Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

બજરંગવાડીમાં હોલની સામે મહેમાનને કાર પાર્ક કરવાની ના પાડતા સંચાલકે ડોકટરને છરી ઝીંકી

ડોકટર મહંમદ અલી મટારીની ફરીયાદ પરથી જુણેજા હોલના સંચાલક રીઝવાન સામે ગુન્હો

રાજકોટ તા.૩ : બજરંગવાડીમાં ઉસ્માનીયા પાર્કમાં રહેતા તબીબ પોતાના ઘર પાસે હતા ત્યારે ઘર સામે આવેલા જુણેજા હોલના સંચાલકે ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બજરંગવાડી શેરી નં. ૧ ઉસ્માનીયા પાર્ક જુણેજા હોલની સામે રહેતા તબીબ મહંમદઅલીભાઇ બાવામીયાભાઇ  મટારી (ઉ.૪ર) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે ભગવતીપરા મેઇન રોડ પર ડો. સૈયદ નામનું કલીનીક ધરાવે છે. પોતે ગઇકાલે પોતાના કલીનીકે હતા ત્યારે તેના પત્નીએ ફોન કરી જણાવ્યું કે, તેના ઘરની સામે આવેલા જુણેજા હોલમાં પ્રસંગ હોઇ, તેમાં આવેલા મહેમાને તેની કાર ઘર પાસે પાર્ક કરી હતી. જેને ઘરની સામેથી કાર લઇ લેવાનું કહેતા હોલનો સંચાલક રિઝવાન ત્યાં ઘસી આવ્યો હતો અને ગાળો દેવા લાગ્યો હતો. તમે જલ્દી આવો તેમ કહેતા પોતે કલીનીકેથી તેના એકટીવા પર ઘરે પહોંચ્યા હતા. દરમ્યાન હોલ સંચાલક રીઝવાન તેના હોલની અંદર બેસેલ હોઇ,  ત્યાં પોતે વાત કરવા ગયા હતા. અને 'ઘરે આવીને તુ ગાળો બોલે છે' તે સારૂ ન લાગે, હવે બીજીવાર આવુ ન કરતો' તેમ કહેતા રીઝવાને 'હવે આવુ નહી થાય' તેમ કહ્યું હતું. બાદ પોતે ઓફીસની બહાર નીકળવા માટે પાછા ફરતાની સાથેજ રીઝવાને તેની પાસે રહેલી છરી કાઢી એક ઘા બેઠકના ભાગે ઝીંકી દીધો હતો. હુમલો થતા પોતાને ચક્કર આવતા પડી જતા આસપાસના લોકો એકઠા થતા હોલ સંચાલક રીઝવાન ભાગી ગયો હતો બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. સંજયભાઇ કુમારખાણીયાએ તપાસ હાથ ધરી છે.

(3:02 pm IST)