Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસમાં આરોપી સ્વેતલબેન વ્યાસને ૧ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૩, અમદાવાદની મહિલા વિરૂઘ્ધ રાજકોટના રહેવાસી વાસુદેવભાઈ વસંતરાય જાનીએ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ ફરીયાદના કેસમાં રાજકોટની કોર્ટમાં આરોપી સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસને ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે.

 આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટમાં સુરજ યાત્રા સંઘના માલિક વાસુદેવભાઈ વસંતરાય જાનીએ તેમના અમદાવાદ રહેતા સબંધી સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસને આર્થિક જરૂરીયાત ઉત્પન્ન થતા હાથ ઉછીના રૂ।. ૧૧,૫૦,૦૦૦/- પુરા આપેલા. જે રકમની આંશીક ચુકવણી પેટે આરોપી સ્વેતલબેન વ્યાસે ફરીયાદી વાસુદેવ જાનીને તા. ૧૩/૧૦/૨૦૧૭ના રોજનો રૂ।.૨,૦૦,૦૦૦/-   ચેક આપેલ. જે ચેક 'ફંડ ઈનસફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફરતા, તેમજ ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં તે ચેક મુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી વાસુદેવભાઈ વસંતરાય જાનીએ સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસ વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ.

  ત્યારબાદ સદરહુ કેસમાં ફરીયાદ પક્ષે પુરાવો પુરો થયા બાદ કેસ દલીલ ઉપર આવતાં ફરીયાદીના એડવોકેટ હેમલભાઈ ગોહેલએ નામદાર સુપ્રિમ કોર્ટ તથા અલગ અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીએ પોતાનુ કાયદેસરનું લેણું સાબીત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરીયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ઘ્યાને લઈ આરોપીને સજા કરવા રજુઆત કરેલ.

 ત્યારબાદ ફરીયાદ પક્ષે થયેલ રજુઆત ઘ્યાને લઈ રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી.શ્રીએ આરોપી સ્વેતલબેન મુકેશચંદ વ્યાસને દોષીત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરીયાદીને એક માસની અંદર ચુકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ફરીયાદીને એક માસની અંદર રકમ ન ચુકવે તો વધુ છ (૬ ) માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

 આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રીઓ હેમલભાઈ ગોહેલ, મલ્હાર સોનપાલ તથા કોમલ કોટક રોકાયેલા. 

(3:09 pm IST)