Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ઘા ઉપર મરચું ભભરાવતું સિવિલનું તંત્ર

કોરોનાથી મૃત્યુ પામનારના ડેથ સમરી રિપોર્ટ મેળવવા માટે સ્વજનોની રઝળપાટ

સિવિલ હોસ્પિટલમાં દોઢસોથી વધુ આવી અરજીઓ બે મહિનાથી પેન્ડીંગઃ રાજકોટ શહેર-જીલ્લામાંથી રોજબરોજ ધક્કા ખાઇ રહ્યા છે મૃતકના સ્વજનોઃ આ રિપોર્ટ વગર વીમાની કાર્યવાહી આગળ વધતી નથીઃ મૃતક સરકારી કર્મચારી હોય તો તેની ઓફિસમાં પણ રિપોર્ટ રજૂ કરવા પડે : તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ કહ્યું-તત્કાળ પ્રશ્નનો નિવડો આવી જશેઃ કમિટીને સુચના અપાઇ ગઇ : હડમતીયાના ડો. વિજય વઘેરાનો ડેથ સમરી રિપોર્ટ મેળવવા પિતાએ પાંચ ધક્કા ખાધા, છતાં મેળ ન પડ્યો!

રાજકોટ તા. ૩: કોરોના મહામારીમાં રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના તમામ તંત્રવાહકો અને તમામ સ્ટાફે કાબીલેદાદ કામગીરી કરી છે. કોરોના પછી આવેલી મ્યુકર મહામારીમાં પણ ધડાધડ ઓપરેશન કરી રેકોર્ડ બનાવ્યો હતો. તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ સતત તબિબો તથા તમામ સ્ટાફની ટીમોને દર્દીઓની સેવામાં કાર્યરત રાખી પ્રસંશનીય સેવા કરી છે. પરંતુ હાલમાં તંત્રવાહકો કોરોના-મ્યુકરથી મૃત્યુ પામનારના સ્વજનો સાથે 'ઘા પર મરચુ ભભરાવવા' જેવું કરી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે.  કોરોનાના દર્દીઓ સિવિલમાં નહિવત છે. કોરોના અને મ્યુકરમાયકોસીસને કારણે જેમના મૃત્યુ થયા છે તેમના ડેથ સમરી રિપોર્ટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાંથી મૃતકના સ્વજનોએ કઢાવવાના હોય છે. આ રિપોર્ટ કઢાવવા માટે મૃતકના સ્વજનો દોઢ બે મહિનાથી ધક્કા ખાઇ રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ કોરોનાથી કે મ્યુકરથી જેમના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા હોય તેમના જો વીમા ઉતરાવેલા હોય કે મૃતક સરકારી કર્મચારી હોય તો તેમના મૃત્યુની ખરાઇ કરતો ડેથ સર્ટી રિપોર્ટ જે તે મૃતકના સગા-સ્વજને સિવિલ હોસ્પિટલમાંથી કઢાવી વીમા કંપનીમાં કે પછી મૃતક જ્યાં નોકરી કરતાં હોય એ સરકારી કચેરીઓમાં જમા કરાવવા પડે છે. આ ડેથ સમરી રિપોર્ટ વગર વીમાની કાર્યવાહી કે પછી પી.એફ. સહિતને લગતી કાર્યવાહી આગળ વધી શકતી નથી.

એક તો સ્વજનને ગુમાવ્યાના ઘાવ હોય છે માથે જતાં ડેથ સમરી રિપોર્ટ કઢાવવા ધક્કા ખાવા પડતાં હોવાથી ઘા પર મરચું ભભરાવાતું હોય તેવી હાલાકી મૃતકના પરિવારજનો વેઠી રહ્યાની ફરિયાદો ઉઠી છે. દોઢ-બે મહિનાથી આવી દોઢસો જેટલી અરજીઓ પેન્ડીંગ હોવાનું કહેવાય છે.

ધોરાજીના હડમતીયાના રમેશભાઇ વઘેરાએ જણાવ્યું હતું કે મારો પુત્ર વિજય વઘેરા (ઉ.વ.૨૧) ડોકટર હતો. તેણે કોરોનાકાળમાં ફરજ બજાવી હતી. કોરોના બાદ મ્યુકર થતાં તેનું તા. ૧૨-૦૬-૨૧ના રોજ અવસાન થયું હતું. તેનો ડેથ સમરી રિપોર્ટ મેળવવા માટે અત્યાર સુધીમાં પાંચ ધક્કા ખાધા છે. આજે પણ હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. પરંતુ ફલાણા રૂમ, ઢીકણા રૂમમાં જવાનું કહી ધક્કા ખવડાવાયા હતાં. હજુ રિપોર્ટ મળ્યો નથી.

તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ આ મામલે જણાવ્યું હતું કે સતત કામના ભારણને લીધે અમુક અરજીઓ પેન્ડીંગ હોઇ શકે છે. મેં આજે જ કમિટીનું ધ્યાન દોરી આ સમસ્યાનું તત્કાળ નિરાકરણ લાવવા સુચના આપી દીધી છે. હવે અરજદારોને હેરાન થવું પડશે નહિ.

(3:13 pm IST)