Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સૌરાષ્ટ્ર લોક મેળામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે

પાંચ દિવસીય મેળામાં અનેક આકર્ષણ : ૪૪થી વધુ ચકડોળ, મોતના કુવા, જાદુગર મુખ્ય આકર્ષણ

અમદાવાદ,તા. ૨ : સૌરાષ્ટ્રના લોકપ્રિય ગોરસ લોકમેળાની શરૂઆત થયા બાદ આને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળામાં આ વખતે ચાર મુખ્ય પ્રવેશદ્વારો ઉપર શ્રીકૃષ્ણ નામ આપવામાં આવ્યું છે. મેળામાં કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનાર ગોરસ લોકમેળામાં આઠથી દસ લાખ લોકો દર વર્ષે પહોંચે છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી શહેરના રેસક્રોસ મેદાન ખાતે શરૂ કરવામાં આવેલા લોક મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ત્રણ હજારથી પણ વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી ચુક્યા છે. આ વખતે બંદોબસ્તમાં જે ગોઠવણી થઇ છે તે મુજબ ૧૦ એસીપી, ૩૭ પોલીસ નિરીક્ષક (પીઆઈ), ૧૧૨ પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીની ચાર કંપની, હોમગાર્ડના જવાનો અને અન્યોની તૈનાતી કરાઈ છે. વરસાદી માહોલ હોવાથી ગંદગી ન થાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રેસક્રોસમાં ૭૨૦૦૦ વર્ગમીટરમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ૪૪ ચકડોળ, રમકડાના ૨૦૦ સ્ટોલ, આઈસક્રીમના ૧૬થી વધારે સ્ટોલ પણ છે. સેલ્ફી ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં જુદા જુદા પ્રકારના ૩૪૭ સ્ટોલ છે.

(9:13 pm IST)