી કબજો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

સમગ્ર મામલાની તપાસ ચલાવી રહેલા ક્રાઇમ બ્રાંચના પીઆઇ હિતેષ ગઢવીએ જણાવ્યું હતું કે, મનોજ બ્રહ્મભટ્ટે આગની ઘટના બાદ બારદાનનો રૂ. ૧૩ કરોડનો વીમો પકાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

જો કે આગ શંકાસ્પદ હોવાથી વીમા કંપનીએ વીમો નામંજૂર કરતાં મનોજ બ્રહ્મભટ્ટે દિલ્હીના મહેશ તુલીનો સંપક કર્યો હતો. અને રૂ. ૧૩ કરોડનો વીમો મંજૂર કરાવવા માટે તેને રૂ. પ૦ લાખની લાંચ આપી હતી. મનોજ બ્રહ્મભટ્ટને લાંચ આપનાર ત્રણ વેપારી અને મનોજ પાસેથી લાંચ લેનાર દિલ્હીના શખ્સને પકડવા શહેર પોલીસની જૂદી - જૂદી ટૂકડી રવાના થઇ હતી. તેમજ મગન અને પરેશનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવાની તજવીજ શરૂ કરી છે.

(12:04 pm IST)