Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વિજ બોર્ડની ૧૦૦ યુનિટ માફીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૮ લાખથી વધુ ગ્રાહકોને ૭ર કરોડની માફી અપાઇ

રાજકોટમાં ૧ લાખ ૭ર હજારથી વધુ ગ્રાહકોને ૮ કરોડ ૧પ લાખની રાહતઃ ૬૦ ટકા કામગીરી પૂર્ણ

રાજકોટ તા. ૩: ગુજરાત વિદ્યુત બોર્ડની-લોકડાઉન સંદર્ભે ર૦૦ યુનિટ સુધી જેને બીલ આવતું હોય તેમને ૧૦૦ યુનિટ એક વખત માફ, વીજ બીલમાં રાહતની યોજનામાં તા. ર૯ જુલાઇ સુધીમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૭ર કરોડની રાહત ૧૮ લાખ પ૦ હજાર વીજ ગ્રાહકોને અપાઇ હોવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

જેમાં રાજકોટના ૧ લાખ ૭ર હજારથી વધુ ગ્રાહકોને ૧૦૦ યુનિટ સુધીના સ્લેબમાં માફી અપાઇ છે, અને તે રકમ ૮ કરોડ ૧પ લાખ આસપાસ થવા જાય છે.

વિજ બોર્ડના આદેશ બાદ પીજીવીસીએલ દ્વારા જીપીએસ સિસ્ટમના બીલીંગ મશીનો દ્વારા વીજ બીલો અપાઇ રહ્યા છે, અને આ કામગીરી ૬૩.૮૪ ટકા પૂર્ણ થયાનું અને મીટર રીડરો દ્વારા અપાતા બીલો અંગે આકસ્મિક ચકાસણી પણ થઇ રહ્યાનું અધીકારી સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટમાં વીજ તંત્ર પાસે પ લાખ આસપાસ ગ્રાહકો છે, અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘર વપરાશનું બીલીંગ ધરાવતા અંદાજે ૩૭ લાખથી વધુ ગ્રાહકો છે.

જીલ્લા વાઇઝ વિગતો જોઇએ તો અમરેલી જીલ્લામાં ર લાખ ૧૦ હજાર, કચ્છમાં-૮ર હજાર, ભાવનગર ર લાખ રપ હજાર, બોટાદ-૭૭ હજાર, જામનગર-૧ લાખ ૯૭ હજાર, જુનાગઢ ૧ લાખ ૮૩ હજાર, મોરબી ૧ લાખ ૯ હજાર, પોરબંદર ૧ લાખ ૪૭ હજાર, રાજકોટ સીટીમાં ૧ લાખ ૭ર હજાર, રાજકોટ ગ્રામ્ય-૧ લાખ ૬૮ હજાર, અને સુરેન્દ્રનગર જીલ્લામાં ૧ લાખ ૪ર હજાર આવા ગ્રાહકો વીજ બીલમાં ૧૦૦ યુનિટમાં માફી સંદર્ભે આવરી લેવાયા છે.

અને તા. ર૮-ર૯ સુધીમાં ૧૦ લાખ પ૦ હજારથી વધુ વીજ ગ્રાહકોને ૭ર કરોડની વીજ બીલમાં માફી અપાયાનું સુત્રો પ્રાથમિક રીપોર્ટમાં ઉમેરી રહ્યા છે.

(2:54 pm IST)