Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મઢી ચોકની વિશ્વેશ નેચરોપેણી ઇન્સ્ટીટ્યુટના સંચાલક અને છાત્રો સાથે કેરલના પ્રવાસના પેકેજના નામે ટૂર સંચાલક મુંબઇના અંકૂર પટેલની ૭.૮૦ લાખની ઠગાઇ

રાજકોટઃ સુરત અને મુંબઇ ખાતે નકસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ધંધો કરતાં અંકુર કે. પટેલ નામના શખ્સે રાજકોટના રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં તિરૂપતીનગર-૨માં રહેતાં અને ઘર સાથે જ વિશ્વેશ નેચરોપેથી ઇન્સ્ટીટ્યુટમાં પાંચ વર્ષથી છાત્રોને અભ્યાસ કરાવતાં દિક્ષેશભાઇ નરેન્દ્રભાઇ પાઠક (ઉ.૫૦) તથા તેના ઇન્સ્ટીટ્યુટના છાત્રો સાથે કેરલ ટૂરના પેકેજના નામે રૂ. ૭,૮૦,૦૦૦ની ઠગાઇ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઇ છે.

નરેન્દ્રભાઇ પાઠકે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની ઇન્સ્ટીટ્યુટની ટૂર તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી-૧૮ દરમિયાન ત્રણ દિવસ માટે અર્નાકુલમ (કોચી) ખાતે યોજાવાની હોઇ જેથી શિબીરમાં આવતાં છાત્રોને કોઇ ઓળખીતા ટ્રાવેલ એજન્ટ હોય તો વાત કરવા કહ્યું હતું. એ દરમિયાન ભારતીબેન સેજપાલ (રહે. જાગનાથ)એ અંકુરભાઇ કે. પટેલ (મુંબઇવાળા) ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતાં હોવાનું જણાવતાં તેનો ફોન પર સંપર્ક કર્યો હતો. બાદમાં બધુ નક્કી થઇ જતાં અંકુરે તા. ૧૬/૧ થી ૨૫/૧ સુધીના ટ્રેન, પ્લેનની ટિકીટો તેમજ હોટેલો અને રહેવા જમવાનું પેકેજ પોતે ગોઠવી આપશે તેમ કહી વ્યકિત દિઠ ૧૫ હજારનો ભાવ કહ્યો હતો. કુલ ૪૩ શીબીરાર્થીઓએ આ ટૂરમાં નામ નો઼ધાવ્યા હતાં અને રૂ. ૬,૪૫,૦૦૦ અંકુરને આપી દીધા હતાં. એ પછી બીજી રકમ આપી કુલ રૂ. ૭,૮૦,૦૦૦ તેને આપ્યા હતાં.

પરંતુ ૧૫/૧ના રોજ બધા પોતાની રીતે ટ્રેન મારફત કોચી જવા નીકળ્યા હતાં અને ૧૬મીએ રાત્રે સાડા દસે ત્યાં પહોંચ્યા હતાં ત્યારે અંકુર તરફથી કોઇ જ વ્યવસ્થા થઇ નહિ હોવાનું જણાયું હતું અને તેણે ખોટી વાતો કરી ગોળગાળો જવાબો આપી ફોન પણ રિસીવ કર્યો હતો. તેની અમદાવાદ ઓફિસના રમીઝભાઇનો કોન્ટેકટ કરતાં તેણે કહ્યું હતું કે અંકુર પટેલે બુકીંગ માટે કે પેકજ માટે કોઇ પણ પ્રકારની રકમ આપી નથી આથે કોઇ બૂકીંગ થયું જ નથી. બાદમાં શીબીરાર્થીઓએ પોતાની રીતે મુનાર, અર્નાકુલ્લમ, થેકડી, કોઅલ્લમ, એલીપી ખાતે પ્રવાસ કર્યો હતો. પાછળથી અંકુર પાસેથી પૈસા પાછા માંગતા તેણે પૈસા આપ્યા નહોતાં. માત્ર આઠ લોકોની એર ટિકીટ કરાવી આપી હતી. આમ કુલ રૂ. ૭,૮૦,૦૦૦ની ઠગાઇ કર્યાનો આરોપ મુકાયો છે.

પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એન. એમ. સોલંકી અને ટીમે તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(11:19 am IST)