Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મધ્યાહન ભોજનના ઘંઉ-ચોખા અને બે વાહનો ચાંઉ કરી જવાનું કોૈભાંડઃ રાજકોટનાપાંચ અને દિલ્હીના બે શખ્સો સામે ગુનોઃ પ્ર.નગર પોલીસે પાંચને પકડ્યા

રાજકોટઃ રાજકોટમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ કોન્ટ્રાકટ ધરાવતાં દિલ્હીના વણિક શખ્સોએ કાવત્રુ ઘડી બીજા લોકો સાથે મળી સરકારનો આવશ્યક ચીજવસ્તુ હેઠળનો ઘંઉ, ચોખાનો જથ્થો ૭૯ હજારનો તથા છોટા હાથ અને આઇશર ગાડી મળી કુલ રૂ. ૩,૯૫,૦૦૦નો જથ્થો ઓળવી જતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

બનાવ અંગે પોલીસે મધ્યાહન ભોજન યોજના તથા સંકલિત બાળવિકાસ યોજનાના અધિકારી કાલાવડ રોડ પર વૃજવાટિકામાં રહેતાં જયલીલારામ રાજાભાઇ વાઢા (ઉ.૩૩)ની ફરિયાદ પરથી રાજકોટના રાહુલ જવાહરભાઇ ધોળકીયા, નિજામુદ્દીન અલીહુશેન, લાલાખાન રામતુલાખાન, કાના વીભાભાઇ ભરવાડ અને અર્જુનસિંગ સિતારામસિંગ શીખ તથા દિલ્હીના અંકુર જૈન અને નિરંજન જૈન સામે આઇપીસી ૪૦૬, ૪૦૭, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અંકુર જૈનને મધ્યાહન ભોજન માટે કોન્ટ્રાકટ અપાયો છે. જ્યારે નિરંજન જૈન તેનો રાજકોટનો સંચાલક છે. તેણે આ માટે સુચક સ્કૂલ ખાતે કિચન અને ગોડાઉન રાખ્યું હતું. આ બંનેએ રાજકોટના પાંચ શખ્સો સાથે મળી કાવત્રુ ઘડી સરકારનો જથ્થો ઘંઉ ૬૦૦ કિલો રૂ. ૪૫ હજારના, ચોખા ૨૦૫૦ કિલો રૂ. ૩૫ હજારના તથા આઇશર ગાડી અને છોટા હાથી ગાડી મળી કુલ રૂ. ૩,૯૫,૦૦૦નો મુદ્દામાલ ઓળવી લઇ છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે. દિલ્હીના બે સિવાય રાજકોટના પાંચેય શખ્સોને સકંજામાં લઇ પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ પી. બી. કદાવલા સહિતે તપાસ હાથ ધરી છે.

સોની બજારમાં તહેવાર ઉજવતા તસ્કરોઃ વિનોદભાઇ ડોડીયાની દૂકાનમાં બાકોરૂ પાડી ૧.૪૪ લાખની ચોરી

રાજકોટઃ તસ્કરોએ તહેવારોની પોતાની સ્ટાઇલથી ઉજવણી કરી છે. સોની બજાર સાંકળી શેરીમાં આવેલી મિહીર નામની સોની કામની દૂકાનની પાછળની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો કબાટ તોડી અંદરથી થાળીમાં રાખેલો સોના-ચાંદીનો ભંગાર તથા રોકડા રૂ. ૩ હજાર મળી કુલ રૂ. ૧,૪૪,૩૦૦ની મત્તા ચોરી જતાં એ-ડિવીઝનના પીએસઆઇ કે. એ. જાડેજાએ દૂકાન માલિક ગાયત્રીનગર-૨/૫ના ખુણે રહેતાં વિનોદભાઇ ડાયાભાઇ ડોડીયા (ઉ.૭૪)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)