Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોરોનાના કપરા સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તેની ચિંતા સરકારે કરી છે : ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી

રાજકોટમા અટલબિહારી બાજપાઈ હોલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૪૦૦ લાભાર્થીઓને કરાયુ વિનામુલ્યે રાશનનું વિતરણ

રાજકોટ, તા. ૦૩, : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં રાજકોટના પેડક રોડ સ્થિત અટલબિહારી બાજપાઈ હોલ ખાતે વોર્ડ નંબર - ૫ ના  લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે ૪૦૦ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન કીટનું વિતરણ  કરાયું હતું.  

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીએ અધ્યક્ષસ્થાનેથી કહ્યું હતું કે, કોરોનાકાળમાં - લોકડાઉનના સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તે બાબતની ચિંતા કરીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વિવિધ યોજના અન્વયે વિનામુલ્યે રાશન આપવા સહિતના અનેક નિર્ણયો કર્યા છે. વિવિધ યોજના અમલી બનાવી છે. કોરોનાના સમયમાં જે બાળકોના માતા - પિતા મૃત્યુ પામ્યા હોઈ એવા બાળકો માટે પણ રાજ્ય સરકારે યોજના બનાવી છે. નારી શક્તિ માટે પણ વિવિધ પ્રોત્સાહક યોજના ચાલી રહી છે. 

પી.એમ.જી.કે.વાય. હેઠળ રેગ્યુલર રાહત ભાવથી મળવાપાત્ર રાશન ઉપરાંત પ્રતિમાસ વ્યક્તી દિઠ પાંચ કિલો વધારાના રાશનનો વિનામૂલ્યે લાભ મળનાર છે. તેમ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું.

મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.  વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. 

આ તકે પી.એમ.જી.કે.વાય યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ સંવાદ કર્યા હતો. તેમજ દાહોદ ખાતે યોજાયેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વર્ચ્યુલ કાર્યક્રમનું પણ પ્રસારણ કરાયું હતું. 

આ પ્રસંગે 'વન નેશન, વન રાશન કાર્ડ' યોજના અંગેની ફિલ્મ રજૂ કરાઈ હતી. જેના થકી પરપ્રાંતિઓ શ્રમિકોને પણ રાશનનો લાભ કોઈ પણ જગ્યાએથી મળી શકશે. 

સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલે કર્યું હતું.

આ કાર્યક્રમમાં અગ્રણી કિશોરભાઈ રાઠોડ, અશોકભાઈ લુણાગરિયા, કલ્પનાબેન કિયાડા, જ્યંતીભાઈ ભાખર, દિનેશભાઇ ધિયાળ, કોર્પોરેટર સર્વશ્રી વજીબેન ગોલતર, રસિલાબેન સાકરીયા, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ લુણાગરિયા, નાયબ મ્યુ. કમિશ્નરશ્રી આશિષ કુમાર સહિતના મહાનુભાવો, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(7:09 pm IST)