Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મવડીની રાધેશ્યામ સોસાયટીમાં દરજી કામમાં મંદીના લીધે ભાવીનભાઇ જેસુરે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

દરજી યુવાનનો મૃતદેહ,  બાજુમાં જયાં ફાંસો ખાધો તે દુકાનમાં તપાસ કરી રહેલી તાલુકા પોલીસ અને નીચેની તસ્વીરમાં મૃતકના સગા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩: કોરોના મહામારીના કારણે લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હોઇ તેના કારણે અનેક લોકોના ધંધા-રોજગારને અસર પહોંચી છે અને લોકો પાસે કામ કાંઇ રહયું નથી ત્યારે મવડીની રાધેશ્યામ સોસાયટીમાં દુકાનમાં દરજી યુવાને દરજી કામમાં મંદીના લીધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મવડીની રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૧ માં ભાડાની દુકાનમાં ભાવીનભાઇ ગોપાલભાઇ જેસુર (ઉ.વ.૩પ) એ ગઇકાલે ભાડાની દુકાનમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી મયુરભાઇ ચૌહાણે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. ભાવેશભાઇ વસવેલીયા સહીતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ભાવીનભાઇને સંતાનમાં એક પુત્રી છે. માતા-પિતા માળીયા તાલુકાના ગડુ ગામે રહે છે. પોતે પત્ની અને પુત્રી સાથે મવડી વિસ્તારમાં ભાડે રહેતા હતા અને રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૧ માં દુકાન ભાડે રાખી  દરજી કામ કરતા હતા.

આ બનાવમાં લોકડાઉન બાદ દરજી કામમાં મંદીના લીધે કામ બરાબર ચાલતુ ન હોઇ તેથી આર્થીક ભીંસના લીધે તેણે આ પગલુ ભર્યુ હોવાનું પરીવારજનોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ યુવાને કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:55 pm IST)