Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

તમને સમયસર અનાજ મળે છે..વચેટીયા લાભ લેતા નથી ને...વડાપ્રધાન નરેન્દ્રભાઇએ રાજકોટના નૈનાબેન સાથે સંવાદ કર્યો...

સવારે ૧૧-૩૦ વાગ્યાથી 'દાહોદ' થી મુખ્ય કાર્યક્રમનો પ્રારંભઃ વિજયભાઇ-નીતિનભાઇની ખાસ ઉપસ્થિતિ... : રાજકોટમાં કલેકટર કચેરી પાસેની સસ્તા અનાજની દુકાન ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો : નૈનાબેને કહ્યું કોરોના કાળમાં આ વિનામૂલ્યે અનાજથી મારૂ સારી રીતે ગુજરાન ચાલ્યું: રૈયાના કાર્ડ હોલ્ડરને કલેકટર કચેરી પાસે બોલાવાયાઃ અન્ય એક મહિલા કાર્ડ હોલ્ડર પારૂલબેન સાથે વાત ન કરી... : રાજકોટના ૧૮ વોર્ડમાં અને દરેક ૭૧પ દુકાનો ઉપર વડાપ્રધાનની સ્પીચ અને માલ વિતરણ અંગે લાઇવ પ્રસારણ કરાયું...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજકોટમાં રેશનીંગ કાર્ડ હોલ્ડર શ્રી નૈનાબેન જોષી સાથે લીધો સંવાદ કર્યો હતો, પીએમ અન્ન સહાય યોજના અંગે લાભાર્થીઓને વિગતો પુછી હતી, તસ્વીરમાં નરેન્દ્રભાઇ મહિલા નૈનાબેન સાથે સીધો સંવાદ કરતા, અને તે નિહાળી રહેલા મંત્રીશ્રી આર. સી. ફળદુ, કલેકટર અને પોલીસ કમીશનરશ્રી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩ :.. ગુજરાત સરકાર રાજયભરમાં સાશનના પ વર્ષ પુરા કરવા સંદર્ભે ૯ દિવસનો કાર્યક્રમ મહોત્સવ ઉજવી રહી છે, આજે તા. ૩ ના રોજ રાજકોટ સહિત રાજયભરમાં વડાપ્રધાન અન્ન સહાય યોજના અંતર્ગત સસ્તા અનાજની દરેક દુકાનો અને શહેરો - પાલીકા ક્ષેત્રમાં અન્ય સ્થળો ઉપર દરેક સ્થળે રપ થી પ૦ કાર્ડ હોલ્ડરોને વિનામૂલ્યે ૧પ કિલો ઘઉં આપવાનો - વિતરણ કરવાનો રાજયભરમાં લાઇવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતે દિલ્હીથી ડાયરેકટ લાઇવ આવી 'NFSA' કાર્ડ હોલ્ડરો સાથે સીધો સંવાદ કર્યો હતો, વડાપ્રધાન પોતે સીધો સંવાદ કરનાર હોય. જે તે જીલ્લાનું પુરવઠા તંત્ર હાંફળુ ફાંફળુ બની ગયું હતું. રાજકોટનું કલેકટર તંત્ર-પુરવઠા તંત્રને દોડધામ મચી ગઇ હતી.

રાજકોટમાં અને જીલ્લામાં થઇને કુલ ૭૧પ રેશનીંગ દુકાનો અને ૧૮ વોર્ડમાં ૧૮ સ્થળે અનાજ વિતરણ કરતો લાઇવ કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટનો મુખ્ય કાર્યક્રમ કલેકટર કચેરી પાસે આવેલ સસ્તા અનાજની દુકાન ઉપર સવારે ૧૧-૩૦ વાગ્યાથી શરૂ થયો હતો, જયાં મંત્રીશ્રી આર. સી. ફળદુ, કલેકટર, ડીડીઓ તથા જીલ્લા પુરવઠા અધિકારી શ્રી દેસાઇ અને અન્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

સવારે ૧૧-૩૦ વાગ્યે વિતરણ કાર્યક્રમ શરૂ થયા બાદ બપોરે ૧ર-૩૦ થી મોદી લાઇવ આવ્યા હતા, તેઓ રાજકોટમાં બે મહિલા કાર્ડ હોલ્ડર રૈયાના નૈનાબેન જોષી અને પારૂલબેન રાખશીયા સાથે સીધો સંવાદ કરનાર હતા, પરંતુ નરેન્દ્રભાઇએ માત્ર નૈનાબેન જોષી સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાને નૈનાબેનને તમારૂ નામ શું, અનાજ દર મહિને સમયસર અને કેટલુ મળે છે, વચેટીયા કોઇ લઇ જતા નથી, આ યોજનાની લાભ શું થયો તેવા સવાલો કર્યા હતા, જેના જવાબમાં નૈનાબેને સમયસર અનાજ મળતુ હોવાનું અને ખાસ કરીને કોરોના કાળમાં આ વિનામૂલ્યે અનાજ સહાય યોજનાને કારણે પોતાનું - પરીવારનું ગુજરાન સારી રીતે ચાલ્યાનું વડાપ્રધાનને જણાવ્યું હતું.

આજના કાર્યક્રમ અંગે ડીએસઓ શ્રી વિરલ દેસાઇ, પુરવઠાના ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા તથા અન્યોએ કાર્યવાહી કરી હતી, વડાપ્રધાનના સંવાદ સમયે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ લાઇવ ઉપસ્થિત રહ્યા હતાં, અન્ય ત્રણ મોટા કાર્યક્રમો પ્રમુખસ્વામી ઓડીટોરીયમાં રાણીંગાવાડી, અટલ બિહાર વાજપૈયી હોલ ખાતે યોજાયા હતાં.

(3:00 pm IST)